રવિવાર, 2 માર્ચ, 2014

હું ગુજરાતી ભાષાનો એક સૈનિક છું : ચંદ્રકાંત બક્ષી

                                  ચંદ્રકાંત બક્ષીનો રોમહર્ષક શબ્દ વૈભવ 

હું ગુજરાતી ભાષાનો એક સૈનિક છું. અને ૧૯૫૦થી લખું છું. અને ૧૨૭ પુસ્તકોના પ્રકાશન પછી એક નિષ્કર્ષ પર આવ્યો છું. કલાની દુનિયામાં તમારે સર્વોત્તમ બનવાનું ખ્વાબ જોવું પડે છે. અને ખુલ્લી આંખે દિવસભર એ ખ્વાબ જોતા રહેવું પડે છે. લેખક પાસે શું હોય છે? બસ એક જ જિંદગી, એક પ્રાઇવેટ જિંદગી, રાત્રે ટેબલ લેમ્પના ફેંકાતા પ્રકાશ વર્તુળની અંદર ઘૂમરાતી, ફાઉન્ટન  પેનમાંથી ફૂલસ્કેપ કાગળ પર કતરા કતરામાં ટપકતી એક જ જિંદગી... જેની બળી ગયા પછીની ખાકથી આખો ભૂતકાળ ભરેલો પડ્યો છે.
                                                       ***

મૃત્યુનું રહસ્ય કોઈ પુસ્તક, કોઈ ડાયટ ડોક્ટર, કોઈ લેખક સમજાવી શકતો નથી. 'બાફેલી કોથમીર ખાઓ અને લાંબુ જીવો' અથવા 'કોળું ખાઓ અને કીડની સાફ રાખો' જેવી પુસ્તીકાઓનો બજાર મોટો છે. અને આસ્થાથી આવું વાંચીને અને મિત્રોને વંચાવીને ફૂલ ટાઇમ મફત સલાહો આપનારા હિતૈષીઓની ગુજરાતમાં કમી નથી. ગુજરાતીઓ શું ખરીદે છે? પ્રથમ રસોઈના પુસ્તકો, પછી બીમારી (એટલે કે સ્વાસ્થ્ય!)નાં પુસ્તકો અને અંતે ધર્મના પુસ્તકો અને ખરીદનારનો ક્રમ પણ એજ હોય છે. જે તાર્કિક છે! ખાઓ તબિયત બગડો, પછી ધર્મ ધ્યાન કરો.... એક તરફ બધું જ સંભળી સંભાળીને શરીર સાચવી સાચવીને જીવનારા માણસો છે. બીજી તરફ ખુશહાલ માણસો છે. જે તાનાવોમાંથી પસાર થતા રહે છે અને તેમનો રક્તચાપ કે બ્લડપ્રેસર નોર્મલ રહે છે. જીવતો દરેક માનસ વધારે લાંબુ જીવવાની ઈચ્છા રાખે છે. એ મનુષ્ય પ્રકૃતિ છે પણ હું કેમ હજુ સુધી મારી ગયો નથી એની ચિંતા કરનારા ગુજરાતી લેખકો છે જે લગભગ એક બે વર્ષે લેખોના સંકલનો છાપતા રહે છે. એવા લેખો કે વાંચનારને લાગે કે આ રોગ એનેજ થયો છે, કોલેસ્ટ્રોલ કે શ્યુગર હોવાથી માનસ મરી જતો નથી, બ્લડપ્રેસર સતત વધઘટ થતું જ રહે છે. તમે સૂતા હોવ અને ઉભા થાઓ અને ચાલો ત્યારે પણ રક્તના દબાણમાં ફેરફારો તો થતા જ રહે છે. ચોવીસ કલાક એનું મોનીટરીંગ જરૂરી પણ નથી. બહુ શુદ્ધ હવામાં બહુ શુદ્ધ ઓક્ષિજન લીધે ઘણા સારા સારા ગુજરાતીઓ મરી ગયા છે! કારણ? ઓવરડોઝ ઓફ ઓક્ષિઅન...
                                                     ***

