રવિવાર, 3 માર્ચ, 2013

મનુષ્ય જીવિત હોય ત્યાં સુધી જ તેની સાથે સંબંધ જાળવી રાખવો તે બરાબર નથી, મૃત્યુ બાદ પણ તે સંબંધ જળવાઈ રહેવો જોઈએ : સ્વામી સચ્ચિદાનંદ

તારીખ ૧૦-૪-૨૦૦૫, રવિવારના દિવસે ભારતીય સંસ્કૃતિ-પાટણ દ્વારા આયોજિત હિંદુ સ્મશાન ભૂમિના ઉદ્ઘાટન પ્રસંગે વ્યાસ સભાગૃહમાં આપેલા પ્રવચનનો સાર. 'વિચારધારા' સાપ્તાહિકના પ્રથમ અંક (૨૭ એપ્રિલ ૨૦૦૫)માં પ્રકાશિત. શબ્દાંકન - વિરલ ત્રિવેદી 


જીવનની સાથે મૃત્યુની વ્યવસ્થા પણ એટલી જ જરૂરી છે. પ્રત્યેક ધર્મમાં ઓછામાં ઓછી બે વ્યવસ્થાઓ તો જરૂરી છે જ, એક વ્યવસ્થા લગ્નની અને બીજી મૃત્યુની વ્યવસ્થા. ધર્મના શાસ્ત્રોમાં જે લખ્યું છે તે એક અલગ વાત છે. મહત્વની વાત એ છે કે ધર્મ દ્વારા વ્યવસ્થા સારી થવી જોઈએ. લગ્ન પ્રસંગમાં બધી જ તૈયારીઓ થઇ હોય, બત્રીસ પકવાનો બનાવ્યા હોય પણ પીરસનાર જ ન હોય તો? તેની કોઈ વ્યવસ્થા જ ન હોય તો શું થાય? એમ મૃત્યુની એક વ્યવસ્થા પણ જરૂરી છે. જંગલમાં શબ માટેની કોઈ વ્યવસ્થા હોતી નથી છતાં વ્યવસ્થા થઇ જાય છે. તે કુદરતી વ્યવસ્થા છે, પરંતુ મનુષ્યમાં કુદરતી અને મનુષ્યસર્જિત બે વ્યવસ્થાઓ હોય છે, એમ શબની પણ વ્યવસ્થા હોવી જોઈએ. કેટલાક લોકો ભૂમિમાં દાટે છે, કેટલાક જળમાં શબને વહાવે છે, કેટલાક પશુ-પક્ષીઓને ખવડાવે છે. આપણે હિંદુઓ શરીરને અગ્નિ આપીને તેનો નાશ કરીએ છીએ, જે શ્રેષ્ઠ વ્યવસ્થા છે.

ઓસ્ટ્રિયાના પ્રવાસ દરમિયાન એક ગાઈડ મારી સાથે હતો. તેને ચહેરો ઉતારેલો જાણતો હતો. (ચહેરો વાંચતા આવડે તો શાસ્ત્રો વાંચવાની જરૂર નથી. ઘણાને શાસ્ત્રો વાંચતા આવડે છે પણ ચહેરો વાંચતા આવડતો નથી. ચહેરો વાંચે તે સંત અને હૃદય વાંચે તે ઋષિ.) તે યુવકને પુછતા જણાવ્યું કે પંદર દિવસથી મારી માતા ગુજરી ગયા છે. તેમનું શબ ફ્રાન્સમાં છે. કબ્રસ્તાનમાં જગ્યા જ નથી. આ બાબતથી તો આપણે સાવ અજાણ છીએ. અમેરિકામાં બહુમાળી કબ્રસ્તાન બનાવાય છે. ચાર બાય આઠના ખાનામાં મડદા મુકવામાં આવે છે. ૪૦-૫૦ હાજર મડદા એક ભવનમાં હોય છે. પેરુ (દક્ષિણ અમેરિકા)માં મેં ત્યાના કબ્રસ્તાનમાં ત્યાના રાષ્ટ્રપતિની કબર જોઈ હતી, જે આઠ માલની હતી. તેમના પત્નીની કબર બીજા માળે હતી. આમ તે આઠ માલ સુધી પહોચી હતી. પુછાતા જાણવા મળ્યું કે જગ્યા જ નથી. હું ઝીમ્બાવે ગયો હતો ત્યારે ત્યાના પત્રકારોએ મને કહ્યું કે તમે હિંદુઓ મડદાઓને બાળો છો. કેવો તિરસ્કૃત વ્યવહાર કરો છો તમે મૃતકના શરીર સાથે. અમે તો મડદાની કેવી સાર સંભાળ રાખીએ છીએ. તેને નવરાવીએ, નવા વસ્ત્રો પહેરાવી તૈયાર કરીએ જયારે તમે તો બાળી મૂકો છો. મારો જવાબ સંભાળીને તેઓ ઠરી ગયા હતા. મેં કહ્યું 'તમારી વિધિ માટે જમીનની જરૂર રહે છે. આટલી બધી જગ્યા લાવશો ક્યાંથી? બીજું એ કે તમારી પદ્ધતિથી મૃત શરીરમાં જે બેક્ટેરિયા હોય છે, તે રોગ ફેલાવે છે. અમે હિંદુઓ તેને બાળીએ છીએ. આથી આવો કોઈ ભય રહેતો નથી. અમારી વિધિમાં તર્ક અને વિજ્ઞાન છે.'

