બુધવાર, 22 મે, 2013

Exclusive 2005


માનસ મહાત્મામાં એક અનોખો ત્રિવેણી સંગમ 

પૂ  મોરારી બાપુએ સાબરમતી આશ્રમમાં ગાંધીકથા કરી 


પ્રસ્તુત અહેવાલ 'વિચારધારા' સાપ્તાહિકના ૨૭ ઓક્ટોબર ૨૦૦૫ના અંકમાં પ્રકાશિત થયો હતો - પ્રસ્તાવના અને સંપાદન શ્રી સૌરભ શાહ  

બીજી ઓક્ટોબરે પૂર્ણાહુતી પામેલી પૂ. મોરારી બાપુની રામકથા એક અલગ અંદાજથી શરુ થઈ. સાબરમતી આશ્રમના પરિસરમાં યોજાયેલી આ કથાના આરંભ સમયે અમદાવાદ પાણીમાં ડૂબેલું હતું. આમછતાં કથા નિર્ધારિત દિને શરુ થઈ અને વરસાદ થંભી ગયો, ઉઘાડ નીકળ્યો, નવે નવ દિવસ કોરા રહ્યા. આ કથાના યજમાનની જવાબદારી 'ગુજરાત સમાચાર' દૈનિકના શિરે હતી. અખબારના માલિકતંત્રી શ્રેયાંસ શાહ અને કથાના ઉદ્ઘાટક ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે કડવાતૂરા ખાટા તીખા સંબંધો છે તે સૌ કોઈ જાણે છે. ગાંધી કથા નિમિત્તે બેઉ બળિયા ભેગા થયા, જેમાં પૂ.મોરારી બાપુએ સેતુની ભૂમિકા ભજવી. પત્રકારત્વની ચીલાચાલુ ભાષામાં કહીએ તો હવે સમય જ કહેશે કે આ સેતુ પરથી પસાર થઈને સામે છેડે ઉભેલી વ્યક્તિ સાથે દોસ્તી કરવની પહેલ કોણ કરશે. વોચ ધિસ સ્પેસ. અહી કથાના બીજા દિવસે કથાની શરૂઆત પહેલાં થયેલાં ત્રણેય મહાનુભાવોનાં પ્રવચનો તમારા સ્વાદ માટે આપ્યા છે. વાંચશો તો બિટ્વીન ધ લાઇન્સ મઝા આવશે. 

'ગુજરાત સમાચાર'ના માલિકતંત્રી શ્રેયાંસ શાહનું પ્રવચન 
વિશ્વ વંદનીય પરમ પૂજ્ય મોરારી બાપુ, પાંચ કરોડની જનતાના લોકલાડીલા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ, કાર્તિકેયભાઈ, અમૃતભાઈ અને સૌ આમંત્રિત મહેમાનો. જેની પુણ્યભૂમિ ઉપર ઉભા છીએ તે પૂજ્ય મહાત્મા ગાંધીને વંદના. 'ગુજરાત સમાચાર' વતી પૂજ્ય મોરારી બાપુનું, નરેન્દ્રભઈનું અને આપ સૌનું સ્વાગત કરતા ખૂબ, અત્યંત આનંદ હર્ષનો ઉમળકો અનુભવું છું. ચમત્કારોમાં સામાન્ય રીતે હું માનતો નથી, પણ આજની આ કથાનું જે કઈ આયોજન થયું છે તે મારે મન ચમત્કાર સિવાય બીજું કંઈ જ નથી. શુક્રવારની મધ્યરાત્રિએ બાર-એક વાગ્યા સુધી વરસાદ વરસતો હતો, અમારા મનમાં હતું કે અમે આવતી કાલે આ કથાનું આયોજન કરી શકીશું કે નહિ? શુક્રવારે રાત્રે દસ વાગ્યે મોરારી બાપુ સાથે વાત કરી તો મોરારી બાપુએ કહ્યું કે તમે કંઈ ચિંતા ન કરશો. બીજે દિવસે સવારે દસ વાગ્યે બાપુને મળ્યો. કંઈક એવો ચમત્કાર જોયો કે ગઈકાલે રાત્રે દોઢ વાગ્યા સુધી જે વરસાદ હતો તે ગાયબ થઈ ગયો. દસ દિવસથી સૂર્યના જે દર્શન નહોતાં થતાં તે દર્શન થયાં અને બાપુને મળ્યો ત્યારે નક્કી કર્યું કે આપણે આજની તારીખ સાચવીશું અને પોથીપ્રસ્થાન કરીશું અને આવતી કાલથી રોજના મુજબની બીજી ઓક્ટોબરે આપણી આ કથાનું આયોજન શરુ કરીશું.
આ કથા પાછળ મોરારી બાપુનું મનોબળ ખરેખર ખૂબ મક્કમ હતું કે મારે આ કથા કરાવી છે. અને આ મનોબળના કારણે જ આ થયું છે. પૂજ્ય મહાત્મા ગાંધીનું મનોબળ મક્કમ હતું કે મારે આ દેશને સ્વતંત્રતા અપાવવી છે... જ્યાં જ્યાં તે કથા કરવા જાય છે ત્યાં એમનું મનોબળ હોય છે... મોરારી બાપુની વાત કરું તો મોરારી બાપુ માત્ર ધર્મની કથાઓ જ નથી કરતા એમને સાહિત્ય પ્રત્યે પણ એટલી જ રુચી છે. સાહિત્યકારો હોય, કવિઓ હોય, પત્રકારો હોય, બીજી જે જે કોઈ વ્યક્તિઓ હોય એમના માટેની સવિશેષ રુચી છે. વર્ષમાં એક વાર એ સાહિત્યકારોનું અભિવાદન કરે છે. અને એ અભિવાદન કઈ રીતનું કરે છે એ પણ જાણવા જેવું છે. સાહિત્યકારોને બોલાવે છે, મંચ પર ઉભા રાખે છે, મોરારી બાપુ સરસ વક્તા છે પરંતુ સારા વક્તાએ સારા શ્રોતા થવું એટલે એ દિવસે મોરારી બાપુ જયારે પણ સભામાં બેઠા હોય ત્યારે એ બધાની વચ્ચે એમની વાતો સંભાળે. ત્રણ કલાક બેસે અને ત્યારબાદ એમને સાલ ઓઢાડી એમનું સન્માન કરે. એમને કવિતામાં પણ ઊંડો રસ છે. ધર્મમાં પણ ઊંડો રસ છે અને ધર્મને જે રીતે સમજાવે છે એ ખરેખર અકલ્પનીય છે. 

