ગુરુવાર, 14 ફેબ્રુઆરી, 2013

મારા દીકરાનો વાહનપ્રેમ

મારો દીકરો જયવીર હજુ સાડા ચાર જ વર્ષનો છે પણ તેનો વાહનો પ્રત્યેનો લગાવ ગજબનો છે. ગાડીઓ, બસો, ખટારા, ટ્રેન જોઇને ગાંડો થઇ જાય. ઘરે કોઈ ગાડી કે બાઈક લઈને આવ્યું હોય તો ઉપર ચડી જાય. આવનાર જાય ત્યારે પહેલા તેને આંટો અચૂક મારાવવો પડે. જોકે હું તેને મારા બાઈક પર ફેરવતો જ રહું છું, પણ તેને સંતોષ થવાને બદલે તેનો લગાવ વધતો જ રહે છે.  પણ તેને તો જાત જાતની ગાડીઓમાં બેસવાનો જબરો શોખ. રમકડા પણ એવા જ રાખે. હું તેને તેડીને બાઈક પર બેસાડવા જાઉં તો જાતે જ ચડી જાય અને  એ આગળ જ બેસે. બાઈક ચાલતું હોય ત્યારે એવા વહેમમાં રહે કે જાણે પોતેજ ચલાવતો હોય.પગ પહોચે નહિ તો પણ કિક સુધી લઇ જાય. ચાવી પણ તે જ લગાવે. ચાલુ બાઈકે ઉભો થઇ જવા જાય અને હોર્ન પર તેનો અંગુઠો દબાવી રાખે, જોરથી ચિચિયારીઓ પણ પાડે ત્યારે મારે તેને ટપારવો પડે. ક્યારેક ચાલુ બાઈકે ચાવી બંધ પણ કરી નાખે. પછી એ શાંત બેઠો બેઠો ઝડપ કાંટાને જોયા કરે. ઘણીવાર તો પેટ્રોલની જરૂર ન હોય તો પણ પેટ્રોલ ભરાવવા જવું પડે, બાઈકમાં પેટ્રોલ ભરતું જોવું તેને ખુબ ગમે. ભૂલે ચુકે જો ફાટક બંદ હોય તો રાજી રાજી થઇ જાય. ગાડીની અધીરાઈ ભેર રાહ જુએ. જયારે ટ્રેનમાં મુસાફરી નહોતી કરાવી ત્યારે તો તે રેલ્વે પસાર થાય ત્યારે મારી સામે પ્રશ્નસૂચક નજરે જુએ કે હવે એમાં ક્યારે બેસાડશો?

એ પછી તો તેની એ ઈચ્છા પૂરી કરી. ભીનમાલ (રાજસ્થાન) જઈ આવ્યા. ત્યારે તો ભારે કરી. ભીલડી સ્ટેશને ઉતર્યા ત્યારે તે સ્ટેશનની બહાર જ ન નીકળે. છેવટે રમકડાનો ખટારો અપાવીશું એમ કહીને માંડ મનાવ્યો ત્યારે અમે ઘર સુધી પહોચ્યા.

આમ તો તે આટલી નાની ઉંમરમાં અડધું ગુજરાત ફરી ચુક્યો છે અને ગુજરાત બહાર પણ જઈ આવ્યો. જાત જાતની ગાડીઓમાં પણ બેઠો. પણ તેને હેવી ટ્રકનો શોખ કઈ રીતે લાગ્યો તે નથી સમજાતું. જીપમાં કે બસમાં બેઠા હોઈએ ત્યારે એ પસાર થતા ખટારાઓને ટગર ટગર જોયા કરે. તેની નજરમાં વસેલો દેખાય એટલે જોર જોરથી તાળીઓ પાડવા લાગે. મને કહે પણ ખરો કે આવો જ ખટારો લાવી આપજો. પાછો ચોખવટ પણ કરે કે અત્યારે નહિ હું મોટો થાઉં ત્યારે. હું તેમાં રેતી અને માટી ભરી લાવી વેચીસ. ઘરે આવીને રીપીટ પણ કરે અને કોઈ એને પૂછે કે તું મોટો થઈને શું કરીશ? ત્યારે ગંભીર થઈને જવાબ આપે કે હું તો ખટારો ચલાવનારો જ થઈશ. સાવ નાનો હતો ત્યારે હું તેને હાઈવે ઉપર ફરવા લઇ જતો ત્યારે પણ એ મોટા વાહનો જોઇને રાજી થઇ જતો.

