બુધવાર, 5 માર્ચ, 2014

ભારત... ભારત અને ભારત : આ પણ ઇતિહાસ છે

                           
                                મોક્ષમૂલમ રાતિ દદાતિ ઇતિ મોક્ષમૂલર:
                         ભારત... ભારત અને ભારત : આ પણ ઇતિહાસ છે

      બુધવાર, તારીખ ૧૯ માર્ચ ૨૦૦૩ 'મુંબઈ સમાચાર'માં પ્રકાશિત મારો એક લેખ  

  
મેક્સમૂલર પોતાના પ્રસિદ્ધ પુસ્તક 'વ્હોટ કેન આઈ ટીચ અસ'માં જણાવે છે કે સંસ્કૃત સાહિત્ય માનવીય સદગુણો અને રોચકતાથી પરિપૂર્ણ છે. સંસ્કૃત સાહિત્યથી જે પ્રાપ્ત કરી શકાય છે એટલું ગ્રીક સાહિત્યમાંથી પ્રાપ્ત કરી શકાતું નથી. સંસ્કૃત એક એવો વિષય છે, જેનાથી આપણી અવકાશની ક્ષણ આનંદદાયક બને છે.


જો મને પૂછવામાં આવે કે સૌ પ્રથમ આ ધરતી ઉપર માનવ વિકાસ ક્યાં થયો અને જીવનની સમસ્યાઓનું સમાધાન પ્રથમ ક્યાંથી મળ્યું તો હું કહીશ ભારત ભારત અને ભારત. પ્રસ્તુત વાક્ય પ્રસિદ્ધ જર્મન વિદ્વાન મેક્સમૂલરનું છે. જેમણે ભારતીય સંસ્કૃતિ, વેદો, ઉપનિષદો તેમજ અન્ય દર્શન શાસ્ત્રોનો ગહન અભ્યાસ કર્યો હતો. તેમને ભારત પ્રત્યે જેટલો લગાવ હતો તેટલા જ તેઓ પશ્ચિમી સંસ્કૃતિ પ્રત્યે ઉદાસિન હતા. તેમનો સંસ્કૃતિ પ્રેમ અને ભારત ભક્તિ જોઈએને ભારતીય વિદ્વાનો તેમની 'મોક્ષમૂલર' કહીને પ્રશંસા કરતા.

મેક્સમૂલરે ઈ.સ. ૧૮૪૪મ 'હિતોપદેશ'નો જર્મન ભાષામાં અનુવાદ પ્રકાશિત કરી આધાર વર્ષની કિશોરાવસ્થામાં જ લીપ્જીંગ વિશ્વ વિદ્યાલયમાં સંસ્કૃતનું અધ્યયન શરુ કર્યું હતું. અને 'કઠ' તેમજ 'કેન' વગેરે ઉપનિષદોનો જર્મન ભાષામાં અનુવાદ ઉપરાંત 'મેઘદૂતનો' જર્મન પદ્ય અનુવાદ પ્રગટ કર્યો હતો.

ઈ.સ ૧૮૪૫માં શ્રી બર્નૂફની સેવામાં ઉપસ્થિત થયા હતા. જેઓ ઋગ્વેદ સાયણભાષ્યનું  સંપાદન તથા પાંડુ લિપિ તૈયાર કરી રહ્યા હતા. મેક્સમૂલરે પોતાના ગુરુના આદેશ અનુસાર પોતાનું સંપૂર્ણ જીવન વેદ માટે સમર્પિત કરવાનું સ્વીકારી લીધું. 

મેક્સમૂલરે પોતાની ડાયરીમાં નોંધ્યું છે : હું બર્નૂફ દ્વારા સંપાદિત ઋગ્વેદના મંત્રોનો સંહિતા પાઠ, પદ પાઠ અને  તેમની સાયણભાષ્યની પ્રતિલિપિ કરવાના કામમાં દિવસ રાત એક કરવા લાગ્યો. ત્યાં સુધી કે લખતા લખતા જ આખી રાત વિતાવી દેતો અને ત્રીજા દિવસે જ ઊંઘતો કારણકે હું એક નહિ પણ બે પાંડુલિપિ તૈયાર કરતો હતો. એક શ્રી બર્નૂફ માટે અને બીજી મારા માટે! 

આ પ્રકાશનોના મોટા વ્યયને વહન કરવા ફ્રાંસ, જર્મની, રશિયા અને ઇંગ્લેન્ડ વગેરેની કોઈ સરકાર તૈયાર ન હતી. તેમણે ઓક્ષફર્ડ વિશ્વ વિદ્યાલયમાં સંસ્કૃતના પ્રોફેસર શ્રી વિલ્સને 'ઇસ્ટ ઇન્ડિયા' કંપનીને એમ કહીને પ્રકાશનનો કારભાર સ્વીકારવા તૈયાર કરી લીધા કે ભારતનું શાસન અને શોષણ તો તમે કરી જ રહ્યા છો, પણ ભારત જ કેમ વિશ્વના આ પ્રાચીનતમ ગ્રંથનું પ્રકાશન કોઈ બીજા દેશે કરી નાખ્યું તો દુનિયાને તમે શું મોઢું બતાવશો?