ગાંધી બાપુની જેટલી સરળતા અને સાદગી છે એટલી જ મોરારી બાપુની સરળતા અને સાદગી છે. એક પ્રસંગ યાદ આવે છે મને. મોરારી બાપુ એક વખત જઈ રહ્યા હતા અને પ્રવાસમાં તેમણે એક વ્યક્તિ મળી. માનસ બહુજ સામાન્ય હતો. ગામ તલગાજરડાની આજુ બાજુનો જ એ વાતની હતો. બાપુને કહ્યું કે બાપુ મારા ઘરે પધારશો? બાપુએ તેમની ટેવ પ્રમાણે હા પાડી. એમના ઘરે ગયા. પછે એણે બાપુને કહ્યું 'લો બાપુ તમે મારા ઘરે આવ્યા છો તો આ બીડી પીશો?' બાપુએ નાં પડી. 'ભાઈ, હું તો બીડી પીતો નથી'. થોડી વાર થઈ પછી પેલા ભાઈએ જાતે પોતે બીડી પીવા માંડી. થોડીવાર પછી ભક્તોએ પૂછ્યું કે બાપુ એ તમારી સામે બીડી ફૂંકતો હતો ત્યારે તમે એને એવું કરવાની ના નહિ પડી? બાપુએ બહુ સરસ શબ્દોમાં કહ્યું 'ભાઈ મારું કામ હું કરતો હતો, એનું કામ એ કરે છે. જીવનમાં દરેક વ્યક્તિ પોતાનું કામ કરે છે. વ્યક્તિ બીજાનો અવરોધ ન કરે તો આ જીવનનું કલ્યાણ થઈ શકે.' આટલા સરળ હૃદયના બાપુ છે. મારે બાપુનો ખાસ ઉપકાર માનવાનો. 'ગુજરાત સમાચાર' સાથે તેમને ૩૦ વર્ષથી સતત સંબંધ રહ્યો છે. ૩૦ વર્ષ પહેલાં પણ 'ગુજરાત સમાચાર' ભવનમાં તેમના પગલા થયાં હતા. આજે પણ એમની જયારે 'ગુજરાત સમાચાર'ને આ કથાનું આયોજન કરવાનું આમંત્રણ આપ્યું હતું એ સ્વીકારીને ખરેખર અમારા ઉપર ઉપકાર કર્યો છે.