ચોમાસામાં અમારે ત્યાં આ વખતે કુવા અને ખાડા ગાળવાનું કામ ચાલ્યું ત્યારે મોટા બુલડોઝર અને જે સી બી તેમજ માલવાહક વાહનો ઉતરી પડ્યા હતા. કામ કરનારા કામ કરે અને ખોટી મારે થવું પડતું હતું. આ વાહનોની ઘરઘરાટી સંભળાય એટલે મારો દીકરો જીદ પકડે કે જોવા લઇ જાઓ. અને લઇ જ જવો પડે નહીતર ધમાલ કરી નાખે. હું તેને લઇ જતો ત્યારે આગળ આગળ જે સે બી (તે આ રીતે જ બોલતો) ની રડો પાડી દોડે. જમીનમાં ખાડો ગળતા આ યંત્રોને એ ધ્યાનથી જોયા કરતો અને હું તેને. ખાડા ગાળવાનું કામ પૂરું થયા પછી બજારમાંથી તેના માટે એવું રીમોટવાળું રમકડું લાવી આપવું પડ્યું હતું.

અગાઉ કહ્યું એમ અત્યાર સુધીની તેની ઉંમર પ્રમાણે તે ખુબ ફર્યો છે. લગભગ બધા પ્રકારના વાહનોમાં તેને બેસવા મળ્યું. ગતિશીલ દરેક વસ્તુમાં તેને રસ પડે છે. ચગડોળમાં બેસવાનો પણ શોખ. દિવાળીમાં વિસનગર તિરુપતિ પાર્કમાં ગયા ત્યારે તેને લગતી બધી રાઈડમાં બેસાડ્યો. પાછા ફરવાનો સમય થયો ત્યારે જીદ પકડી કે ડાન્સિંગ ચેરમાં બેસવું છે. ભારે કરી. ઘરમાં આવો કોઈને ગાંડો શોખ નથી. પૈસા આપીને પરેશાન થવાનો. એ તો સારું થયું કે બહાર આવ્યા એટલે તરત બસ મળી ગઈ. ઊંઝા સુધીની હતી તો યે બેસી ગયા. રખેને ક્યાંક બાળહઠનો સામનો કરવો પડે

જેટલી સ્પ્રિંગ દબાવો તેટલી વધારે ઉછળે પણ અહી તો વગર દબાવે ઉછળતી રહે છે. ફરવાનો એવો શોખ કે ભરઊંઘમાંથી ઉઠાડીયે તોય તૈયાર થઇ જાય. આમ તો એ રોજ વહેલા ઉઠીને પજવણી શરુ કરી નાખે પણ હમણા શિયાળાની ટાઢમાં થોડો મોડો ઉઠતો પણ એક દિવસ તેને તેની મમ્મી સાથે અમદાવાદ એક સામાજિક પ્રસંગમાં જવાનું હતું. વહેલો ઉઠાડ્યો તો સફાળો બેઠો થઇ ગયો. ફટાફટ તૈયાર પણ થઇ ગયો. આમ તો એ નાહવા ધોવા અને બ્રશ કરવાના કરવાના નખરા કરે. પણ એ દિવસે મારો વાલો તૈયાર થઈને બાઈક ઉપર ચડી ગયો. બસ સ્ટેન્ડ ડગલામાં જ છે તોય મને કહે કે અંધારું છે તમારે મુકવા આવવું પડે. ચા પાણી પણ બાઈક ઉપર જ પતાવ્યા.

