શુક્રવાર, 15 માર્ચ, 2013

સ્વામી વિવેકાનંદ વચનામૃત

જો તમારે ભારતવર્ષને પીછાનવું હોય તો વિવેકાનંદના વચનામૃતોનું અધ્યયન કરો. એમના ગ્રંથોમાં સઘળું ભાવાત્મક છે, અભાવાત્મક કશું નથી. - રવીન્દ્રનાથ ટાગોર

સ્વામીજીના વિચારો વર્તમાનમાં કેવાં પ્રસ્તુત છે એ વાંચ્યા પછી ખ્યાલ આવશે.

* ધર્મ પ્રેમમાં રહ્યો છે, અનુષ્ઠાનોમાં નહિ. હૃદયના વિશુદ્ધ અને નિખાલસ પ્રેમમાં ધર્મ રહ્યો છે. જ્યાં સુધી માણસ શરીર અને મનથી પવિત્ર ન હોય ત્યાં સુધી તેનું મંદિરમાં જવું અને શિવાની ઉપાસના કરવી નકામી છે. જેઓ શરીર અને મનથી પવિત્ર છે તેમની પ્રાર્થના ભગવાન શિવ સાંભળે છે પણ જેઓ પોતે અપવિત્ર હોવા છતાં બીજાને ધર્મ ઉપદેશાવા જાય છે તેઓ આખરે નિષ્ફળ નીવડે છે. બાહ્ય ઉપાસના એ આંતર ઉપાસનાનું પ્રતિક માત્ર છે. આંતર ઉપાસના અને પવિત્રતા એ જ સાચી વસ્તુ છે. એ વિના બાહ્ય ઉપાસનાનો કશો જ ઉપયોગ નથી.

 * મૂર્તિપૂજા ખોટી છે એમ કહેવાની જાણે કે એક ફેશન થઇ ગઈ છે. આજ કાલના સૌ કોઈ એ વિષે એક પણ પ્રશ્ન કાર્ય વિના એ ગળે ઉતારી લે છે. એક વખત હું પણ એમ ધારતો હતો. અને એના દંડ તરીકે મારે એક એવા માણસને ચરણે બેસવું પડ્યું હતું કે જેણે બધુંય મૂર્તિઓની મારફત મેળવ્યું હતું. જેનો હું ઉલ્લેખ કરું છું તે છે શ્રી રામકૃષ્ણ પરમહંસ. જો મુર્તીપુજથી આવા રામકૃષ્ણ પાકતા હોય તો તમારે બીજું શું જોઈએ? સુધારાકોનો સંપ્રદાય કે પુષ્કળ મૂર્તિઓ? મૂર્તિપૂજા દ્વારા જો તમે રામકૃષ્ણ પરમહંસો પૈદા કરી શકતા હોવ તો હજારો વધુ મૂર્તિઓ રાખો અને ફતેહ કરો! આવી ઉચ્ચ પ્રકૃતિના પુરુષો ગમે તે ઉપાયોથી પૈદા કરો એટલે બસ. અને છતાં મુત્રીપુજાને તિરસ્કારવામાં આવે છે! શા માટે? એ કોઈને ખબર નથી. શું સૈકાઓ પૂર્વે કોઈ એક યહૂદી માણસે તેનો તિરસ્કાર કર્યો હતો માટે? પણ એ આદમીએ બીજા બધાંની મૂર્તિઓને ધિક્કારી, માત્ર પોતાની નહિ! એ યહૂદીએ કહ્યું કે જો ઈશ્વરની કોઈ સુંદર મૂર્તિ કે કોઈ સાંકેતિક આકાર બનાવવામાં આવે તો એ ઘણું જ ખરાબ કહેવાય, એ પાપ છે. પણ જો ઈશ્વર એક પેટી રૂપે રજુ થઇ જાય, તેની બે બાજુએ બે પરીઓ બિરાજમાન હોય અને માથે મજાનું એક વાદળું લટકતું હોય તો એ પવિત્રમાં પવિત્ર ગણાય! જો ઈશ્વર એક કબુતર થઈને પધારે તો એ પવિત્ર પણ જો એ ગાય સ્વરૂપે આવે તો એ મૂર્તિપૂજાકોનો વહેમ ગણાય એને તુચ્છાકારી કાઢો! દુનિયા એમ જ ચાલે છે. એટલે તો કવિ કહે છે કે વોટ ફૂલ્સ વી મોર્ટલ્સ બી. કેવા મુર્ખ છીએ અમે માનવો? બીજાની દ્રષ્ટીએ જોતા આવડવું એ કેટલું કઠીન છે? અને એ ન આવડવું એ જ માનવજાતના વિનાશનું કારણ છે. ધિક્કાર અને ઈર્ષ્યાનું મૂળ એ જ છે. ઝઘડા અને મારામારીનું મૂળ એ જ છે.