ઈ.સ. ૧૮૯૮માં બ્રિટિશ સરકારે લોકમાન્ય તિલકને રાજદ્રોહના આરોપમાં યરવડા જેલમાં મોકલ્યા હતા ત્યારે આ જાણીને ભારત ભક્ત મેક્સમૂલરને ઘણું દુઃખ થયું અને તેમણે કેટલાક નેતાઓ પાસે આવેદન પત્ર તૈયાર કરાવ્યું અને સ્વયં વિક્ટોરિયાએ ભારત સરકારને તુરંતજ તિલકને જેલ મુક્ત કરવા આદેશ મોકલ્યો હતો. 
મેક્સમૂલર ભારતીય ઋષિ સંસ્કૃતિની ધરોહર સમા વેદો ઉપનિષદો પ્રત્યે અગાધ શ્રદ્ધા ધરાવતા હતા. તેઓ હંમેશા કહેતા કે 'આધુનિક હિંદુ ધર્મ પ્રાચીન વૈદિક ધર્મથી ઘણો દૂર છે, તેના મૂળ રૂપ ઉપર અજ્ઞાન, અશ્રદ્ધાની એટલી પરતો જામી ગઈ છે કે જેને ઉખાડવી અત્યંત જરૂરી છે'. સ્વામી વિવેકાનંદે શ્રી મેક્સમૂલરને ભારત આવવાનું આમંત્રણ આપ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે 'ત્યારે તો હું પાછો નહિ આવી શકું. તમારે મારો અગ્નિ સંસ્કાર ત્યાં જ કરવો પડશે!'

મેક્સમૂલર પોતાના પ્રસિદ્ધ પુસ્તક 'વ્હોટ કેન આઈ ટીચ અસ'માં જણાવે છે કે સંસ્કૃત સાહિત્ય માનવીય સદ્ગુણો અને રોચકતાથી પરિપૂર્ણ છે. સંસ્કૃત સાહિત્યથી જે પ્રાપ્ત કરી શકાય છે એટલું ગ્રીક સાહિત્યમાંથી નથી કરી શકાતું. સંસ્કૃત એક એવો વિષય છે જેનાથી આપણી અવકાશની ક્ષણ આનંદદાયક બને છે. જે ઇટલી, યુનાન, મિશ્રના પિરામિડો અને બેબીલોનના મહેલોમાં તેની કલ્પના પણ ન કરી શકાય...'

યુરોપના વિદ્વાનોને ઉદ્દેશીને તેઓ કહે છે કે વિવિધ સંપદા અને પ્રાકૃતિક સૌન્દર્યથી પરિપૂર્ણ કયો દેશ છે? જો તમે મને આ ભૂમંડળનું અવલોકન કરવાનું કહેશો તો હું કહીશ કે તે દેશ છે ભારત ભારત અને ભારત જ્યાં ભૂતલ ઉપર જ સ્વર્ગની છટા નીખરી રહી છે. જો તમે એ જાણવા માંગો કે માનવ મનની ઉત્કૃષ્ટત્તમ ઉપ્લબ્ધીઓનો સર્વપ્રથમ સાક્ષાત્કાર કયા દેશે કર્યો અને કોને જીવનની સૌથી મોટી સમસ્યાઓ પર વિચાર કરી તેમાંથી એવા ઘણા મોટા સમાધાનો શોધી કાઢ્યા છે કે પ્લેટો અને કાંટ જેવા દાર્શનિકોનું અધ્યયન કરનાર યુરોપિયન લોકો માટે મનન કરવા યોગ્ય છે. યુરોપીયનોએ એવા કયા સાહિત્યનો અભ્યાસ કરવો જોઈએ જેનાથી જીવનનું અંતર્તમ પરિપૂર્ણ અને વધારે વિશ્વ વ્યાપી એમ કહો કે સંપૂર્ણપણે માનવી બની જવાય અને આ જીવન જ કેમ આવતો જન્મ તથા તથા શાશ્વત જીવન પણ સુધારી જાય, તો હું ફરીથી ભારતનું જ નામ લઈશ. 

મેક્સમૂલર ઉપરાંત એવા ઘણા દાર્શનિકો, તત્વચિંતકો, ઇતિહાસકારો થઈ ગયા જેઓ ભારતીય સંસ્કૃતિ પ્રત્યે આકર્ષાયા હતા અને ભારતના આશિક બની ગયા હતા. તેમજ તેમનું સમગ્ર જીવન ભારતની પ્રાચીન સંસ્કૃતિના અભ્યાસમાં સમર્પિત કર્યું હતું. માર્કોપોલો તેરમી સદીના ઉત્તરાર્ધમાં એશિયાની યાત્રા કરનાર પ્રથમ યાત્રી હતો. દક્ષિણ ભારતના તત્કાલીન સામ્રાજ્ય વિશે તેનું વિવરણ અત્યંત મહત્વપૂર્ણ છે... ટોમસ કોલબ્રુક (૧૭૬૫થી ૧૮૩૮) ભારતીય સંસ્કૃતિના પ્રકાંડ પંડિત, મહાન ગણીતજ્ઞ અને મહાન જ્યોતિષશાસ્ત્રી હતા... પ્રો.વિલ્સને (૧૭૮૬થી ૧૮૬૦) 'વિષ્ણુપુરાણ', 'ઋગ્વેદ' વગેરેનો અંગ્રેજી ભાષામાં અનુવાદ કર્યો હતો. ઇ. વી. કોવેલ (૧૮૨૬થી ૧૯૦૩) 'હર્ષચરિત'નો અંગ્રેજીમાં અનુવાદ કર્યો હતો... અને જર્મનીના કવિ મી.ગટેએ 'અભિજ્ઞાન-શાકુંતલમ' વાંચી જર્મનીની સડકો ઉપર નૃત્ય કર્યું હતું...

ટિપ્પણીઓ નથી: