શનિવાર, 4 મે, 2013

તમારા ગામમાં છે કોઈ 'ચિનો'?




ના તેને ચીન કે ચીનાઓ સાથે કોઈ લેવા દેવા નથી અને ચાઇનીજ વાનગી કે વસ્તુઓની પણ કોઈ વાત નથી. તેનું મૂળ નામ તો ચીનુભાઈ છે પણ ગામમાં તેને લાડથી અને મજાકથી અને અપમાનથી  ચિનો કહીને સંબોધિત કરે છે. ઘરડો હોય કે નાનું છોકરું બધા જ તેને ચિનો કહે. જોકે મને ગઈ દિવાળીએ તેની સાચી ઉંમરની જાણ થઇ ત્યારથી માનથી બોલાવવાનો પ્રયાસ કરું પણ આદતવસ  ચિનો એવું મોઢે આવી જ જાય. આ નામ કોણે અને ક્યારે પાડ્યું એ તો એને પણ યાદ નથી પણ બરાબરનું કોઠે પડી ગયું છે ૬૩ વર્ષ થઇ ગયા. ચિનુભાઈ કહીને બુમ પાડો તો ન સાંભળે પણ 'ચિનો' કહો એટલે તરત ડોક ઉંચી થાય. હું તો છેલ્લા પાંચેક વર્ષથી જ અહીં રહું છું પણ અહીં આવ્યાને પાંચ મહિના પણ થયા ન હતા અને ચિનાના દર્શન થઇ ગયા હતા. ઘરની બહાર પગ મુકો એટલે તેના દર્શન અચૂક થાય. ખભા પર ગેસનો બાટલો ઉપાડ્યો હોય કે પછી બીજી કોઈ વજનદાર વસ્તુ. વજન ઉપાડવામાં તેની માસ્ટરી સાફ સફાઈનું કે બીજું કોઈ આડું અવળું કામ તેને ન ફાવે. કોઈ નાની વસ્તુ મંગાવી હોય તો ચાર કલાકે પાછો આવે.  આખા ગામનું કામ કરે પણ રાતે મંદિર કે કોઈ વાડી. બધાયના દૂધ લાવી આપી અને ચા કીટલીની. અત્યાર સુધી કેટલાય બાટલાઓ ઉપડ્યા હશે પણ પોતાનું કનેક્શન નથી. ઘણાના મકાન દુકાન સાફ કાર્ય પણ તેની પાસે કોઈ મકાન દુકાન નથી. મારા ઘરે કંઈક નવું હોય તો અચૂક જમવાનું નિમંત્રણ મળે અને ક્યારેક અમસ્તું જ જમવાનું કહેવામાં આવે અને ઘણીવાર તે ન પણ આવે. હમણા એક દિવસ તેને જમવા બેસાડ્યો અને થાળીમાં ભજીયા અને લાડુ જોયા એટલે પાછા મૂકી દીધા કારણકે તેના કોઈ દૂરના સંબંધીનું અવસાન થયું હતું. ખરેખર તો તેના કોઈ સંબંધીએ ક્યારેય તેની કોઈ દરકાર રાખી નથી પણ ચિનો એનું નામ.

ઘણીવાર તે અદ્રશ્ય પણ થઇ જાય. દિવસો સુધી જોવા ન મળે. પાછો આવે ત્યારે મલકાતો મલકાતો ઘરમાં આવી જાય જાણે મોટું પરાક્રમ કરીને આવ્યો હોય. ખરેખર તો એ કોઈના સંઘમાં કે જાતરામાં સમાન ઉપાડવા ગયો હોય. હમણા વચ્ચે વડોદરા જઈ આવ્યો. ગયો ત્યારે લાગ્યું કે કડી પાછો નહિ આવે પણ તેને વજન ઉપડ્યા વગર જપ નથી વળતી. જોકે હમણાથી એ થાક્યો છે અને પરને વજન ઉપાડતો હોય એવું લાગે.  ગામમાં કોઈના ત્યાં પ્રસંગ હોય કે કથા બેઠી હોય ચીનાને અચૂક યાદ કરવામાં આવે. એ સમયે તેની પાસે બિલકુલ સમય ન હોય. શોષક અને શોષિત બંને ગુલતાન. ઘણીવાર ઘરે દૂરના સગાને ત્યાં ફોન કરાવવા આવે, આમ નજીકના પણ ખરેખર દૂરના. ચિનો મોબાઇલ રાખતો નથી. ખરેખર તો જરૂર જ નથી પણ તેના ખીસામાં કેટલાય વર્ષ જૂની ડાયરી પડી છે જેમાં કૈક નંબરો છે. 

હમણા ચિનાના થોડાક ફોટા પડી મારા પીસીમાં ડાઉન લોડ કરીને બતાવ્યા તો ચીનાભાઇ રાજી થઇ ગયા. ચિનાને ખબર પણ નથી કે મેં તેને દુનિયા સમક્ષ મૂકી દીધો છે. તમારા ગામમાં છે કોઈ 'ચિનો'?

2 ટિપ્પણીઓ:

અજ્ઞાત કહ્યું...

અમારા અમદાવાદ નામના ગામમાં આવા ઘણા ચિનાઓ હશે પણ અમારું નિરીક્ષણ તમારા જેટલું જોરદાર નથી :)

Viral કહ્યું...

:(