સોમવાર, 12 માર્ચ, 2012

'સમુડી' એટલે મારા ભૂલાયેલા દિવસોની ઝબકતી યાદો

શ્રી યોગેશ જોષી, 


હું આપને માત્ર એકજ વખત મળ્યો છું, 'સાધના' સાપ્તાહિક માટે તમારો ઇન્ટરવ્યુ  કર્યો ત્યારે. એ સમયે સમય અને સંજોગોના આભાવે હું તમને જે કહી ન શક્યો એ અહી લખ્યા વગર રહી શકતો નથી. વાત છે ૧૯૯૮/૯૯  ની. હું પાટણની પી કે કોટાવાલા આર્ટસ કોલેજમાં અભ્યાસ કરતો હતો. બી એ માં ગુજરાતી મારો પ્રથમ ગૌણ વિષય હતો અને તમારી લઘુનવલ 'સમુડી' અભ્યાસક્રમમાં હતી. અમારા પ્રેફેસર ભરતભાઈની શૈલી એટલી અદભુત હતી કે એના કારણે સર્જાયેલી ઘટનાઓ મારા દિલ દિમાગમાં હજુ પણ અકબંધ છે. તમરી ૧૧૧ પાનાની લઘુનવલ આખું વર્ષ ચાલી હતી. અહી મારે પુસ્તકની સમીક્ષા નથી કરવી કે નથી કોઈ અન્ય હેતુ સિદ્ધ કરવાનો, માત્ર એટલું જ જણાવવું છે કે કૃતિની સફળતા કેવી હોય? તેમના સર્જન સાથે કેવા લોકો અને કૈક કેટલાય પ્રસંગો જોડાયેલા હોઈ  શકે છે. આ સર્જન પછીનું નવસર્જન છે. ક્યારેક તેના રચયિતા બિલકુલ અજાણ પણ હોય કે તેમના સર્જને કેવી ભાત ઉપસાવી છે?


આમતો લેક્ચરમાં કાયમ વિદ્યાર્થીઓની પાખી હાજરી રહેતી પણ ભરતભાઈના લેક્ચરમાં આખો ક્લાસ વિદ્યાર્થીઓથી ભરાઈ જતો. 'સમુડી' ની કથા આગળ   વધતી ગઈ તેમ વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધવા લાગી હતી. વિદ્યાર્થીઓ કથા પ્રવાહ અને વર્ણનમાં એવા તરબોળ થઇ જતા કે ક્યારે નવા તાસ નો ઘંટ વાગતો તેની ખબર પણ ન પડતી. ભરતભાઈ ગુજરાતી  સાહિત્યના ખરા અભ્યાસુ એટલે અન્ય કૃતિયો અને  સર્જકોનો પરિચય પણ કરાવતા. અને કેલેજાના પુસ્તકાલયની સભ્ય સંખ્યા વધી જતી. જેનો મુખ્ય વિષય ગુજરાતી ન હતો તેવા વિદ્યાર્થીઓ પણ ગુજરાતી સાહિત્યમાં રસ લેતા થઇ ગયા હતા. પણ 'સમુડી'નું પુસ્તક અપ્રાપ્ય હતું. કોલેજના પુસ્તકાલયમાં તેની માત્ર બે નકલો હતી અને બીજે ક્યાય એ સમયે મળતું ન હતું. ગાઈડ ખરી પણ ઓરીજનલ પુસ્તક નહિ. અને મેં તો આ લઘુનવલ સ્નાતક થયા પછી વાચી.


ધીરે ધીરે 'સમુડી' આખી કોલેજમાં ચર્ચાનો વિષય બનતી ગઈ. એક વખત તો ક્લાસમાં વધારે પડતા વિદ્યાર્થીઓ જોઇને અમારા સાહેબ ચોંકી ગયા હતા. ખબર પડી કે આ તો અન્ય ક્લાસના વિદ્યાર્થીઓ છે ત્યારે વિચારમાં પડી ગયા હતા. યુક્તિપૂર્વક તેમણે વિદ્યાર્થીઓને ખોટું ન લાગે અને જીજ્ઞાસા પર ચોકડી ન મુકાય તે રીતે તેમના પ્રોફેસરની અને પ્રિન્સીપાલની સંમતિ લેવાનું કહ્યું હતું. ફ્રી લેકચરના સમયમાં તેમણે ક્યારેક લેકચર  અટેન્ડ કરવાની છૂટ આપી હતી. અમારા પ્રોફેસર સાહેબે વગર કડકાઈએ  વિદ્યાર્થીઓને તેમના તાસમાંતો  શિસ્તબદ્ધ કર્યાં જ હતા. સંજોગો વસાત એક બે વિદ્યાર્થીઓ ગેર હાજર હોય તો 'સમુડી' નું પ્રકરણ આગળ વધતું નહિ. જોકે આવું જવલ્લેજ બનતું. ક્યારેક વિદ્યાર્થીઓની હાજરીને માન આપી પ્રકરણ આગળ ચાલતું અને બીજા દિવસે તેનું પુનરાવર્તન થતું! સમુડીના ઉત્તર ગુજરાતની બોલીના સંવાદો સાહેબના મુખેથી નીકળતા ત્યારે હાસ્યની છોળો ઉડતી. શૃંગાર રસનું વર્ણન અને તેના દ્વારા વ્યક્ત થતા મુગ્ધ ભાવોની ફળશ્રુતિ જેટલી સહજ અને કુદરતી રીતે નિરુપિત થઇ છે એટલીજ નિર્દોષતા તે ભણાવવામાં પણ હતી.  


દાયકા ઉપર સમય વીતી ગયો. એ વિદ્યાર્થી મિત્રો કે પ્રોફેસર કોઈ જ અત્યારે સંપર્કમાં નથી પણ જ્યારે જ્યારે પુસ્તકાલયમાં આ પુસ્તક પર મારી નજર પડે છે ત્યારે ત્યારે કોલેજ જીવનના એ દિવસો ઝબકવા લાગે છે. સ્નાતક થયા પછી જે જગ્યા એ ક્યારેય પગ મુક્યો નથી ત્યાં મન પહોચી જાય છે. આ દસ બાર વર્ષના ગાળા દરમિયાન ઘણું વાંચ્યું, મનન - ચિંતન કર્યું, જીવનમાં અને કેરિયરમાં મીઠા અને કડવા ઝેર જેવા અનુભવો પણ થયા. સફળતા - નિષ્ફળતા વચ્ચે અને કૈક લોકોના સંબંધમાં બંધાયા તૂટ્યા પછી પણ 'સમુડી' પ્રત્યેનો અહોભાવ અકબંધ છે. 'સમુડી'માં શું છે? એ મારે નથી કહેવું, સાહિત્યના અભ્યાસુઓએ બખૂબી કહ્યું જ છે. 


'સમુડી' જીવંત છે. 'સમુડી' એટલે મારા ભૂલાયેલા કોલેજ જીવનની ઝબકતી યાદો...