સોમવાર, 20 મે, 2013

કાવ્ય અને તસવીરોનો અનોખો સમન્વય


ફોટોગ્રાફર કોઈ અદ્ભુત દ્રશ્ય તેના કેમેરામાં ઝડપે અને તે દ્રશ્ય પરથી કવિ કાવ્ય રચે એમાંથી એક અનોખું સર્જન નિષ્પન્ન થાય. ગુજરાતી ભાષા અને સાહિત્યનું જતન કરવાના ઉદ્દેશ્યથી અસ્તિત્વમાં આવેલ સંગીતકાર બેલડી શ્યામલ અને સૌમિલ મુનશીની શબ્દસેતુ સંસ્થા અન્વયે એક અનોખા કાર્યક્રમનું આયોજન અમદાવાદના ટાગોર હોલમાં ૨૬ જુલાઈ ૨૦૦૭ ગુરુવારની રાત્રે ૯-૩૦ થી ૧૨-૩૦ દરમિયાન થયું હતું. કવિનું કાવ્ય, નવલકથાકારની નવલકથા, ગઝલકારોની ગઝલ, વિચારકોના વિચાર, ચિંતકોનું ચિંતન, હસ્યાકારોનું હાસ્ય સાહિત્યની અનેક રંગ છટાઓ શબ્દસેતુની પરિકલ્પનાઓ છે. ગુજરાતી ભાષામાં ઘણું લખાયું છે, લખાઈ રહ્યું છે અને ભવિષ્યમાં પણ લખાતું રહેશે એમાં કોઈ બેમત નથી પરંતુ શબ્દસેતુની સાધના આ સાહિત્યને લોકો સુધી પહોચતું કરવાની છે.

શબ્દસેતુના આ કાર્યક્રમમાં તસવીરકારોની તસવીરો અને કવિઓના કાવ્યની બેવડી અનુભૂતિ સભાગૃહમાં ઉપસ્થિત પ્રેક્ષકોએ કરી. એક પછી એક તસવીરો પ્રોજેક્ટર પર પ્રગટ થતી રહી અને તસવીર પર કવિઓએ તેમના કાવ્યનું પઠન કર્યું. કવિ અંકિત ત્રિવેદીએ કાવ્યમય રીતે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું. કવિઓ અને તસવીરકારોના સર્જનનો રસાસ્વાદ અંકિત ત્રિવેદીની મૌલિકતા વગર કદાચ અધૂરો લાગત.

કાર્યક્રમની શરૂઆત પહેલાં આ તસવીરકારોની ૪૦ તસવીરો પ્રદર્શનમાં મુકવામાં આવી હતી. ફોટોગ્રાફ્સ સ્પષ્ટ નિહાળી શકાય તે માટે સભાગૃહમાં અજવાળું આછું રાખવામાં આવ્યું હતું. લાઈટ્સની ગોઠવણી કાર્યક્રમ અનુરૂપ હતી. સતેજ પર વિષય અનુરૂપ મંચ તૈયાર કરવામાં આવ્યો હતો. પ્રોજેક્ટરની એક બાજુ કવિઓ બેઠા હતા ત્યાં ફોટોગ્રાફરના સિમ્બોલ મુકવામાં આવ્યા હતા અને બીજી બાજુ કવિઓની પ્રતિકૃતિ સમાન કેટલાક પુસ્તકો મુકવામાં આવ્યા હતા. પ્રોજેક્ટર પર ફોટોગ્રાફ્સ દ્રષ્ટિગોચર થતા હતા તેમ તેમ અલગ અલગ કવિઓએ તે તસવીરો પર તેમની કાવ્ય રચનાઓ રજૂ કરી. ક્રમ આ પ્રમાણે હતો - તસવીર પરથી કવિની રચના, ત્યારબાદ એક શબ્દ પરથી ગઝલ કે કંઈક એ પ્રકારનું.

