મંગળવાર, 6 માર્ચ, 2012

'હે રામ' - એક નિષ્ફળ અને ભુલાયેલી ફિલ્મની સમીક્ષા...


'હે રામ' ફિલ્મ પ્રથમ વાર જોઈ ત્યારે મારી ઉંમર ૧૭  વર્ષની હતી, એ પછી તો ઘણી વાર જોવાઈ અને અને ઘણા મિત્રોને એ જોવા કહ્યું પણ ખબર નહિ કોઈએ ખાસ કઈ દિલચસ્પી બતાવી નહિ. છેલ્લા ૧૨ વર્ષ થી જ્યારે પણ ફિલ્મની ચર્ચા થાય ત્યારે આ ફિલ્મ જોવાની ભલામણ કરું છું. ફિલ્મી ચેનલ પર આ ફિલ્મ ઘણી ઓછી બતાવવામાં આવે છે, જ્યારે પણ આવે ત્યારે જોઉં છું અને ઘરના લોકો કંટાળે છે. થીયેટરમાં જોવાનો તો સવાલ જ નથી કારણકે પ્રથમ વાર લાગી ત્યારે જ અમારે ત્યાં માત્ર બે દિવસમાં ઉતારી લેવામાં આવી હતી. પહેલા જ દિવસે બીજા શો માં ગણ્યા ગાંઠ્યા પ્રેક્ષકો હતા અને ઈન્ટરવલ પછી અડધા થઇ ગયા હતા. અને અત્યારે બજારમાં જે સી ડી અને ડી વી ડી મળે છે તેમાંથી 'અમુક' દ્રશ્યો ઉડી ગયા છે, 'કામુક' નહિ.
આ દ્રશ્યો યથાવત છે 

જોકે અન્ય ફિલ્મોમાં આવતા બિનજરૂરી અશ્લીલ દ્રશ્યોની સરખામણીમાં આ દ્રશ્યો શ્લીલ છે કારણકે તે ફિલ્મના પાત્રને બખૂબી   ઉપસાવવા માટે જરૂરી છે. જેને હિંસક દ્રશ્યો કહેવામાં આવ્યા તે અન્ય ફિલ્મોમાં પ્રદર્શિત ગપગોળા કરતા વધારે વાસ્તવિક છે. આ ફિલ્મ પ્રદર્શિત થઇ એ સમયે દૂરદર્શન પર 'સુબહ સવેરે' કાર્યક્રમમાં ફિલ્મ સમીક્ષા કરતા વિપિન હોન્ડાએ ભરપુર વખાણ કરતા કહ્યું હતું કે લોગ જાયે ઔર દેખે ઇસ ફિલ્મ કો. ઇસ તરહ કે દ્રશ્ય જરૂરી હૈ ફિલ્મ કે લિયે...