ખાસ સવિશેષ આ કથાનું મહત્વ એટલા માટે છે કે ૧૯૩૨માં જયારે 'ગુજરાત સમાચાર'નો જન્મ થયો ત્યારે સ્વતંત્રતાની લડતમાં 'ગુજરાત સમાચાર'એ પણ ઘણું બધું સહન કર્યું હતું... મારે અહી ખાસ ઉલ્લેખ માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈનો કરવાનો રહ્યો. દોઢેક માસ પૂર્વે હું એમને નિમંત્રણ આપવા ગયો હતો ત્યારે બહુજ ઉમળકાથી તેમણે આ નિમંત્રણનો સ્વીકાર કરેલો. બાપુ માટેનો ભક્તિભાવ, 'ગુજરાત સમાચાર' માટેનો પ્રેમ એમને ખૂબ સરળતાથી સ્વીકાર કરી લીધો. એ કહે 'હું મારા બધા જ કાર્યક્રમો કેન્સલ કરીને પણ અહીયાં આવીશ.' શુક્રવારે જયારે મારે એમને ના કહેવાની આવી કે કાર્યક્રમ એક દિવસ માટે મુલતવી રાખ્યો છે ત્યારે એમને સાંજે જ ખ્યાલ આવી ગયો હતો કે વરસાદ છે એટલે મેં ફોન કર્યો છે. નરેન્દ્રભાઈ મને કહે 'મને ખબર છે કે તમે શા માટે ફોન કર્યો છે. વરસાદ છે. હું સમજી શકું છું તમારી લાગણી.' મેં કહ્યું 'હું તમને કદાચ બીજી તારીખ માટે ફોન કરીશ.' બીજે દિવસે મેં જયારે તેમણે ફોન કર્યો ત્યારે એમણે કહ્યું 'તું ચિંતા ન કરીશ. મારું આ ઘર છે. હું ચોક્કસ આવીશ.' અને રવિવાર સાંજ હોય કે સોમવાર એમણે મારા આમંત્રણનો સ્વીકાર કર્યો છે. હું આપ સૌ વતી 'ગુજરાત સમાચાર' વતી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું... ગુજરાતના મુખ્યમંત્રી અહી બેઠા છે આપણે સૌ એમને એવું મનોબળ આપીએ કે સરસ અને સુરાજ્ય રામરાજ્ય સ્થાપી શકીએ એવી હું આપ સૌ વતી નરેન્દ્ર મોદીને પણ પ્રાર્થના કરું છું. સૌનો આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર. 

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનું પ્રવચન 
રામભક્ત પૂજ્ય બાપુનો આજે જન્મદિવસ છે. પ્રભુ રામને આપણે પ્રાર્થના કરીએ કે અનેકોનેક વર્ષ એમની વાણીનો, એમના જ્ઞાનનો, એમના અનુભવનો લાભ માનવજાતિને મળતો રહે, સમય પ્રમાણે શાસ્ત્રોની વ્યાખ્યા કરીને જન્સમાંજાનું માર્ગદર્શન કરતા રહે અને સમયાનુકૂલ પરિવર્તન માટે થઈને પ્રેરણા આપતા રહે, એ માટે ઈશ્વરને પ્રાર્થના કરીએ કારણકે શુભેચ્છાઓ આપવા માટે તો હું નાનો કહેવાઉં, આમ ગોઠે જ નહિ... કે શુભેચ્છા આપીએ આપણે એટલે ઈશ્વરને જ પ્રાર્થના કરીએ કે સઘળું વરસાવે. ગાંધી આશ્રમમાં આજે આ કથા થઇ રહી છે. આને હું બહુજ સામાજિક સંકેત ગણું છું. આને હું ટીકાના અર્થમાં વિચારતો નથી. હું જે વાત કરું છે તેને પુરા સ્વરૂપમાં પકડવામાં આવે, નહિ તો પાછું આમાંય... જોકે કાલે શક્યતા ઓછી છે...

આ પૂજ્ય બાપુની તપોભૂમિ છે. બાપુના ગયા પછી ઘણા વર્ષો પછી પણ એમનાં તાપ, એમનાં તેજ, એમનાં વાયબ્રેશંસ અહી આવનાર પ્રત્યેક વ્યક્તિ અનુભવતી હોય છે. એવી જગ્યાને પણ ક્યારેક ક્યારેક એવા અવસરની જરૂરિયાત હોય છે કે જે અવસર ક્લેરિફિકેશનની પ્રક્રિયાને વધારે તેજ કરે. અને હું માનું છું કે આ અવસર એવો અવસર છે કે પૂજ્ય બાપુના એ તાપોકાળને ફરી એકવાર ચેતનવંતો બનાવવામાં, ફરી એકવાર એના સ્પંદનોને વધારે વિશાળતા તરફ લઇ જનારો બની રહેશે. અને એ અર્થમાં આ તપોભૂમિમાં આ કથા ખૂબ ખૂબ આવશ્યક છે અને એમાંથી પ્રેરણા એ જ કે બધી જ જગ્યાએ, બધી જ વ્યવસ્થાઓમાં, બધી જ વ્યક્તિઓમાં, સમયાંતરે આ પ્રકારનો, ક્લેરિફિકેશનનો યજ્ઞ જરૂરી હોય છે. શુદ્ધિ યજ્ઞ આવશ્યક હોય છે. દરેક વ્યવસ્થા માટે આવશ્યક હોય છે...

