લેબલ બ્લોગ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ બ્લોગ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

રવિવાર, 3 ફેબ્રુઆરી, 2013

લેખનનો વ્યવસાય છે શૂરોનો નહિ કાયરનું કામ...


એક ગુજરાતી સાપ્તાહિક છે, જેના તંત્રી - તંત્રી અને સંપાદક તો તેઓ નામના જ છે. ચાર લીટીનો તંત્રી લેખ લખતા પણ તે હાંફી જાય છે. તેઓ તેમના મેગેઝીનમાં એવા પત્રકારોને નોકરીએ રાખે જેની ખાસ કોઈ ઓળખ (તેમની સમજ પ્રમાણે) ઉભી થઇ ના હોય. એક જ વિષય પર બધાય પત્રકારોને અસાઇનમેન્ટ આપે અને તેમને જો ગમી જાય તો એકાદો લેખ છાપી મારે અને બાય-લાઈનમાં કોઈ ભૂતિયું નામ મૂકી દે. ક્યારેક બધાય લેખોનું મિશ્રણ પણ કરે. જોકે એડીટોરીયલ સ્ટાફ માત્ર ત્રણ કે વધીને ચારની સંખ્યાનો જ રાખે છે. ફોટોગ્રાફર રાખતા નથી પણ ક્યારેક કોઈક પત્રકારને કેમેરા પકડાવી દે.તેમજ અગાઉથી જ કયા એન્ગલથી તસ્વીરો લેવી તેનું બ્રીફિંગ પણ કરે.  આ તંત્રી શ્રીની દિવસ દરમિયાન એકજ પ્રવૃત્તિ એડીટોરીયલ અને કોમ્પ્યુટર ડીપાર્ટમેન્ટમાં મુકેલા સી સી ટીવી કેમેરાથી કોણ શું કરે છે તે પોતાના અંગત અને અલાયદા રૂમમાં બેસીને નિહાળ્યા કરે, વચ્ચે વચ્ચે ટીવી પર સમાચાર જોઈ લે. નવા જોડાયેલ પાસેથી તેના અગાઉની કમ્પની વિષે જાણવાનો ભરપુર પ્રયાસ કરે.  આ બધું હોવા છતાં પૈસાની બાબતમાં એકદમ પ્રમાણિકતા. પગાર રોકવો, અટકાવવો... પૈસાની બાબતમાં બોલીને ફરી જવું, પૈસા માટે કોઈને પરેશાન કરવો આવું કઈ જ નહિ. હું માત્ર ૧૪ જ દિવસ અહી રહ્યો અને ૧૫ માં દિવસે મને ગણીને પૈસા આપી દીધા.આનાથી એકદમ જ ઉલટું હું જ્યાંથી ભગ્ન હૃદયે આવ્યો હતો ત્યાં મને જે લખવું હોય તેની પુરતી છૂટ હતી અને એટલે જ તો લાંબા સમયથી ત્યાં જોડાયેલો રહ્યો હતો. એ સમયે પૈસા મારા માટે ગૌણ હતા. આજે નહિ તો કાલ આવક વધશે જ એવી મારી શ્રદ્ધા હતી. અને અંતે એ શ્રદ્ધા અને વિશ્વાસ પૈસાની થતી રેલમ છેલ જોતા ઓગળી ગયા હતા. વૈચારિક માન્યતાઓ પર પૈસા હાવી થયા હતા. હીરાની પરખ સાચો ઝોહરી જ કરી શકે તેની ખબર તો હતી પણ અનુભૂતિ એ સમયે થઇ. મારે ક્યારેય ક્રેડીટ માંગવી પડી ન હતી. બસ પાછળથી થોડીક ઓછી થઇ ગઈ હતી જે મારા માટે અસહ્ય હતું. વિષયાંતર થતું લાગે છે? ચાલો જવા દો આ ચર્ચા. ફરી ક્યારેક વાત. કહેવાનો મતલબ એ કે ઉલટું એટલે દરેક બાબતમાં માત્ર પૈસાની જ નહિ. એક લક્ષ્ય સાથે શરુ થયેલ પૈસાના આભવામાં કે મોહમાં બંદ થઇ જાય અને બીજું ખાસ કોઈ ઉદ્દેશ્ય કે વિઝન વગર ચાલ્યા કરે...  કે બંદ કરવા માટે મજબૂર કરવામાં આવે કે પછી મજબૂરીની આડમાં ઘૂંટણ ટેકવી દેવામાં આવે?
(નામ પૂછવું નહિ, તેમને બધાય ઓળખે મને તો મારા ગામમાં પણ કોઈ ઓળખતું નથી અને કારણ વગર - પૈની પેદાશ નહિ ને ઘડીની નવરાશ નહિ વાળી નથી કરવી)
* * *
પત્રકારત્વના અને લેખનના વ્યવસાયમાં 'સ્થિરતા'ને સ્થાન નથી. સેટ થઇ જવું એમના માટે હોઈ શકે જેઓ હઈસો હઈસો કરીને આ ફિલ્ડમાં કુદી પડ્યા હોય અને મૌલીકતાના 'મ'ની પણ સમજ ન હોય અને ઉઠાંતરી કરવી જેમનું કૌશલ્ય હોય તેમજ કોઈ પણ ભોગે ન્યૂસ સ્ટોરી બનાવી નાખવાની હોય. જેમને માત્ર પગારથી જ મતલબ હોય અને પુરતી માહિતી એકઠી કર્યા વગર જ ગમે તેને ઝુડવા કે ગેલ કરવા માટે તૈયાર હોય તેને સત્ય નહિ સમજાય.