જોગેશ ઠાકરની યાત્રા તસવીર પર કવિ મકરંદ મુસળેએ કાવ્ય રજૂ કર્યું. એક હોડકામાં ગામના લોકો હોય તેવી તસવીર હતી. જેનું યાત્રા એવું નામ કવીએ આપ્યું અને હાસ્યરસ નિષ્પન્ન કર્યો અને ક્લોઝ-અપ શબ્દ પર ગઝલ રજૂ કરી:

લઉં બંધ આંખોથી સમયનો ક્લોઝ-અપ
ખોલું તો બ્લેન્ક ઘટનાઓનો ક્લોઝ-અપ
અહીં કાન આંખો વગરના લોકો
નથી મળતો ચહેરાનો ક્લોઝ-અપ
બધાય ભવ્ય ભૂતકાળ અમને બતાવે
તમારું તખલ્લુસ મકરંદ ક્યાં છે?


સુનીલ આડેસરના સીડીના દ્રશ્ય પરથી હિતેન આનંદપરાએ કાવ્ય રજૂ કર્યું. તેમને ક્લિક શબ્દ આપવામાં આવ્યો અને તેમણે ક્લિક ન કરી શકાય તેવી રચનાની વાત કરી. કેતન મોદીની વૃદ્ધ-વૃદ્ધાની તસવીર પર રઈશ મણિયારે કાવ્ય રજૂ કર્યું જેમાં હાસ્ય-કતાક્ષાનું નિરૂપણ હતું. વૃદ્ધ અને વૃદ્ધા ઓસરીમાં બેઠા છે. વૃદ્ધના હાથમાં છાપું છે અને વૃદ્ધા વિરુદ્ધ દિશામાં જઈ રહ્યા છે. ડેવલપ શબ્દ પર રઈશ મણિયારે ગઝલ રજૂ કરી:

જો બરાબર થશે આજ ક્ષણ ડેવલપ
એજ કરશે સદીનું વલણ ડેવલપ
કોકનો તેજમાં રંગ ઉડી ગયો
તિમિરમાં થયું કોક જન ડેવલપ
ઊપસે છે પળેપળ જીવનની છબિ
થાય છે સાથે સાથે મરણ ડેવલપ...
વાઘ જેવા મોભીને થાય છે એક જ ફિકર
વનમાં થતા રહે બસ હરણ ડેવલપ...
માર્ગ-યાત્રા-નકશો તૈયાર છે
બસ કરી લે તું ચરણ ડેવલપ
આપણે પણ રઈશ બોલશું જરૂર
થાય જો વાતાવરણ ડેવલપ ...


સમીર પાઠકની રીલીફ કેમ્પની તસવીર પર કવિ મુકેશ જોશીએ કાવ્ય રજૂ કર્યું. બે બાળકોની વચ્ચે તેમના પિતા સૂતા છે. છાતી પર સૂર્યનું અજવાળું દેખાય છે.

થાકેલ સૂરજને લાગ્યું થોભી જાઉ પળભર
તો અજવાળે પોરો ખાધો બાપુની છાતી પર
અને છાતી જાને સ્ટેટ બેંક હોય એવું જણાતું...
બાપુના પરસેવામાં સુખ બપોરે નહોતું
અમીર દિલમાંથી ઢોળાતા સો રંગ
રોજ ગરીબી સાથે એને સત્સંગ
ચ્હાની એ બે ચૂસકી મારી થતા ફ્રેશ...
એ રાતે બાપુને ઉપાડી અધમણ અધમણ ખાંસી...


મનોજ ધોળકિયાની તળાવના કિનારે પાણી પીતી ખિસકોલીના દ્રશ્ય પર કવિ અંકિત ત્રિવેદીએ કાવ્ય રજૂ કરતા કહ્યું, મને ખીસકોલીનો ફોટો કેમ આપ્યો એ નથી સમજાતું. ખિસકોલી મનના તરંગની નીપજ છે. મનોજ ભાઈએ મસ્તીથી તસવીર લીધી છે.

ખિસકોલી પીતી હો પાણી
એ તને કેવી મજાઓ આવે તળાવને
ખાલી માણસને આટલું સમજાવોને
પાણીને થતું કે કોઈ એને પીવે
એનો ખિસકોલી કરે છે મોક્ષ...