કથા મોદી કેમ થઇ? વરસાદ કેમ નડ્યો? બાપુનું તપ કેમ ફળ્યું? આ બધા માટે બધી બાબતો હશે. મને એક કારણ જુદું દેખાય છે. સાબરમતીમાં નર્મદાનું પાણી વહે છે, પણ ઈશ્વરની ઈચ્છા એવી હતી કે આ કથા થાય ત્યારે કમસેકમ એટલા દિવસ તો સાબરમતીમાં સાબરમતીનું પાણી વહે. અને આનંદની વાત છે કે આજે સાબરમતીમાં સાબરમતીનું પાણી છે. ધરોઈ ડેમમાં વર્ષો પછી દરવાજા ખોલવાનો વારો આવ્યો. અને સાબરમતીનું અસલી સાબરમતીનું પાણી આજે સાબરમતીમાં વહી રહ્યું છે અને એવે વખતે જે સાબરમતીના કિનારે તપસ્યા ચાલતી હતી, આઝાદીના જંગનો યજ્ઞ ચાલતો હતો, જ્યાં આહુતિઓ અપાતી હતી, જ્યાં સંકલ્પો લેવાતા હતા એવી આ ભૂમિમાં બુરાઈઓની આહુતીનો અવસર છે...

આજના યુગમાં જગતની અંદર વિચારો, કૃતિઓ, એનો કોઈ તોટો નથી પણ જોટો ન હોય એવી કૃતિઓ ઓછી હોય. તોટો ન હોય એવી કૃતિઓનો અંબર છે. પણ જોટો ન હોય એવી કૃતિઓ ઓછી હોય. એવી કૃતિ એટલે આપણે હજારો વર્ષથી પ્રેરણા આપતું રામચરિત માનસ. આ સમાજની વિશેષતા જુઓ આપના પૂર્વજોએ કેવી પરફેક્ટ વ્યવસ્થા કરી છે કે સનાતન સત્યના પ્રકાશમાં સમાયાનુફૂલ ચિંતન કરીને જે કાલબાહ્ય છે તેની મુક્તિ, જે કાલાતીત છે તેનો અનુગ્રહ અને જે કાલના નિર્માણ માટે આવશ્યક છે તેનો સંગાથ લઈને ચાલવું. આ એક અદ્ભુત વ્યવસ્થા સહસ્ત્રો વર્ષોથી આપણે ત્યાં વિકસેલી છે. આના કારણે મૂળ સનાતન સત્યમાંથી પ્રેરણા લઈને આપણે આજે પણ રામજી આવે અને શીલાને સ્પર્શ થાય અને એમાંથી અહલ્યા બને કે ન બને પણ મનમાં ઈચ્છા તો જાગે કે રામચરિત માનસમાં શું થઇ રહ્યું છે અને સમભાવ છે કે કોઈના મનમસ્તિષ્કમાં પડેલો પથરો પીગળે અને અહલ્યાનું રૂપ એની અંદર આવિષ્કાર થાય જે કલ્યાણના માર્ગે લઇ જાય.

 આ તો એની શક્તિ છે અને આ શક્તિનો ભરોસે જ તો સમાજજીવન ચાલતું હોય છે. રામાયણમાં અનેક પાત્રો છે. હું મારી વાત કરું છું, મને ઉપદેશ આપવાનો કોઈ અધિકાર નથી પણ મને એમ લાગે કે જટાયુથી વધારે પ્રેરક આજે રામાયણનું કોઈ પાત્ર ન હોઈ શકે. વિશ્વ આખું જયારે આતંકવાદની જકડમાં જકડાયું હોય ત્યારે માનવતાને ખુલ્લે આમ રહેંસી નાખવામાં આવતી હોય ત્યારે, સમગ્ર માનવજાતને ચૂંથી રહ્યા હોય ત્યારે આપણે યાદ આવે એક જટાયુ, જે એ વખતે આતંકવાદ સામે ઝઝૂમવા માટે મોતને મુઠ્ઠીમાં લઈને નીકળી પડ્યું હતું. એક જટાયુ જેણે અભયમનો સંદેશો આપ્યો હતો. જેણે વીરગતિનો સ્વીકાર કરીને મૂલ્યને માટે મોતને વહાલું કર્યું હતું... અંગ્રેજ સલ્તનતની સામે બાપુનું જીવન આમ તો જટાયુ જેવું. સલ્તનતની સામે મુલ્યોને ખાતર ઝઝૂમતા રહ્યા અને એ તપોભૂમિમાં રામચરિત માનસનો પાઠ થતો હોય અને ત્યારે જટાયુ આપણી સામે આવે ત્યારે અભયામાનો સંદેશો આપણને આપી જાય. પૂજ્ય બાપુ, એમની વાણી, એમનું સમાયાનુકુલ ચિંતન આવનારા દિવસોમાં આપણને સૌને પ્રેરણા અપાતા રહેશે. 'ગુજરાત સમાચાર'ના મિત્રોને આવો એક શુભ પ્રસંગ કર્ણાવતીની ધરતીને આપવા માટે હૃદયપૂર્વક અનેક અનેક અભિનંદન પાઠવું છું. આજે પૂજ્ય બાપુના જન્મદિવસે એમનાં શ્રી ચરણોમાં વંદન કરું છું. જય શ્રી રામ.