પોતાની વસ્તુનો હક અને અધિકાર પોતાના કરી લેવાની વૃત્તિ તો ગાય કે ભેસનો પોદળો ઉપાડનારાને પણ હોય છે. ગામડામાં સૌથી પહેલી નજર જેની પોદળા પર પડી હોય તે તેના પર ડિંડવું લગાવી પોતાના માલિકી હકની નોધણી કરી નાખે.  જેનો વ્યવસાય જ લેખન અને સર્જનનો છે તે પોતાની કૃતિ પાછળ ઉદાસીન રહે તો ભૂખે મારવાનો સમય આવે કારણકે ચોર લુટારુઓ રાતના અંધારામાં જ ધાડ પાડવા નથી નીકળતા. ચોરીનું સ્વરૂપ અને ચોરના રંગ રૂપ બદલાયા છે પણ કોઈને વસ્તુને પોતાની કરી લેવાની વૃત્તિ એની એ જ છે. અને આજ કારણે કેટલીક સરસ સાઈટ્સ તેમની સામગ્રી મફતમાં નથી મુકતી. ઉઠાંતરી લેખનમાં જ નહિ કલાના પ્રત્યેક ક્ષેત્રમાં થાય છે. કોઈના પુસ્તક પરથી ફિલ્મ બની જાય અને મૂળ સર્જકને જાણ પણ કરવામાં ન આવે તેવું બને. પૈસા અને પ્રતિષ્ઠાના જોરે જોહુકમી પણ થાય. ઉલટા ચોરો કોતવાલોને દંડે. કોપી રાઈટના કાયદાની સમજ હોય તો પણ આવું થાય. (જેને કોપી રાઈટ એટલે શું એની જ સમજ નથી એની વાત આગળ આવશે) કેટલાક સર્જકો પોતાના સર્જન પાછળ જીવનભરની કમાણી લગાવી દેતા હોય છે. ઘર બાળીને તીરથ ન થાય પણ થાય છે. કોઈ પણ ભોગે પોતાની વાત સમાજ સુધી પહોચાડવી પછી ભલે ગમે તે થઇ જાય. ગજવેલની છાતી અને ફના થઇ જવાનું દિમાગ ધરાવનારા સર્જકના શબ્દ કોશમાં બાંધ છોડ કરવી અને પ્રેક્ટીકલ જેવા શબ્દો નથી હોતા. તેઓ એવું પણ નથી વિચારતા કે મારું આ સર્જન કોણ પસંદ કરશે અને કોણ પસંદ નહિ કરે, કોને સમજમાં આવશે કે કોને નહિ આવ? વિશાળ ચાહક વર્ગ ઉભો કરવાની ઈચ્છા જરૂર હોય પણ ઘેલછા નથી હોતી. વીર સાવરકરની આગ ઓકતી કલમથી અંગ્રેજો એવા ભયભીત થઇ જતા કે પુસ્તક છપાયા પહેલા જ તેના પર પ્રતિબંધ મુકાઈ જતો. તેમને ન તો પૈસાની પરવા હતી કે ન ક્રેડીટની. તસલીમા નસરીન અને સલમાન રશ્દી વિરુધ ગમે તેવા ફતવાઓ જાહેર થાય, એક દેશથી બીજા દેશમાં ભટકવું પડે પણ તેઓ પોતાના લખાણમાં બાંધ છોડ પણ કરતા નથી સર્જનને સ્થગિત કરવાની વાત તો દુર રહી...