ગયા ઉનાળામાં ગાંધીનગર મારા સાળાને ત્યાં ગયા હતા. એક સાંજે હું તેને ફરવા લઇ ગયો. થોડુક ચાલ્યા પછી કહે કે ચાલો આપડે રીક્ષામાં બેસીને આઘે આઘે ફરવા જઈએ. હું ચમક્યો. હવે તેને ફોસલાવવું અઘરું હતું કે અહી ગાંધીનગરમાં આઘે આઘે કેમનું ફરવું? પછી મારે એને ઝાડ ઉપર બેસાડી થોડી વાતો કરવી પડી. વળતી વખતે મારે તેને છેક ઘર સુધી તેડીને લઇ જવો પડ્યો, રીક્ષામાં ન ફેરવ્યો તેની સજારૂપે. આમ તો તે ક્યારેક જ બસમાં ઊંઘે અને એ પછી તેડવાનું મારે ભાગે જ આવે. 


તેની સાથે ફરવાની રોચક કથાઓ ઘણી છે. હમણા ચૂંટણી પછી તરત જ અમદાવાદ જવાનું થયું હતું. આ પહેલા આવ્યા ત્યારે પણ બી આર ટી એસની બસમાં બેઠા હતા. ત્યારે પણ મારા દીકરાએ ધમાલ કરી હતી. ફરી થોડી વધારે થઇ. બસમાં જોર જોરથી રાડો પાડે એટલે બધા મુસાફરોનું ધ્યાન તેના તરફ જાય. વર્તન એવું કે જાણે પહેલીજ વાર બસમાં બેઠો હોય. અમે સપરિવાર બસમાં કે કોઈ પણ વાહનમાં બેઠા હોઈએ ત્યારે મુસાફરોનું ધ્યાન અમારા આ સભ્યના કારણે અમારા તરફ જતું જ હોય છે.બસમાં આગળની સીટ પર બેઠેલાને અડપલા પણ કરે અને વાતેય વળગી જાય. તેની ટીકીટ હજુ થતી નથી પણ ટીકીટના પૈસા પણ તે આપે અને ટીકીટ પણ પોતે જ લે. બસમાં બંદ ટીવી ચાલુ કરવાની માંગણી પણ કરે. ક્યાંક બસ ઉભી રહે ત્યારે ઘંટડીની દોરી ખેચવા ઉચા નીચો થાય.

આમતો હું સાંજે તેની સાથે દડો બેટ રમતો અને બહાર ફરવા પણ લઇ જતો. પણ હમણા કેટલાક દિવસોથી આજુ બાજુના છોકરા છોકરીઓ ભેગા કરી જાતજાતની રમતો રમે છે. ક્યારેક નવરો પડતા જ હું કમ્પુટર પર હોઉં તો ખોળામાં આવીને બેસી જાય. મારે બધું જ બાજુ પર મુકીને તેને ગેમ રમાડવી પડે અને ગેમ પણ ગીગલા ગીગલીની નહિ રાઈડીંગ ગેમ. બાઈક અને કાર રેસ. અને જે રીતે તેની આંગળીઓ કી બોર્ડ પર ફરે અને તેના ચહેરાના હાવ ભાવ બદલાય, વિસ્મય અને આનંદના મિશ્ર ભાવોથી ચહેરો ચમકી ઉઠે તે જોઇને મને આનંદ અને આશ્ચર્ય બંને થાય છે. મારો આ દીકરો ટ્રક ચાલક થશે કે પાયલટ એતો સમય જ કહેશે પણ સ્લેટમાં એકડો ઘૂંટવાની ઉંમરમાં તે કી બોર્ડ પર આંગળીઓ ફેરવતો થઇ ગયો છે.

સોમવાર, 11 ફેબ્રુઆરી, 2013

કોઈ એમ કહે કે ચિંતા નહિ 'હું બેઠો છું' ત્યારે?