પૂજ્ય મોરારી બાપુનું પ્રવચન (*અહેવાલ મોટો હોવાથી પ્રવચનનો સાર રજૂ કર્યો છે)
રામકથાના બીજા દિવસે ઉપસ્થિત આપના રાજ્યના મુખ્યમંત્રીશ્રી આદરણીય નરેન્દ્રભાઈ, સમગ્ર આયોજનના નિમિત્ત માત્ર યજમાન શ્રેયાંસભાઈ અને 'ગુજરાત સમાચાર' પરિવાર, જે તપોભૂમિ પર આપણે બેઠા છીએ તેની સુવ્યવસ્થા કરવામાં લાગેલા આદરણીય અમૃતભાઈ મોદી અને આપ સૌ મારા ભાઈ બહેન અને ટીવીના માધ્યમથી પોતાના ઘરમાં રામકથા સાંભળનાર દરેક શ્રોતા ભાઈ બહેનને વ્યાસ પીઠ પરથી મારા પ્રણામ.

હું જ્યારથી બોલી રહ્યો છું ત્યારથી કહું છું કે રામકથા શું છે? તે મારે એક વાક્યમાં કહેવાનું હોય તો હું કહીશ કે રામકથા સેતુબંધની કથા છે. સેતુબંધમાં પત્થર હોય, ઈંટ હોય એ એક બીજાની જોડવામાં મારી પાસે આ ઈંટ છે. આજે આ બેય જાના કેટલા સારા લાગે છે! આપણા રાજ્ય ગુજરાતના, જેમ પગ ધરતી પર કાયમ રહ્યા, પગે ધરતી છોડી નથી અને એવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને 'ગુજરાત સમાચાર'ના મુખ્ય તંત્રી... છતાં પણ સેતુને વારંવાર રીપેર કરવો પડે છે. એક મોટો સેતુ વિચારોનો... હૃદયનો... આજે મને એક હાર્ટસ્પેસીયલીસ્ટે મહુવાથી ફોન કર્યો. તેણે મને કહ્યું કે બાપુ આજે 'વિશ્વ હાર્ટ દે' છે. જેમ ઘણા 'ડે' નીકળ્યા છે ને. એટલા બધા 'ડે' નીકળ્યા છે કે હવે રાત્યું બગાડી નાખી છે... આજે 'હાર્ટ ડે' છે અને જ્યાં ગાંધી બાપુનું હૃદય કુંજ છે એ જ તપોભૂમિમાં આજે હૃદયથી મળતા આ દ્રશ્ય જોઉં છું ત્યારે આનંદ થાય છે. સમગ્ર ગુજરાતના વિકાસ અને રાષ્ટ્ર કલ્યાણની વાત હોય ત્યારે આપણે એક ન થઇ શકીએ? મેં ઈંટ મૂકી છે હવે ધ્યાન રાખજો. શ્રેયાંસ ભાઈએ કહી દીધું કે આપનો આદેશ... ધન્યવાદ....

વિશ્વ વંદનીય ગાંધી બાપુએ શું કર્યું હતું? સબ નાર કરત પરસ્પર પ્રીતિ - રામરાજ્યનું પ્રધાન સૂત્ર છે. એવી સ્થિતિમાં જીવવું એ રામરાજ્યમાં જીવ્યું કહેવાય. ગુજરાતની ઈર્ષ્યા કોને થતી નથી? દૂરરરરર... મુલકો સુધી કોણ સહી શકે છે? અને એમાય આ વખત ધધુંબી એવી વર્ષા થઇ છે... રાજ્ય સત્તા લીલીછમ... લોકોય લીલાછમ... આખી અવની પણ લીલીછમ... બસ મારી વ્યાસપીઠ ચાહે છે કે આ હરિયાળી કાયમ રહે.