હવે વાત કરીએ ઇન્ટરનેટની દુનિયાની. અહી કોપી કરવા માટે ખાસ મથામણ કરવાની જરૂર નથી રહેતી. પેન પકડીને ઉતારો નથી કરવો પડતો. બસ સિલેક્ટ ઓલ, કોપી અને પેસ્ટ બસ થઇ ગયું. શું લખ્યું છે એ પણ ખબર ન હોય તેવું બને અને કદાચ પૂરું વાંચ્યું પણ ન હોય. ગઈ સાલ એક હિન્દી બ્લોગર કોર્ટમાં ગયા હતા, તેમની એક પોસ્ટ એક હિન્દી છાપાએ તેમની પરમીશન વગર જ ઉઠાવી લીધી હતી. હમણા થોડા જ દિવસ અગાઉ વાયા ફેસ બૂક એક લેખ વાંચ્યો અને ગમ્યો અને કોમેન્ટ મૂકી ત્યારે મિત્રએ ધ્યાન દોર્યું કે આ લેખ ખરેખર એક બ્લોગ પરથી ઉઠાવવામાં આવ્યો છે. ખરેખર તો આ સોસીયલ સાઈટ્સ કોપી પેસ્ટના અખાડાઓ બની ગઈ છે. ખબર છે કે ત્યાં શેર માથે સવા શેર બેઠા છે તો પણ શેર કરવું પડે. અને એ પણ કેવું વિચિત્ર તમે કોઈક પોસ્ટ પર લાઈક કે કોમેન્ટ ન કરી શકો પણ ઉઠાવી ફરીથી પોસ્ટ જરૂર થાય. હમણા થોડા દિવસ પહેલા મારા હિન્દી બ્લોગ પરની એક પોસ્ટ એક ભાઈને ગમી ગઈ અને તેમણે નીચે કોમેન્ટ મૂકી કે આ લેખની કોપી કરું છું અને ખોટું ના લગાડતા. મેં કહ્યું કે ભાઈ આ લખતી વખતે મગજ અને શરીરને જોર પડે છે અને તમે એમ જ કોપી કરી લેશો? કોપી કરો પણ મારા બ્લોગની લિંક તો મુકો... તો નફફટ થઈને કહ્યું કે લિંક મુકતા નથી આવડતી. તમારું નામ લખ્યું જ છે. લો બોલો. જોકે પાછળથી લિંક બનાવતા શીખીને તેમણે મારા બ્લોગની લિંક મૂકી. અને આમેય એ લેખમાં એવું કઈ હતું નહિ કે મારે રો કકળ કરવી પડે. ક્યાં ક્યાં શું કોપી થઇ રહ્યું છે તેનું બધી જ જગ્યાએ ધ્યાન ન જાય તે સ્વાભાવિક છે અને એવું જ શોધતા રહેવાનો સમય પણ ન હોય તે પણ સ્વાભાવિક છે. ઘણા ઓછા મિત્રો આવી બાબતો પર એક બીજાનું ધ્યાન દોરતા હોય છે. પણ ક્યાંક નજરે ચડી જાય ત્યારે ધ્યાન દોરાનારાનો આભાર માનવો પડે.