ભગવાન શિવ શરીર પર ભસ્મ લગાવે છે અને તે પણ સ્મશાનની ભસ્મ. હિંદુઇઝમમાં એક જ બ્રહ્મ છે, એક જ પરમાત્મા છે અને તેની જ ઉપાસના થાય છે અન્ય દેવદેવીઓ પ્રતિક લઈને આવે છે. દાનના દેવ, લક્ષ્મીના દેવ, વિદ્યાના દેવ, શક્તિના દેવ - એ જ રીતે શિવને વૈરાગ્યના દેવ માનવામાં આવે છે. આપના હિંદુ ધર્મમાં ઘણું સમજવા જેવું છે, દુનિયાના અન્ય લોકો પણ હવે તે સમજી રહ્યા છે. ભગવાન શિવના પાર્વતી સાથે લગ્ન થયા ત્યારે પાર્વતીજીએ પૂછ્યું કે આપણું ઘર ક્યાં છે? આપણે ક્યાં રહેવાનું છે? ત્યારે ભગવાન શિવે કહ્યું હતું કે સ્મશાન અને વૈરાગ્ય કોને કહેવાય તે સમજાવ્યું હતું. સ્મશાનમાં  ચિતાઓ ભડભડ બળતી હતી અને એક વ્યક્તિ ચિતા આગળ સ્મશાનમાં મૂકેલા પીંડ શેકી રહ્યો હતો. ભગવાન શિવે પાર્વતીજીને કહ્યું કે આ રાજા ભર્તુહરિ છે. રાજ્ય અને સત્તા છોડીને તે વૈરાગી થયો છે. હવે જો તે શું કરી રહ્યો છે? ભર્તુહરિ તે પીંડ શેકી રહ્યો છે અને તે પાંચ પીંડ એ તેનો ખોરાક છે. ભગવાન શિવે કહ્યું કે હવે તેનું ભોજન શરુ થશે. જો તે કેવો વૈરાગી છે? હું તને બતાવું - અને ભગવાન શિવ ભિક્ષુકનો વેશ ધારણ કરીને ભર્તુહરિ પાસે ભીસ્ખ્સા માંગે છે. ભર્તુહરિ બે પીંડ આપી દે છે. ભગવાન શિવ પાર્વતીને પણ ભિક્ષા માંગવાનું કહે છે અને ભર્તુહરિ વધેલા ત્રણ પીંડ પણ આપી દે છે. આ છે વૈરાગ્ય. વૈરાગ્યની સાથે જ્ઞાન હોવું જરૂરી છે. જ્ઞાન વિના વૈરાગ્ય ન ટકી શકે. ભર્તુહરિ આવા જ્ઞાની વૈરાગી હતા.