મને વિશ્વાસ હતો, મેં શ્રેયનભાઈને પણ કહ્યું અને તેઓ વિવેક થાડા ચૂકે? તેમણે કહ્યું કે હું આદરણીય મુખ્યમંત્રીશ્રીને નિમંત્રણ આપવા જઈશ, રાજ્યપાલશ્રીને કહીશ પણ તેમને સમય હશે... મેં કહ્યું, જરૂર આવશે સાહેબ, એકવાર જઈને તો જુઓ. અનિવાર્યતા હોય તે અલગ વાત છે. ક્યાંક બહાર ગયા હોય, પણ આવશે, જરૂર આવશે, ઘણો આનંદ થાય છે. સત્તા પાસે વિવેક ન હોય તો સત્તા ટકાઉ નહિ બીકાઉ થઇ જાય છે. એવી જાણ કરવામાં આવી કે અમે મુખ્યમંત્રીશ્રીને મળવા ગયા તો એમણે કહ્યું કે મોરારી બાપુ જે તારીખ આપે તે મારી તારીખ... સારું લાગે છે. જમાને મેં કઈ ઐસે ભી નાદાન હોતે હૈ વહાં લે જાતે હૈ કશ્તી જહાં તૂફાન હોતે હૈ... હું ઘણો ખુસ થાઉં છું.  હું આજે રાત્રે બંને પાસે બેસી ખૂબ દુઆ દેવાનો છું. એય માતાજી તમને સાજા નરવા રાખે. નરેન્દ્ર મોદી અહી આવ્યા છે. એ શ્રેયાંસ ભાઈ તો યજમાન છે. આથી એક પરિવારમાં બેસીને હું બોલી રહ્યું છું અને અને આ રીતે અમે ઘણીવાર બેઠા છીએ. હરિયાણામાં. કયા નગરમાં કથા હતી? રોહતક, તમે ત્યાના જ પ્રભારી હતા. લોકો કહેતા કે તમે મોરારી બાપુના ભાઈ છો કે મોરારી બાપુ તમારા ભાઈ? આનંદ થાય છે બાપ! ઘણો જ આનંદ આવે છે... હમે હમ જહાં હૈ વહી સે યહ કામ કરના હૈ કે આઓ ગળે લગે મિલે મુશ્કિલ તો હોગી... સૂરજ બનકર દેખ લિયા ન સૂરજ સા રૂપ જળ કર... પત્રકાર જગતમાં પણ આપ આગળ છો. નરેન્દ્રભાઈ ધરતી પર પગ રાખી લોકોની સેવામાં લાગ્યા છે...

ગાંધી જયંતીના દિવસે રામકથાની પુર્ણાહુતી થઇ : એક રિપોર્ટ
શબ્દો ઘણા છે એટલે દિલગીર છું અને ઉપર બધું કહેવાઈ ગયું છે એટલે જરૂર જણાતી નથી. 

સોમવાર, 20 મે, 2013

કાવ્ય અને તસવીરોનો અનોખો સમન્વય


ફોટોગ્રાફર કોઈ અદ્ભુત દ્રશ્ય તેના કેમેરામાં ઝડપે અને તે દ્રશ્ય પરથી કવિ કાવ્ય રચે એમાંથી એક અનોખું સર્જન નિષ્પન્ન થાય. ગુજરાતી ભાષા અને સાહિત્યનું જતન કરવાના ઉદ્દેશ્યથી અસ્તિત્વમાં આવેલ સંગીતકાર બેલડી શ્યામલ અને સૌમિલ મુનશીની શબ્દસેતુ સંસ્થા અન્વયે એક અનોખા કાર્યક્રમનું આયોજન અમદાવાદના ટાગોર હોલમાં ૨૬ જુલાઈ ૨૦૦૭ ગુરુવારની રાત્રે ૯-૩૦ થી ૧૨-૩૦ દરમિયાન થયું હતું. કવિનું કાવ્ય, નવલકથાકારની નવલકથા, ગઝલકારોની ગઝલ, વિચારકોના વિચાર, ચિંતકોનું ચિંતન, હસ્યાકારોનું હાસ્ય સાહિત્યની અનેક રંગ છટાઓ શબ્દસેતુની પરિકલ્પનાઓ છે. ગુજરાતી ભાષામાં ઘણું લખાયું છે, લખાઈ રહ્યું છે અને ભવિષ્યમાં પણ લખાતું રહેશે એમાં કોઈ બેમત નથી પરંતુ શબ્દસેતુની સાધના આ સાહિત્યને લોકો સુધી પહોચતું કરવાની છે.

શબ્દસેતુના આ કાર્યક્રમમાં તસવીરકારોની તસવીરો અને કવિઓના કાવ્યની બેવડી અનુભૂતિ સભાગૃહમાં ઉપસ્થિત પ્રેક્ષકોએ કરી. એક પછી એક તસવીરો પ્રોજેક્ટર પર પ્રગટ થતી રહી અને તસવીર પર કવિઓએ તેમના કાવ્યનું પઠન કર્યું. કવિ અંકિત ત્રિવેદીએ કાવ્યમય રીતે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું. કવિઓ અને તસવીરકારોના સર્જનનો રસાસ્વાદ અંકિત ત્રિવેદીની મૌલિકતા વગર કદાચ અધૂરો લાગત.

