મંગળવાર, 8 જાન્યુઆરી, 2013

કચરો - અપ્રકાશિત વાર્તા

         
             તેણે બસ સ્ટેન્ડ પરના પાનના ગલ્લા પર થી ગુટકાની પડીકી લીધી અને તોડીને મોઢામાં મૂકી. ચાવતો ચાવતો તે ૫ નં ના પ્લેટફોમ પર આવ્યો. તેણે પોતાના લાંબા વાળની લટો સરખી કરી. બસ સ્ટેન્ડ પર મુકેલી કચરા પેટી પર તેનું ધ્યાન ગયું. તે જોઈ રહ્યો એક પલક. એવામાં જ તેની બસ આવી ગઈ. બસે ઉડાડેલી ધૂળ તેણે પોતાના શરીર પર જીલી લીધી અને ફરી પોતાના વાળની લટો સરખી કરી. બસ ચિક્કાર હતી તેમ છતાં તે ચડી ગયો. આમ તો તેને જ્યાં જવાનું હતું ત્યાં જવા માટે ઘણી બસો હતી પણ તે પ્રથમ દિવસે જ મોડો પાડવા માંગતો ન હતો. તેની પાસે ખાસ કંઈ સામાન હતો નહિ, બે જોડી કપડા અને એક થાળી અને એક વાટકો હતા. તેણે આગળ પાછળ નજર કરી પણ જગ્યા હતી નહિ. જોકે તેની મુસાફરી સાત જ કિલોમીટરની હતી, લાંબી મુસાફરી તો પૂરી થઇ હતી. હવે તો બસ નજીક જ હતું એમ વિચારીને તે કોઈને નડે નહિ એ રીતે ઉભો રહ્યો. એક આધેડ વયનો માણસ બેઠો બેઠો ખારી સિંગ ખાઈ રહ્યો હતો. એક સ્ત્રી તેના બાળક ને સ્તનપાન કરાવી રહી હતી. ધીરે ધીરે બસમાં ભીડ વધવા લાગી એટલે તે આગળ સરક્યો. એવામાંજ ટીકીટ કાપનારો તેની નજીક આવ્યો. તેણે ટીકીટ પુરતા છુટ્ટા પૈસા આપ્યા અને ટીકીટ પેન્ટના ઉપરના ખીસામાં મૂકી. ટીકીટ આપનારો પંચ ખખડાવતો આગળ વધ્યો. તે નવા ચડેલા મુસાફરોને આઘા પાછા થવાનું કહી રહ્યો હતો. અને એક આંચકા સાથે બસ ચાલુ થતાજ ઉભા રહેલા મુસાફરો આપ મેળે જ સરખા થઇ ગયા. બસ આગળ વધી. નાળા પાસેના થીયેટર પર લાગેલા ફિલ્મના પોસ્ટર જોઇને તેણે પોતાના કપાળ પરનો પરસેવો લૂછ્યો. બસ ધીરે ધીરે આગળ વધી રહી હતી. 
       
           બસ શહેરનો  મોટો  રસ્તો ઓળંગી  નાની સડક પર આવી ગઈ હતી  તેને બેસવાની જગ્યા મળી ન હતી છતાં તે પોતાની મસ્તીમાં મસ્ત હતો તેને  જરાક ભય અને ખચકાટ  થતો હતો, જેનું કારણ હતું- ચોખ્ખાઈ! કંડક્ટરે  ઘંટડી વગાડી એટલે તે બસમાંથી ઉતરી ગયો. એ જ જગ્યા હતી  જ્યાં તે એક મહિના પહેલા એડ્મીસન માટે પ્રથમ વખત તેના દૂરના સંબંધી સાથે આવ્યો હતો, અને પોતાના ભવિષ્યને  સુધારવા મક્કમ થયો હતો, ઘરની જવાબદારી તેના ઉપર હતી. આથી તો તે અનિચ્છાએ પણ અધૂરું મુકેલું ભણવાનું ફરી શરુ કરવા તૈયાર થયો હતો. વિચારો ખંખેરી તે આગળ વધ્યો, પોતાના જેવા છોકરાઓ જોઈ તેને થોડો આનંદ થયો તે મેદાન ઓળંગી વિદ્યાલયના મકાન નજીક પહોચ્યો અને તેની નજર ઉપરના લખાણ પર સ્થિર થઇ -  'અપંગ વિદ્યાલય' ઓફિસમાં જઈ તેણે પોતાનું નામ અને અન્ય  કહી તે તેના થોડાક સમાન સાથે બહાર નીકળ્યો અને ત્યાની સાફ સફાઈ થી વિચલિત થઇ ગયો.
       