શબને જળમાં વહેતું કરવાની પ્રથા મને પસ્નંદ નથી. જયારે હું કાશીમાં હતો ત્યારે મેં આ નજીકથી જોયું છે. સાધુમહાત્માની સ્મશાનયાત્રાઓમાં હું જતો. તેમના દેહને ગંગાજીમાં પધરાવવામાં આવતા, આથી ગંદકી અને પ્રદુષણ ફેલાતાં. પહેલા તો મગર અને માછલાં જેવાં જળચર પ્રાણીઓ હતા તેથી મડદાનો નાશ થઇ જતો પણ હવે તેવા જળચરો રહ્યાં નથી અને અવ્યવસ્થા ફેલાય છે. માણસને મોટી ચિંતા પોતાના મડદાની હોય છે. ઈશ્વરની કૃપા હોય તો લક્ષ્મી મળે અને વધારે કૃપા હોય તો વૈરાગ્ય મળે પણ દરેકના જીવનમાં તેવું હોતું નથી. મૃત્યુ પછી પણ શરીરનો મોહ છૂટતો નથી. અમારા આશ્રમમાં એક બાઈ હતા. વૃદ્ધ હતા. તેમના દીકરાની પત્ની સાથે વારંવાર ઝઘડો થતો ત્યારે તેમની પુત્રવધુ બાઈને સતાવતા કહેતી કે તમારા માર્યા પછી તમારું મડદું રાખડી પડશે. ત્યારે સાસુ ચિંતિત થઇ જતા. મેં તેમને એક ઉપાય બતાવતા જણાવ્યું કે તમે મૃત્યુ બાદ શરીરનું દાન કરી દો, આ સેવાનું, પુણ્યનું કામ છે પણ તે વૃદ્ધાએ એમ કરવાની નાં પડી દીધી હતી. આ પ્રસંગથી સમજી શકાય છે કે મૃત્યુપર્યંત શરીરની માયા છૂટતી નથી.

હું જ્યારે નવો નવો પેટલાદ ગયો હતો ત્યારે ત્યાં નાત જાતના ઘણા ભેદભાવ હતા. બ્રાહ્મણો-બ્રાહ્મણોમાં પણ અલગ સ્મશાન. દરેક જ્ઞાતિનાં જુદાં જુદાં સ્મશાનો. કુલ ૧૫ સ્મશાનો હતા. ઘણી જહેમત બાદ આ ભેદભાવ દૂર થયો. અત્યારે ત્યાં માત્ર એક જ સ્મશાન છે અને દરેક હિંદુ મૃતકનો ત્યાં અગ્નિસંસ્કાર થાય છે. આ સમાજની જાગૃતિ છે.

મનુષ્ય જીવિત હોય ત્યાં સુધી જ તેની સાથે સંબંધ જાળવી રાખવો તે બરાબર નથી. મૃત્યુ બાદ પણ તે સંબંધ જળવાઈ રહેવો જોઈએ. અસ્થિવિસર્જન માટે આપણે નદીઓ આગળ જઈએ છીએ અને પરિણામે પ્રદુષણ થાય છે. એક સુંદર ઉપાય એ છે કે નદીની આસપાસ ખાડો ખોદીને તે અસ્થિને ત્યાં દાટવા જોઈએ અને ત્યાં એક વૃક્ષ રોપવું જોઈએ. વૃક્ષ મોટું થતા ત્યાં મૃતકના નામની પટ્ટી લગાવવી જોઈએ અને આ રીતે સમય જતાં એક સુંદર સ્મશાન વન ઉભું થઇ શકે છે. મૃતકના પરિવારજનો ત્યાં તિથિ ઉજવી શકે છે. આ એક વ્યવસ્થા છે.

મૃત્યુ પણ એક વ્યવસ્થા જ છે. ભગવાને મૃત્યુ બનાવીને કૃપા કરી છે. દુનિયામાં કોઈનું મૃત્યુ જ ન થાય તો શું થાય? મૃત્યુ એ મંગલ ઘટના છે. મુંબઈમાં ધારાવીની ઝુંપડપટ્ટીમાં ઘણી વસતિ વધી રહી છે. એશિયાની મોટામાં મોટી ઝુંપડપટ્ટી છે, ત્યાં ૮૦ ટકા મુસ્લિમો છે. દરેક કુટુંબમાં એક ક્રિકેટ ટીમ તૈયાર થઇ રહી છે. હિંદુ ધર્મની ખાસિયત એ છે કે સુધારાવાદી છે. કોઈ જ ધર્મ એક તસુભાર પણ ફેરફાર કરવા તૈયાર નથી જ્યારે હિંદુ ધર્મમાં ઘણા સુધારા થયા છે. આ હિંદુઇઝમ છે.