કાર્યક્રમની શરૂઆત પહેલાં આ તસવીરકારોની ૪૦ તસવીરો પ્રદર્શનમાં મુકવામાં આવી હતી. ફોટોગ્રાફ્સ સ્પષ્ટ નિહાળી શકાય તે માટે સભાગૃહમાં અજવાળું આછું રાખવામાં આવ્યું હતું. લાઈટ્સની ગોઠવણી કાર્યક્રમ અનુરૂપ હતી. સતેજ પર વિષય અનુરૂપ મંચ તૈયાર કરવામાં આવ્યો હતો. પ્રોજેક્ટરની એક બાજુ કવિઓ બેઠા હતા ત્યાં ફોટોગ્રાફરના સિમ્બોલ મુકવામાં આવ્યા હતા અને બીજી બાજુ કવિઓની પ્રતિકૃતિ સમાન કેટલાક પુસ્તકો મુકવામાં આવ્યા હતા. પ્રોજેક્ટર પર ફોટોગ્રાફ્સ દ્રષ્ટિગોચર થતા હતા તેમ તેમ અલગ અલગ કવિઓએ તે તસવીરો પર તેમની કાવ્ય રચનાઓ રજૂ કરી. ક્રમ આ પ્રમાણે હતો - તસવીર પરથી કવિની રચના, ત્યારબાદ એક શબ્દ પરથી ગઝલ કે કંઈક એ પ્રકારનું.

જોગેશ ઠાકરની યાત્રા તસવીર પર કવિ મકરંદ મુસળેએ કાવ્ય રજૂ કર્યું. એક હોડકામાં ગામના લોકો હોય તેવી તસવીર હતી. જેનું યાત્રા એવું નામ કવીએ આપ્યું અને હાસ્યરસ નિષ્પન્ન કર્યો અને ક્લોઝ-અપ શબ્દ પર ગઝલ રજૂ કરી:

લઉં બંધ આંખોથી સમયનો ક્લોઝ-અપ
ખોલું તો બ્લેન્ક ઘટનાઓનો ક્લોઝ-અપ
અહીં કાન આંખો વગરના લોકો
નથી મળતો ચહેરાનો ક્લોઝ-અપ
બધાય ભવ્ય ભૂતકાળ અમને બતાવે
તમારું તખલ્લુસ મકરંદ ક્યાં છે?


સુનીલ આડેસરના સીડીના દ્રશ્ય પરથી હિતેન આનંદપરાએ કાવ્ય રજૂ કર્યું. તેમને ક્લિક શબ્દ આપવામાં આવ્યો અને તેમણે ક્લિક ન કરી શકાય તેવી રચનાની વાત કરી. કેતન મોદીની વૃદ્ધ-વૃદ્ધાની તસવીર પર રઈશ મણિયારે કાવ્ય રજૂ કર્યું જેમાં હાસ્ય-કતાક્ષાનું નિરૂપણ હતું. વૃદ્ધ અને વૃદ્ધા ઓસરીમાં બેઠા છે. વૃદ્ધના હાથમાં છાપું છે અને વૃદ્ધા વિરુદ્ધ દિશામાં જઈ રહ્યા છે. ડેવલપ શબ્દ પર રઈશ મણિયારે ગઝલ રજૂ કરી:

જો બરાબર થશે આજ ક્ષણ ડેવલપ
એજ કરશે સદીનું વલણ ડેવલપ
કોકનો તેજમાં રંગ ઉડી ગયો
તિમિરમાં થયું કોક જન ડેવલપ
ઊપસે છે પળેપળ જીવનની છબિ
થાય છે સાથે સાથે મરણ ડેવલપ...
વાઘ જેવા મોભીને થાય છે એક જ ફિકર
વનમાં થતા રહે બસ હરણ ડેવલપ...
માર્ગ-યાત્રા-નકશો તૈયાર છે
બસ કરી લે તું ચરણ ડેવલપ
આપણે પણ રઈશ બોલશું જરૂર
થાય જો વાતાવરણ ડેવલપ ...


સમીર પાઠકની રીલીફ કેમ્પની તસવીર પર કવિ મુકેશ જોશીએ કાવ્ય રજૂ કર્યું. બે બાળકોની વચ્ચે તેમના પિતા સૂતા છે. છાતી પર સૂર્યનું અજવાળું દેખાય છે.

થાકેલ સૂરજને લાગ્યું થોભી જાઉ પળભર
તો અજવાળે પોરો ખાધો બાપુની છાતી પર
અને છાતી જાને સ્ટેટ બેંક હોય એવું જણાતું...
બાપુના પરસેવામાં સુખ બપોરે નહોતું
અમીર દિલમાંથી ઢોળાતા સો રંગ
રોજ ગરીબી સાથે એને સત્સંગ
ચ્હાની એ બે ચૂસકી મારી થતા ફ્રેશ...
એ રાતે બાપુને ઉપાડી અધમણ અધમણ ખાંસી...


મનોજ ધોળકિયાની તળાવના કિનારે પાણી પીતી ખિસકોલીના દ્રશ્ય પર કવિ અંકિત ત્રિવેદીએ કાવ્ય રજૂ કરતા કહ્યું, મને ખીસકોલીનો ફોટો કેમ આપ્યો એ નથી સમજાતું. ખિસકોલી મનના તરંગની નીપજ છે. મનોજ ભાઈએ મસ્તીથી તસવીર લીધી છે.