ફિલ્મની શરૂઆત મરણ પથારીએ પડેલા મુખ્ય પાત્ર સાકેતરામની શારીરિક સારવારથી થાય છે જેમાં તેમનો પૌત્ર ડોક્ટર સમક્ષ દાદાના વ્યક્તિત્વના પશાઓ એક પછી એક ખોલે છે અને ફિલ્મ ફલેશબેકમાં જાય છે. સાકેતરામ મદ્રાસી બ્રાહ્મણ છે અને આર્કીયોલોજીષ્ટ છે જે બંગાળી યુવતીને પરણ્યો છે. અમજદ ખાન તેનો કલીગ કમ મિત્ર છે. અન્ય એક મિત્ર લાલવાણી મોટો બીઝનસમેન છે જે સિંધી છે. સાકેતરામ તેની પત્નીને કલકત્તા મળવા જાય છે ત્યારે ત્યાનું વાતાવરણ તણાવગ્રસ્ત હોય છે, થોડા સમય પછી એ વધારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે. જેમાં સાકેતરામની પત્ની બળાત્કારનો ભોગ બને છે અને તે પણ મુસ્લિમ ગુંડાઓ દ્વારા. સાકેતારામનો જ નોકર તેના સાથીયો સાથે મળી, દગાથી આદુષ્કૃત્ય આચરે છે, સાકેતરામની નજરો સામે. જેના હાથ પગ બાંધી દેવામાં આવ્યા છે, ઘાયલ છે. જેનું લૂણ ખાધું એનેજ લાચાર બનાવી તેની આબરૂના ચીંથરા ઉડાવ્યા. હિન્દુસ્તાનના ઈતિહાસ સંદર્ભે અહી સૂચક છે. લાચાર હિન્દુસ્તાન - રાષ્ટ્રના ટુકડા  આબરૂના લીરા, હિંસાનું નગ્ન નાચ. આ એકજ દ્રશ્યમાં ઘણું કહેવાઈ ગયું છે. આગળ જતા સાકેતરામના કરુણા, રોષ, ગળાની, પીડા, વ્યથા, લાચારી, વિદ્રોહનાં મિશ્રિત ભાવો કમળ હસનના અભિનય અને દિગ્દર્શનથી વ્યક્ત થયા છે. સાકેતરામને ચેન નથી, ચકરાવે ચડે છે. તેના રોશને વધારે ભડકાવે છે અભયંકર અને રચાય છે એક ષડયંત્ર.


ભારતીય ફિલ્મ ઇતિહાસમાં કદાચ આ એકજ એવી ફિલ્મ છે જેમાં 'હિંદુમત' વ્યક્ત થયો છે અન્યથા હિન્દી ફિલ્મોમાં મુલ્લા-મૌલવીઓ અને પાદરીઓની કરુણતા અને પંડિતોની ખંધાઈ, લુચ્ચાઈ અને નીચતાની નવાઈ નથી...


ઇન્ટરવલ પછીનું એક દ્રશ્ય છે જેમાં વૃદ્ધ સાકેતરામને અસ્પતાલમાં ભરતી કરવા લઇ જવામાં આવી રહ્યા છે અને રસ્તામાં તેમની એમ્બુલન્સ રોકવામાં આવે છે - સમય  છે બાબરી તૂટ્યા પછીની કોમી તંગદીલી. સાકેતરામની આંખો ચકળ વકળ થવા લાગે છે : એ જ સમસ્યા! અને સાકેતારામ ભૂતકાળમાં સરી પડે છે. સ્પેશિયલ ઈફેક્ટસથી સાકેતરામને આંધી તુફાન અને અગન જ્વાળાઓને ઝીલતો બતાવવામાં આવ્યો છે. સાકેતારામ મિત્ર લાલવાણીને ભાગલાના પરિણામે બેહાલપ સ્વરૂપે જુએ છે અને પોતાના નિર્ણયમાં મક્કમ થાય છે. અને છેલ્લે  તેની બધી જ મક્કમતા ઢીલી કરી નાખે છે પઠાણ મિત્ર અમજદ  ખાન અને મહાત્મા ગાંધીની એકજ મુલાકાત.

આખી ફિલ્મમાં મહાત્માનું પાત્ર થોડી જ ક્ષણો પુરતું જ છે છતાં કથાવસ્તુ તેમની આસ-પાસ ફર્યા કરે છે જે દિગ્દર્શનની કમાલ છે. કથા- પટકથા,  સ્ક્રીપ્ટ રાઈટીંગ, સંવાદો, ફોટોગ્રાફી, અભિનય, લાઈટીંગ, બેક-ગ્રાઉન્ડ સંગીત  કાબિલે દાદ છે. અને હા આ ફિલ્મ કોમવાદી નથી કારણકે છેલ્લે સાકેતારામનું હૃદય પરિવર્તન થાય છે. સાકેતરામની મક્કમતા અને મહાત્મા એક સાથે 'શૂટ' થાય છે.