         ત્રણ રૂમ ઓળંગી તે એક હોલમાં આવ્યો અને તે ચારે તરફ જોઈ રહ્યો. દીવાલને અડીને ત્રીસ જેટલા છોકરાઓના બિસ્તરા  હતા।  જેમાંથી ચાર  પાંચ છોકરાઓ એકની પથારી પર બેઠા હતા તેને અંદર આવતો જોઈ હાથ  ઉચો કરી  સ્વાગત  કર્યું.   તેણે જ્યાં સૌથી વધારે કચરો પડ્યો હતો ત્યાં જમાવી દીધું આ સાથેજ પેલા પાંચેય ની ડોકો એક સાથે ઉંચી થઇ. ત્યાં સુધી બીજા છોકરાઓ પણ આવી ગયા હતા જમવાનો સમય હતો એટલે  પોત પોતાની થાળીઓ લેવાવા માટે. થોડીક જ વાર માં બધા છોકરાઓ થાળીઓ ખખડાવતા હોલની બહાર ચોગાનમાં જમવા બેસી ગયા.તેણે પણ પોતાની સાફ કાર્ય વગરની થાળીમાં જમવાનું લીધું. બીજા દિવસે પોતાની દિનચર્યા પતાવીને હોલમાં આવ્યો ત્યારે કેટલાક છોકરાઓ પોત પોતાની જગ્યા સાફ કરતા હતા. એક છોકરો તમાકુ ચાવી પડીકી સંતાડતો હતો. એક વળી રાતની રાખી મુકેલી રોટલીની મજા લઇ રહ્યો હતો. તે પોતાની જગ્યાએ ગયો અગરબત્તી સળગાવી અને કચરા પર ફેરવી, ધુમાડો કચરા પર ફેલાય એ રીતે લગાવી દીધી અને પ્રણામ કાર્ય.  આ જોઈ રોટલી ચાવાનારનું ચાવવાનું અટકી ગયું. તમાકુ ચાવાનારે અંતરસ આવી ગઈ. હોલમાં બધાની ગતિવિધિ અટકી ગઈ, એજ સમયે ત્યાંથી રેક્ટર પસાર થતા બધા સૌના કામે લાગી ગયા. 
      
         નિશાળનો પ્રથમ દિવસ એકંદરે સારો ગયો. કેટલાક તેની વિચિત્ર વર્તણુકના કારણે તેની સામે આશ્ચર્યથી જોઈ રહ્યા હતા, એ તેને  ગમ્યું ન હતું. તે હોલ પર તેની જગા પર આવ્યો. કોઈએ તેની જગ્યા સાફ કરી હતી. તેને  તે ન ગમ્યું. તેણે પોતાના ધૂળથી ખરડાયેલા પગ ત્યાં ઘસી નાખ્યા. તે ખુસ થયો. તેણે પોતાના ખીસામાંથી બસની ટીકીટ, પેન્સિલના છોતરા અને તમાકુ પોતાની જગ્યા પર વેર્યા. તે અસ્વચ્છ જગ્યાને ધ્યાનથી નીરખી રહ્યો. જાણે  કોઈ ભક્ત ભગવાનની મૂરતને જોઈ રહ્યો હોય તેમ જાણે સમાધિમાં લીન થઇ ગયો. તે પહોચી ગયો પોતાની દુનિયામાં જ્યાં તેણે કાળી મજુરી કરી હતી... લોકોની ગાળો ખાધી હતી.... કુડા-કચરાના ઉકરડા પર તે કલાકો સુધી પ્લાસ્ટીકની બોટલો અને કાગળના ડૂચા શોધતો હતો... ખોડંગાતા પગે પોટકું ઉપાડી તે માઈલો સુધી પગપાળા ચાલતો હતો... હા કચરો જે તેની રોજી રોટી હતો... કચરો જેણે તેને આશરો આપ્યો હતો... એ કચરાને ચાહવામાં તેને કોઈ નાનમ ન હતી....

    
     
     

5 ટિપ્પણીઓ:

महेश કહ્યું...

સરસ વાર્તા

Chirag Thakkar કહ્યું...

સારી લાગી વાર્તા. હજું વધારે લખો. અને ફોન ક્યારે કરો છો?

Chirag Thakkar કહ્યું...
આ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.
Hardik Vyas કહ્યું...

સારી વાર્તા

Viral Trivedi કહ્યું...

આભાર.