ખિસકોલી પીતી હો પાણી
એ તને કેવી મજાઓ આવે તળાવને
ખાલી માણસને આટલું સમજાવોને
પાણીને થતું કે કોઈ એને પીવે
એનો ખિસકોલી કરે છે મોક્ષ...

અંકિત ત્રિવેદીએ બ્લેક એન્ડ વ્હાઈટ શબ્દ પર આ રજૂઆત કરી:
આંખ સામે આલ્બમ જ્યાં જૂનું આવી જાય છે
બ્લેક એન્ડ વ્હાઇટ સમયમાં પણ રંગ ભીનો થાય છે
બના બોખા સ્મિતવાળો ચહેરો જયારે જોઉં છું
આજ પણ ફોટામાંથી વાર્તા સંભળાય છે
જે દીવાલો પર કરેલા હોય લીટા
એ જ દીવાલો પર ફોટા કંઈક તીન્ગાય છે
એક પણ એન્ગલથી એ મોડેલ જેવા છે નહિ
લગ્ન કરતા મમ્મી પપ્પા કેટલા શરમાય છે...


વિવેક દેસાઈની ઘોડા અને નાના બાળકની તસવીર પર ઉદયન ઠક્કરે કાવ્ય રજૂ કર્યું જેમાં ઘોડાનું માત્ર મસ્તક દેખાય છે અને બાળક ઘોડા સામે ઉભો છે. ઉદયન ઠક્કરના કાવ્યમાં પારિવારિક હાસ્ય પ્રગટ થયું. ફોટા શબ્દ પર તેમણે ગઝલ રજૂ કરી:

આસમાનમાં એકએક લીસોટા પડતા જોયા છે
ને વરસાદી રાતે વાયુના ફોટા પડતા જોયા છે
વચ્ચે આવે સોયનું નાકું બાકી સુખ તો સામે છે
લોકોને મેં મોટા ભાગે ખોટા પડતા જોયા છે...


શશીકાંત મહેતાની છત્રી ઓઢીને બેઠેલા યુવક યુવતીની તસવીર પર ડો.શ્યામલ મુનશીએ કહ્યું, જયારે એક મોટર બાઈક ઉપર એક છોકરો જતો હોય ત્યારે એ વિચારતો હોય કે ક્યાં, ક્યારે, કેટલા પેટ્રોલમાં જવાનું છે. પાછળ છોકરી વળગીને બેઠી હોય તો આ બધા પ્રશ્નો ગૌણ બની જાય છે.

સમય ટપકતો અને ભીની પલ છત્રી નીચે કંઈક વહે છે
ખળખળ ખળખળ છત્રી નીચે ને વૃક્ષ પૂરતું સીમિત ક્યાં રહે છે ચોમાસું...


કાર્યક્રમના બીજા દૌરમાં સૌમિલ મુનશીએ કવિઓ અને તસવીરકારોનું ફૂલોથી સન્માન કર્યું. ત્રીજા દૌરમાં કવિઓને સ્થળ પર જ તસવીરો બતાવવામાં આવી તેના પરથી કાવ્યો અને ગઝલો રજૂ થયા. જેમાં હાસ્ય, કટાક્ષ, કરુણ, શાંત રસો નિષ્પન્ન થયા. અન્નકૂટની તસવીર પર કવિ મુકેશ જોશીએ ધારદાર કટાક્ષો રજૂ કર્યા. ગરીબી-ભૂખમરો, ધાર્મિક વિધિઓમાં અંધશ્રદ્ધા આડંબરો છતી કરતી રચના રજૂ કરી. થોરની તસવીર પર ઉદયન ઠક્કરે રણ વિસ્તારની આંતરિક સ્થિતિનું વર્ણન કર્યું. મનુષ્યના અંતિમ પદવ એવા સ્મશાનમાં ભડભડ સળગતી ચિતાની તસવીર પર કવિ અંકિત ત્રિવેદીએ જીવનમાં સત્યનું, વાસ્તવિકતાનું તાદશ્ય નિરૂપણ કર્યું. ડો. શ્યામલ મુનશીએ રસ્તા વચ્ચે બેઠેલી ગાયોના તોલા વિષે કહ્યું કે ગાયોનો ઉપયોગ કરીએ પણ રસ્તા ઉપર આપણને જોવ મળે ત્યારે ખટકે છે જાણે રસ્તો આપણા બાપનો હોય.

કાર્યકાર્મમાં સાહિત્યકાર રઘુવીર ચૌધરી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ પુરુષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી. 



(પ્રસ્તુત અહેવાલ 'વિચારધારા' સાપ્તાહિકના ૧૩ ઓગસ્ટ ૨૦૦૭ન અંકમાં પ્રકાશિત થયો હતો)