ભાષા આંખ, આંગળીઓ, કાન, શરીર, આત્માથી શીખવાની વસ્તુ છે, સ્ક્રૂ ડ્રાઇવર લઈને પ્રેસર ગેજની સામે જોતાં જોતાં પગથ ફૂટપંપ દબાવી દબાવી ભાષા ખોલી શકાતી નથી. આ દિમાગની ચીજ છે. હું માનું છું કે ભાષા શુષ્ક વ્યાકરણ દ્વારા નહિ પણ સંભળી સંભાળીને સંગીતની જેમ શીખવાની વસ્તુ છે... સંસ્કૃત ભાષા માનસ આજીવન શીખતો રહે છે. એ મારા રક્તચાપની લયની ભાષા છે. મારા અતીતરાગની ભાષા છે. મરણોન્મુખ બૌદ્ધિકનો સંસ્કૃત અંતિમ વિશ્રામ છે... પ્રાતઃ કાળે કૂકડો કૂકરે... કૂ... ક અવાજ કરે છે અને અને એ અવાજ પરથી પાણિનીએ હ્રસ્વ અને દીર્ઘ શોધ્યા હતા. 'કુ' ધ્વનિ અને 'કૂ' ધ્વનિ વચ્ચેનો ફર્ક કદાચ કૂકડાના અવાજમાં સૌથી વધારે સ્પષ્ટ છે. પ્રકૃતીઓના ધ્વનિઓ પરથી આપણે ઉચ્ચારણો કરતા ગયા અને ઉચ્ચારણો માટે સંજ્ઞાઓ પ્રકટાવી. અક્ષર, લિપિ, ભાષાના વિકાસની આજ પ્રક્રિયા રહી છે... આ અનુમાન વિશ્વ તદ્દન વૈજ્ઞાનિક કે તાર્કિક નથી. પણ એ રોચક છે. રોમાંચક છે. શબ્દથી અક્ષર સુધી અને સંજ્ઞાથી ધ્વનિ સુધીની સફર સાચી જ હોય એ પણ જરૂરી નથી. પણ ગાયની ખારીના ધૂળમાં પડેલા આકાર પરથી 'વ' અક્ષર જન્મ્યો છે એવું વિધાન છે. નટરાજના ત્રિશૂળ પરથી 'ર' આવ્યો છે. નર્તકના બાવડા પર પહેરતાં બાજુબંધના આકાર પરથી 'ઉ' આવે છે... આપણો 'ળ' કેવી રીતે આવ્યો હશે? વહેતા પાણીની ઉપર સપાટીની તરલ, નાચતા આકાર ઉપરથી? અને એ ખળખળતા પાણીના અવાજ પરથી આપણે 'ળ' પ્રકટાવ્યો હશે?
                                                      ***

લેખિત શબ્દના વિશ્વમાં જ ખંડકાવ્ય કે એપિક કે મહાનવલ કે ક્લાસીક હોઈ શકે છે. ૨૫,૦૦ વર્ષ જૂની લેખન કૃતિ આજે પણ જીવંત રહી શકે છે. સિનેમા કે ટીવીમાં એપિક ન હોઈ શકે, ક્લાસીક સંભવી શકે નહિ. ૧૯૯૩ન વાચકની દ્રૌપદી હતી, ૧૮૯૩ન વાચકની પોતાની દ્રૌપદી હતી, ૧૮૯૩ન વાચકની દ્રૌપદી એના પૂરા પરિપ્રેક્ષ્યને બદલી નાંખે છે. દ્રૌપદીનો પુનર્જન્મ થતો રહે છે. બી.અર.ચોપડાના 'મહાભારત'ની ટીવીની દ્રૌપદી એક આયામી, ફ્લેટ, રક્ત કે રોષ વિનાની ફરતા કટ આઉટ જેવી ઉષ્માહીન દ્રૌપદી છે... લેખકનું લેખન, વાર્તા કે નવલકથા ક્યારે પૂરી થઇ ગણાય? જયારે લેખકની એના સર્જનમાંથી એક અલ્પવિરામ કે એક શબ્દ પણ બદલવાની સત્તા  ખતમ થઇ જાય ત્યારે એ કૃતિ જન્મી ચૂકી છે, લખવાનું ભૌતિક કર્મ સમાપ્ત થઇ ગયું છે. વાચકે કબજો લઇ લીધો છે. 


    

1 ટિપ્પણી:

અજ્ઞાત કહ્યું...

બહુજ સરસ આર્ટીકલ.

શું ગુજરાતનુનો શિક્ષણ વિભાગ ગુજરાતી ભાષાનો સૈનિક બનશે??


ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?
આધુનિક ગુજરાતી પ્રતિભાઓ ગુજરાત માં હિન્દી પ્રચાર કેન્દ્રો ને વેગ કેમ આપી રહ્યા છે ? હિન્દી શીખે છે પણ ગુજરાતી અન્ય રાજ્યોને શીખવાડી શક્તા નથી.આમ કેમ? રાષ્ટ્રિય સ્તરે મહાત્મા ગાંધીજીના નામે હિન્દી પ્રચાર થઇ શકે છે પણ ગુજરાતમાં સરદાર પટેલ અને મહાત્મા ગાંધીજીના નામે ગુજનાગરી લિપિ નો અને ભાષાનો રાષ્ટ્રિય સ્તરે પ્રચારનો અભાવ છે.કેમ?

ગુજરાતીઓ એ ફક્ત હિન્દી પ્રચાર કેન્દ્રો ગુજરાતમાં શું કરી રહ્યા છે ,ગુજરાતમાં હિન્દી માધ્યમની કેટલી સ્કૂલો છે , તેમનો ધ્યેય શું છે,તેમના હિન્દી પ્રચાર મંત્રો શું છે અને જે તેઓ કરેછે તે ભારતની સર્વ શ્રેષ્ટ નુક્તા અને શિરોરેખા મુક્ત ગુજનાગરી લિપિમાં માં શક્ય છે કે નહી તેનો અભ્યાસ કરવાની જરૂર છે.

આ ઈન્ટરનેટ યુગમાં સર્વે ભારતીય ભાષાઓ સ્વલિપિમાં ,ભાષા લિપિ રૂપાંતર દ્વારા શીખી શકાય છે.
ભલે બોલો,શીખો હિન્દી પણ લખો ભારતની શ્રેષ્ટ સરળ ગુજનાગરી લિપિમાં!

લિપિ રૂપાંતર / Lipi Rupaantar:
http://chakradeo.net/girgit/
http://www.virtualvinodh.com/wp/aksharamukha/