અંકિત ત્રિવેદીએ બ્લેક એન્ડ વ્હાઈટ શબ્દ પર આ રજૂઆત કરી:
આંખ સામે આલ્બમ જ્યાં જૂનું આવી જાય છે
બ્લેક એન્ડ વ્હાઇટ સમયમાં પણ રંગ ભીનો થાય છે
બના બોખા સ્મિતવાળો ચહેરો જયારે જોઉં છું
આજ પણ ફોટામાંથી વાર્તા સંભળાય છે
જે દીવાલો પર કરેલા હોય લીટા
એ જ દીવાલો પર ફોટા કંઈક તીન્ગાય છે
એક પણ એન્ગલથી એ મોડેલ જેવા છે નહિ
લગ્ન કરતા મમ્મી પપ્પા કેટલા શરમાય છે...


વિવેક દેસાઈની ઘોડા અને નાના બાળકની તસવીર પર ઉદયન ઠક્કરે કાવ્ય રજૂ કર્યું જેમાં ઘોડાનું માત્ર મસ્તક દેખાય છે અને બાળક ઘોડા સામે ઉભો છે. ઉદયન ઠક્કરના કાવ્યમાં પારિવારિક હાસ્ય પ્રગટ થયું. ફોટા શબ્દ પર તેમણે ગઝલ રજૂ કરી:

આસમાનમાં એકએક લીસોટા પડતા જોયા છે
ને વરસાદી રાતે વાયુના ફોટા પડતા જોયા છે
વચ્ચે આવે સોયનું નાકું બાકી સુખ તો સામે છે
લોકોને મેં મોટા ભાગે ખોટા પડતા જોયા છે...


શશીકાંત મહેતાની છત્રી ઓઢીને બેઠેલા યુવક યુવતીની તસવીર પર ડો.શ્યામલ મુનશીએ કહ્યું, જયારે એક મોટર બાઈક ઉપર એક છોકરો જતો હોય ત્યારે એ વિચારતો હોય કે ક્યાં, ક્યારે, કેટલા પેટ્રોલમાં જવાનું છે. પાછળ છોકરી વળગીને બેઠી હોય તો આ બધા પ્રશ્નો ગૌણ બની જાય છે.

સમય ટપકતો અને ભીની પલ છત્રી નીચે કંઈક વહે છે
ખળખળ ખળખળ છત્રી નીચે ને વૃક્ષ પૂરતું સીમિત ક્યાં રહે છે ચોમાસું...


કાર્યક્રમના બીજા દૌરમાં સૌમિલ મુનશીએ કવિઓ અને તસવીરકારોનું ફૂલોથી સન્માન કર્યું. ત્રીજા દૌરમાં કવિઓને સ્થળ પર જ તસવીરો બતાવવામાં આવી તેના પરથી કાવ્યો અને ગઝલો રજૂ થયા. જેમાં હાસ્ય, કટાક્ષ, કરુણ, શાંત રસો નિષ્પન્ન થયા. અન્નકૂટની તસવીર પર કવિ મુકેશ જોશીએ ધારદાર કટાક્ષો રજૂ કર્યા. ગરીબી-ભૂખમરો, ધાર્મિક વિધિઓમાં અંધશ્રદ્ધા આડંબરો છતી કરતી રચના રજૂ કરી. થોરની તસવીર પર ઉદયન ઠક્કરે રણ વિસ્તારની આંતરિક સ્થિતિનું વર્ણન કર્યું. મનુષ્યના અંતિમ પદવ એવા સ્મશાનમાં ભડભડ સળગતી ચિતાની તસવીર પર કવિ અંકિત ત્રિવેદીએ જીવનમાં સત્યનું, વાસ્તવિકતાનું તાદશ્ય નિરૂપણ કર્યું. ડો. શ્યામલ મુનશીએ રસ્તા વચ્ચે બેઠેલી ગાયોના તોલા વિષે કહ્યું કે ગાયોનો ઉપયોગ કરીએ પણ રસ્તા ઉપર આપણને જોવ મળે ત્યારે ખટકે છે જાણે રસ્તો આપણા બાપનો હોય.

કાર્યકાર્મમાં સાહિત્યકાર રઘુવીર ચૌધરી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ પુરુષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી. 



(પ્રસ્તુત અહેવાલ 'વિચારધારા' સાપ્તાહિકના ૧૩ ઓગસ્ટ ૨૦૦૭ન અંકમાં પ્રકાશિત થયો હતો)  

ટિપ્પણીઓ નથી: