સોમવાર, 18 ફેબ્રુઆરી, 2013

મોહમ્મદ રફી તુ બહોત યાદ આયા... કલાકારોને યાદ કરતા રહેવું

મારામારીથી ભરપુર એક ફિલ્મમાં ગાયક મોહમ્મદ રફી સાહેબને યાદ કરવામાં આવ્યા હતા. 'મોહમ્મદ રફી તુ બહોત યાદ આયા...' સરસ ગીત હતું પણ પહેલીવાર જોયું, સાંભળ્યું ત્યારે એમ થતું હતું કે ગીત પૂરું થયા પછી અમિતાભ બચ્ચન ઢિસુમ ઢિસુમ કરે તો મજા આવે. ૧૯૯૯ની સાલમાં કોલેજમાંથી પાવાગઢના પ્રવાસે ગયા ત્યારે ત્યાંનો એક સ્થાનિક છોકરો રોપ-વેમાં અમારી સાથે થઇ ગયો હતો. રીક્વેસ્ટ કરી કે તેને મોહમ્મદ રફીના ગીતો ગાવા છે. જે રીતે તેણે કેટલાક ગીતો ગઈ સંભળાવ્યા ત્યારે થયું કે આને જો તક મળે તો મોટો કલાકાર થાય. (તકને આગળ ચોટી અને પાછળ ટાલ હોય છે, પકડી લીધી તો બરાબર નહીતર લપસતા રહેવું પડે.) જેને મોહમ્મદ રફી વિષે કંઈજ ખબર ન હોય તેને પણ મોહમ્મદ રફીને માણવા, જાણવાનો રસ પ્રગટે એવું તેનું પ્રેજન્ટેશન હતું. 

ફિલ્મોમાં, ટીવીમાં, અખબારો અને મેગેઝીનમાં સદાબહાર કલાકારો, લેખકો અને સર્જકોને અકારણ સકારણ વિવિધ રીતે યાદ કરવામાં આવતા જ હોય છે. ક્યાંક વળી આડું અવળું લખી, બોલી વિવાદ પણ ઉભો થતો હોય છે. અને ક્યારેક જાણી જોઇને વિવાદ ઉભો કરવા પણ આમ થયું હોય તેવું બને. ફિલ્મ 'રબને બના દિ જોડી'માં જુના કલાકારોને યાદ કરવામાં આવ્યા હતા. મેળાવડાઓ અને એવોર્ડ કાર્યક્રમોમાં તો તેઓ યાદ કરતા જ હોય છે પણ આ રીતે કોઈ ગીતમાં કે ફિલ્મમાં યાદ કરવાનો આ નવતર પ્રયોગ હતો. એ જ રીતે ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ'ની પેરોડી પણ મજાની હતી. કહેવાય છે કે આ ફિલ્મ બનાવતા પહેલા ફરાહ ખાને ઘણું જ રીસર્ચ વર્ક કર્યું હતું. તો પણ શાહરૂખ ખાનને રાજેશ ખન્નાની શાબાશી મળી અને મનોજ કુમારની માફી માગવી પડી હતી. 

ફિલ્મ,સાહિત્ય અને કળા જગતમાં નવા સર્જકો દ્વારા જુના સર્જકોને શ્રદ્ધા સુમન અર્પણ થતા રહે છે. કેટલાક નવતર પ્રયોગો પણ થવા જોઈએ. ચંદ્રકાંત બક્ષીના અવસાન પછી તરત જ તેમના વિષે અખબારો અને સાપ્તાહિકોમાં લખાયું પણ પછી? હરકિસન મહેતાની નવલકથા પરથી તાજેતરમાં જ એક ટીવી સીરીયલ બની હતી. જે ખાસ કઈ જામી નહિ. આ પહેલા પણ 'વંશ વારસ' નવલકથા પરથી અધિકારી બ્રધર્સના પ્રોડક્સનમાં ટીવી સીરીયલ બની હતી જે દુરદર્શન પર પ્રસારિત થતી હતી. અને હમણા જ એક ફિલ્મ બની ગઈ જેની કોઈને ખબર પણ ન પડી. નવલકથા વાંચનારને તેના પરથી બનતી ફિલ્મ કે ટીવી સીરીયલમાં એવી મજા ન આવે તે સ્વાભાવિક છે. પણ જો એ ફિલ્મ કે સર્જન પરથી મૂળ રચનાકાર વિષે જાણવાની ઉત્સુકતા કે જીજ્ઞાસા થાય તો એ સર્જનની સફળતા કહેવાય.વજુ કોટકે એક નવલકથા લખી હતી 'ડો.રોશનલાલ'તેમનું અવસાન થતા જે અધુરી રહી હતી. પ્રથમ પ્રકરણથી જ પકડ જમાવે એવી આ નવલકથાને આગળ વધારવા કોઈ જ સામગ્રી ન હોવા છતાં હરકિસન મહેતાએ તેમની કલ્પનાથી જ તે પૂર્ણ કરી હતી. આ નવલકથા વાંચ્યા પછી વજુ કોટકના અન્ય પુસ્તકો વાંચવાની ઈચ્છા થયા તે સ્વાભાવિક છે. ચંદ્રકાંત બક્ષી તેમના લેખનમાં અસ્તિત્વવાદ, આલ્બેર કામુ અને જ્યો પોલ સાર્ત્રનો ઉલ્લેખ કરતા પણ આ જ ફિલોસોફર અને ફિલોસોફી વિષે જાણવું હોય તો અંગ્રેજી અને ફ્રેંચ ભાષા શીખવી પડે. જુજ સંક્ષિપ્ત અનુવાદો ખરા પણ એનાથી કઈ સમજ ન પડે. સંસ્કૃત સાહિત્યમાં વેદો, ઉપનીશદો, દર્શનશાસ્ત્રો પર જે ટીકાઓ અને સંદર્ભ ગ્રંથો લખાયા છે તે વિદેશી ભાષાઓમાં વધારે છે. આજના સમયમાં પણ આ ટીકાઓ અને સંદર્ભો માટે જર્મની અને અંગ્રેજી ભાષા શીખવી પડે. સંસ્કૃતની પરીક્ષાલક્ષી ટેક્ષ્ટ-કમ ગાઈડ જુઓ તો તે સમજી જશે. 'ગટે આમ કહે છે, મેક્ષમુલર તેમ કહે છે...' વગેરે વગેરે. આપણા સાયાણે આ બધું સમજાવવા આખું 'સાયણ ભાસ્ય' રચ્યું છે પણ તે બધું સંસ્કૃતમાં છે.

કોઈ એક જ વ્યક્તિ વિષે સૌથી વધારી લખાયું હોય તો તે છે ગાંધીજી. તેમને વાંચેલા થોડાક પુસ્તકો ગુજરાત વિદ્યાપીઠના પુસ્તકાલયમાં તેમણે વાંચેલા અને ગમતા પુસ્તકો એમ કરીને મુકેલા છે. પુસ્તકાલયોમાં કઈ કેટલાય એવા પુસ્તકો છે જેને કોઈ વાચક જ ન મળ્યો હોય અને તેમાં ઉમેરો થતો જ રહે છે. જેને કઈ લખતા ન આવડતું હોય અને વિવેચન કરી કૃતિની નિંદા કે વખાણ કરે તેની વાત નથી, લેખકો અને કલાકારોને અલગ રીતે પણ યાદ કરી શકાય. ખરેખર તો આ કલાકારો અને સર્જકો વિવેચકોની વિવેચનના મોહતાજ હોતા જ નથી. યુદ્ધની વાતો કરવી અને ખરેખર યુદ્ધ કરવું એ બેમાં જેટલો ફરક છે એટલો જ ફરક સર્જન અને તેના પછી થયેલા વિવેચનમાં છે. સાજીદ ખાન નામનો ફિલ્મ વિવેચક ગમે તેવી ફિલ્મ કે કલાકારને વખોડી નાખે પણ તે ખુદ ફિલ્મ બનાવે ત્યારે ખબર પડે કે થીયેટર હાઉસફુલ કરવા વિવેચન કરવા જેટલું સહેલું નથી જ.

ઓશોએ ભારત સહીત દુનિયાભરના દાર્શનિકો અને તત્વજ્ઞાનીઓના તત્વજ્ઞાનનું વિશ્લેષણ કર્યું પણ મૂળ વિષયનો અભ્યાસ ન કરનારને ઓશોનું વિશ્લેષણ ન સમજાય તેવું બને. હા જીજ્ઞાસા અને ઉત્સુકતા જરૂર થાય. બધુય ઉપરથી પણ જાય. હું મારા લેખનમાં અરુણ શૌરીનો ઉલ્લેખ કરી લખું કે 'શૌરીએ અહી આમ કહ્યું છે, અહી આ પ્રકારે લખ્યું છે' તો શૌરીનું કદી નામ ન સાંભળ્યું હોય તેને શૌરી વિષે અને તેમના લેખન વિષે દિલચશ્પી થાય તે સ્વાભાવિક છે. પણ મને જ કોઈ ઓળખાતું ન હોય અને હું મારા વિષે જ લખે રાખું તો કોઈને રસ ન પડે. શ્રી ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પીનાકીભાઈએ વેબ સાઈટ બનાવી છે જેમાં શ્રી મેઘાણીના બધા જ પુસ્તકો વિષે જરૂરી માહિતી ઉપલબ્ધ છે. મૃગેશભાઈની રીડ ગુજરાતી તો હવે ઘણી જ જાણીતી થઇ ગઈ છે. મિત્ર ચિરાગ ઠક્કર ઘણા સમયથી બ્લોગ લેખનમ સક્રિય છે. (હવે વેબ સાઇટ છે) જેઓપોતાના લેખનમાં ગુજરાતી લેખકોને યાદ કરતા જ રહે છે.

લેખકો દ્વારા થતી લેખકોની વાત એ વિવેચનથી પર છે.