આપ મુસ્તાક અને આપકર્મીઓ પણ ઘણીવાર કોઈકના જાસામાં આવી જતા હોય છે. હૈયું બાળવું તેના કરતા હાથ બાળવા સારા અને આપ મુઆ વગર સ્વર્ગે ન જવાય એ બધું બરાબર પણ શું જીવનનાં દરેક તબક્કે એકલપંડે બધું થાય ખરું? વ્યક્તિએ સ્વાવલંબી થવું જોઈએ એ તો રોજ સંભાળીને કાન ટેવાઈ ગયા પણ સ્વાવલંબન એટલે શું? કોઈ ગમે તેવી ખુદ્દારી કે ખુમારી ધરાવે તો પણ ઘણીવાર બીજાના ભરોસે બેસી રહેવું પડતું હોય તેવું બને. બીજાના ભરોસે આખી જિંદગી કાઢી નાખનારની વાત કરી નિંદા કુથલી કરવી નથી પણ વાત એની કરવી છે જેઓ સ્વબળે જીવન જીવતા હોય, સફળતા - નિષ્ફળતા વચ્ચે જોલા ખાતા હોય તેમજ ક્યારેક પોતે તો ક્યારેક અન્ય દ્વારા ગુંથેલી જાળામાં અટવાતા હોય. ક્યારેક વગર કારણે કોઈની મદદ મળી તેના ભ્રમમાં રહી કચડવાનો સમય પણ આવે. ક્યારેક સમય, સંજોગો, મજબૂરી તેમજ કુદરતની ક્રૂર થપાટોથી વ્યક્તિએ પોતાની સર્જનશીલતા અને ખુમારીને કમને પણ કોઈની મદદના મોહતાજ થવાનું વિચારતા જ કાળોતરાનાં ડંખ જેવી પીડા થાય.

ઘણીવાર મદદ ન લેવી હોય તો પણ મદદ કરનારાઓની ભરમાર થઇ જાય. આજ સંદર્ભે એક આડ વાત. મને યાદ છે કે અમારા એક શિક્ષક ભણાવતી વખતે કેટલીક જાણીતી વ્યક્તિઓનો જાણી જોઇને ઉલ્લેખ કરે અને કહે કે એ તો મારા ખાસ ઓળખીતા મિત્ર છે અને તમારી ક્યારેક મુલાકાત થાય તો મારું નામ લેવું. જયારે નામ લઈએ ત્યારે ભોઠા પડવાનો સમય આવે પણ આજ સુધી તે શિક્ષકને કોઈ વિદ્યાર્થીએ ભોઠા નથી પાડ્યા.  વગર માંગે મદદ આપવા તૈયાર થઇ જાય અને કહે કે મારું નામ લેજો તરત કામ થઇ જશે. અને વિદ્યાર્થીઓ તેમ કરે પણ ખરા કારણકે વિદ્યાર્થીઓ તો બદલાતા રહેવાના. અને ઘણીવાર કામ થવાના બદલે અટકી જાય તેવું પણ થાય.ખરેખર તો તેઓ પોતાનો પ્રભાર પાથરવા આમ કહેતા પણ વાસ્તવમાં તેઓ પોતાની આવી અલ્પતા સિદ્ધ કરી વિદ્યાર્થીઓની નજરમાં નીચા ઉતરતા હતા અને જાણીતી, માનીતી અને ચાહીતી વ્યક્તિઓ માટે કૌતુક બની જતા.  ખરેખર તો આ પ્રકારની માનસિકતા નિર્દોષ માણસનું કામ બગાડવા નિમિત્ત બની જાય છે. જેનાથી ચેતી જવું જોઈએ.