લેખનના ક્ષેત્રમાં જેમણે નામના મેળવી લીધી હોય અને એ દ્વારા આવક થતી હોય તેમના કેટલાકને આ બાબતે ચિંતા ન હોય તેવું પણ બને. પણ લખવું જેના માટે એક પેશન હોય અને તેમાંથી કોઈ પણ પ્રકારની આવક ન થતી હોય ત્યારે પોતાના સર્જનની ઉઠાંતરીથી આહત થાય. કેટલાક સરસ લખી શકતા હોય અને ટેકનોલોજી ન જાણતા હોય. કેટલાક ટેકનોલોજી જાણતા હોય અને લખતા ન આવડતું હોય અને બંનેમાં માહિર હોય તેવા પણ કેટલાક હોય. કેટલાક શીખવા માટે પ્રયાસરત હોય. પણ જેને લખતા જ ન આવડતું હોય કે લેખનના ક્ષેત્ર સાથે સ્નાન શુતકનોય સંબંધ ન હોય તે શા માટે બ્લોગ બનાવતા હશે? સમય પસાર કરવા? વાહ વાહીની ખોટી ઘેલછા કે અન્ય કઈ? વિચારવું રહ્યું...

કોણ બ્લોગ લખે છે? જાણીતા લેખકો કે જેઓ એક મુકામ સુધી પહોચી ગયા છે અને આગળ કૈક નવું કરવું છે, પોતાના વાચકો સાથે સીધા સંપર્કમાં રહવા માટે... એમના ઘણા ઓછા લેખકો એવા છે જેઓ જે છાપા અને સપ્તાહીકોમાં લખત હોય એ જ વસ્તુને બ્લોગમાં રીપીટ ન કરતા હોય. બીજા જેઓ માત્ર અને માત્ર ઉઠાંતરી જ કરી જાણે છે અને ખોટી રીતે નાણા રળે છે અને કેટલાક સમય પસાર કરવા. કોઈ વળી નામ જોગ સાથે કવિઓની કવિતાઓ તેમના બ્લોગમાં અપડેટ કરે છે. કોઈ બ્લોગ પર લખતા લખતા સમાચાર સાઈટ પર લખતા થઇ જાય છે અને મફતિયા બ્લોગ છોડી દે છે. દરેકનો પોતાનો અલગ ઉદ્દેશ્ય હોય અને કેટલાકનો ઉપદ્રવ પણ હોય. ઉપરના કારણો પણ હોય.

અને કોઈક પોતાના લક્ષ્ય માટે નીકળી પડ્યા હોય તેના માટે બધું જ ગૌણ બની જાય છે, જેના માટે લેખન એક સાધન છે સાધ્ય નથી.

શુક્રવાર, 11 માર્ચ, 2011

બ્લોગ પર નિયંત્રણ ?


હવે બ્લોગ પર પણ નિયંત્રણ આવી શકે છે એવા સમાચાર આવી ગયા છે. ક્યાં, કઈ રીતે એ તો અલ્લાહ અને ઇશુ જાણે... નિયંત્રણો મુકવા હોય તો દેશમાં અન્ય ઘણી જગ્યાએ તે જરૂરી છે. પ્રથમ તો ટેલિવિઝન પર આવતી જાહેરાતો જેમનું ટાર્ગેટ બાળકો છે. બાળકોને જેમાં કોઈ જ લેવાદેવા ન હોય તેવી પ્રૉડક્ટની જાહેરાતોમાં પણ બાળકોને ઘસડી લાવવામાં આવે છે. કપડા ધોવાના પાવડરમાં પણ બાળકો. જેથી તે કહી શકે કે મમ્મી આ જ સાબુ ખરીદવો છે. દાગ અચ્છે હૈ... નુડલ્સ, ટોનિક, ચોકલેટ, કોલ્ડ્રિંક્સ, બિસ્કીટ, ટૂથપેસ્ટ, વેસેલિન, જાંગિયા, બાળોતિયાં... સ્ત્રી પુરુષના ઉપયોગની વસ્તુઓમાં બાળકો અને બાળકોને ખાવાની ચોકલેટની જાહેરાતમાં યુવતીને જોઇને મનમાં લડ્ડુ ફોડતો યુવાન. દો રૂપયમે દો લડ્ડુ. રિયાલિટી શો(ખાસ કરીને બાળકોના) માં જેના અર્થની પણ સમજ ન પડે એવી ગંભીર ગઝલો ગવડાવવામાં આવે છે જે અપ્રાકૃતિક છે. મુન્ની બદનામ હુઇ જેવા ગીતો પર નિયંત્રણ કેમ નહીં? જેનું નામ મુન્ની હોય તેને આ ગીત સાંભળી કેવી ફિલિંગ થતી હશે?