કોઈ ગમે તેટલો સધિયારો આપે પણ એમ કોઈના ભરોસે બેસી ન રહેવાય આપણે આપણા પ્રયાશો ચાલુ રાખવા જોઈએ.અભ્યાસમાં, કરિયરમાં, સમાજમાં અને જીવનના પ્રત્યેક તબક્કે. મદદ ન લેવી હોય તો પણ કોઈ જબરદસ્તીથી મદદ આપવા આવે ત્યારે ખરેખર તો મદદ કરવા આવનારને મદદની વધારે જરૂર હોય છે. તે પોતાનું સાજુ કરવા આવતા હોય છે. આવી મદદો જીભના લવારા સુધી જ સીમિત બની રહે છે. જેને કોઈની પણ મદદની જરૂર નથી તેને ત્યાજ મોટેભાગે મદદ કરનારાઓનો તાંતો લાગતો હોય છે. એવું પ્રથમ નજરે જણાય પણ અંદરખાને તેઓજ અન્યની મદદના મોહતાજ હોય છે. કોઈને જેલમાં જવાના ભણકારા સંભળાય અને તે તમને સધિયારો આપવા બોલાવે તેવું બને કારણકે તેને ખબર છે કે ક્યાંક ક્યારેક તમારી જરુરુ પડશે. તમારી ઘોર ઉપેક્ષા થઇ હોવા છતાં.

તમે અગમચેતીથી કોઈ જગ્યા છોડતા પહેલા નવા કામ માટે તમારા પ્રયત્નો શરુ કરો અને એ સમયે કોઈ એમ કહે કે ચિંતા ન કરશો હું છું ને, કહેનારાની ભાવના ગમે તેટલી સારી હોય તો પણ તેની પર ભરોસો મુકીને બેસી ન રહેવાય તમારે તમારા પ્રયાસો ચાલુ રાખવા પડે. નહિતર બધી બાજુથી લબડી જવાય તેવું બને. તમે મુશ્કેલીમાં ફસાયા હોવ, દ્વિઘામાં હોવ, કોઈ રસ્તો મળતો ન હોય, અટવાત હોવ, એવું લાગતું હોય કે બસ હવે પૂરું થયું અને જે તે વ્યક્તિને જે આના માટે જવાબદાર હોવ તેની પાસે સ્પષ્ટતા માંગો કે હવે શું કરવું? વાંધો તો નહિ આવે ને? ત્યારે સમા પક્ષેથી હકારાત્મક જવાબ મળે તો પણ બુદ્ધિનો ઉપયોગ કરી અને અંતરનો અવાજ સાંભળી નિર્ણય લેવો જોઈએ. 'ચિંતા નહિ હું બેઠો છું' એમ સાંભળી બેસી ન રહેવાય. મારા મતે ન બેસી રહેવું એ 'ઉત્તમ કર્મ' છે.

મદદ તો પરમ કૃપાળુ પરમાત્માની મળતી જ રહેતી હોય છે, જેની મરજી વગર કશું પણ શક્ય નથી. મુશ્કેલીના સમયમાં સાવ અજાણ્યો માણસ વહારે આવ્યો હોય તેવું પણ બને. પરમ કૃપાળુ પરમાત્માના બંદાને યાદ રાખીને ભવિષ્યમાં આપણે કોઈકની આ રીતે મદદ કરવા તત્પર રહેવું જોઈએ. ઠાલાં અને લુક્ખા વચનોથી કઈ સાબિત થતું નથી. ગમે તેટલી ક્ષમતા હોય તો પણ ક્યારેક જોઈએ તેવું પરિણામ ન મળે તેવું બને. ગાંડીવધારી અર્જુન સુદર્શનધારી શ્રી કૃષ્ણ વિના અધુરો છે, એ જ રીતે.

સમય સમય બળવાન હૈ નહિ મનુષ્ય મહાન, કાબે અર્જુન લૂંટ લિયો વહી ધનુષ્ય વહી બાણ 

આમ છતાં આ દુનિયામાં કોઈ સાથ આપે કે ન આપે, આપણે આપનું કામ પ્રભુને સાથે રાખીને કરતા રહેવું જોઈએ. ભગવાન પણ કહે છે કે જે અનન્ય ભાવે મને યાદ કરે છે તેના યોગ ક્ષેમનુ વાહન તેઓ વહન કરે છે. તેથી નિશ્ચિંત થઈને કર્મની સાથે સાથે આપણે આપણા કામના શ્રી ગણેશ કરી નાખવા જોઈએ.