* એકાદ બે વર્ષ પહેલા એક રશિયન ગૃહસ્થે એક પુસ્તક લખેલું તેમાં તેણે એવો દાવો કર્યો છે કે તેણે ઈશુ ખ્રિસ્તનું એક અજબ ચરિત્ર મળી આવ્યું છે. એ પુસ્તકના એક ભાગમાં એ કહે છે કે બ્રાહ્મણો પાસે અભ્યાસ કરવા ઈશુ જગન્નાથ મંદિરે ગયેલા પરંતુ બ્રાહ્મણોના સંકુચિત વ્યવહાર અને મૂર્તિઓથી કંટાળી જઈને એ તિબેટના લામાઓ પાસે ગયા, ત્યાં પૂર્ણત્વ પ્રાપ્ત કર્યું અને ઘરે ગયા. ભારતીય ઈતિહાસ વિષે જે કોઈ થોડું ઘણું પણ જાને છે તે તરત સમજી જાય એવું છે કે એ અભિપ્રાય જ આખી વાત બનાવતી છે એમ સાબિત કરે છે. વાત એમ છે કે જગન્નાથનું મંદિર એ એક પ્રાચીન બૌદ્ધ મંદિર છે. આપણે એ તથા બીજાં બૌદ્ધ મંદિરો અપનાવ્યા અને ફરી તેને હિંદુ બનાવી દીધાં. આવું તો આપણે બીજી ઘણીયે બાબતોમાં કરવાનું છે. એ જગન્નાથમાં એ વખતે એકપણ બ્રાહ્મણ ન હતો અને છતાં આપણને કહેવામાં આવે છે કે ઈશુ ખ્રિસ્ત ત્યાં બ્રાહ્મણો પાસે અભ્યાસ કરવા આવેલા! આપણા મહાન રશિયન પુરાતત્વવિદ આવું કહે છે.

* પશુઓ પ્રત્યે દયાનો પ્રચાર કરવા છતાં, ઉચ્ચ નીતીધર્મ હોવા છતાં, શાશ્વત આત્માના અસ્તિત્વ કે તેના અભાવ વિષે અતિશય ઝીણવટભરી ચર્ચાઓ છતાં બૌદ્ધ ધર્મની આખી ઈમારત તૂટી પડી, તેના ટુકડે ટુકડા થઇ ગયા અને એ ભંગાર પણ ધૃણાજનક થઇ પડ્યો. બૌદ્ધ ધર્મની પાછળ જે અનાચાર વગેરે આવ્યા તેનું વર્ણન કરવાનો મારી પાસે સમય નથી અને ઈચ્છા પણ નથી. વધુમાં વધુ ધૃણાજનક ક્રિયાઓ, માણસના ભેજમાં કલ્પાયેલું અને માણસોના હાથે લખાયેલું ભયાનાકમાં ભયાનક અશ્લીલ સાહિત્ય, ધર્મના ઓઠા તળે ચાલેલાં અતિ પાશવી ક્રિયાકાંડો વગેરે બધા અધઃપતિત બૌદ્ધ ધર્મના સર્જન છે.

* માત્ર ભૂતકાળમાંજ નજર નાખ્યા કરવાથી કશો લાભ થવાને બદલે આપણે દુર્બળ બનીએ છીએ એટલે આપણે ભવિષ્ય તરફ દ્રષ્ટિ દોડાવવી જોઈએ એ વાત સાચી છે પરંતુ ભવિષ્યકાળની રચના ભૂતકાળ પર થાય છે. માટે બને તેટલી પાછળ દ્રષ્ટિ નાખી લો. ભૂતકાળના સનાતન ઝરણાઓમાંથી આકંઠ જળપાન કરી લો. ત્યાર પછી આગળ જુઓ. આગળ વધો અને ભારત પૂર્વે હતું તેના કરતા તેને વધુ ઉજ્જવળ, વધુ મહાન અને વધુ ઉન્નત બનાવો. આપણા પૂર્વજો મહાન હતા. પ્રથમ આપણે એ યાદ કરી લેવું જોઈએ. આપણે આપણા અસ્તિત્વના મૂળભૂત તત્વો વિષે, આપણી નશોમાં કયું લોહી વહે છે એ જાણી લેવું જોઈએ. એ લોહીમાં અને ભૂતકાળમાં એ લોહીએ શું શું કાર્ય કર્યું છે તેમાં આપણને શ્રદ્ધા હોવી જોઈએ. એ ભૂતકાળની મહત્તા વિષેની શ્રદ્ધા તથા ખ્યાલ સાથે અગાઉ કરતા વધુ મહાન એવું ભારતનું ઘડતર આપણે કરવું જોઈએ. સાદો અને અધઃપતનનો કાળ પણ આવી ગયો છે. હું એને ઝાઝું મહત્વ આપતો નથી. આપણે બધા એ જાણીએ છીએ. એવા કાળખંડો જરૂરી હતા. એક વિશાલ વૃક્ષ સુંદર પરિપક્વ ફળ ઉત્પન્ન કરે છે. એ ફળ જમીન પર પડે છે અને ત્યાં તે કોહવાય છે અથવા સડી જાય છે અને સડામાંથી નવું વૃક્ષ નવા મૂળ સાથે જન્મે છે. કદાચ પહેલા વૃક્ષ કરતા એ વધુ મોટું પણ થાય. આ સદાનો કાળ જેમાંથી આપણે પસાર થયા છીએ તે ઉલટો વધુ આવશ્યક હતો. એ સડામાંથી ભાવિ ભારતનો ઉગામ થઇ રહ્યો છે. એનો ફણગો ફૂટ્યો છે. પહેલા કુંપળ નીકળી ચૂક્યા છે અને એક વિશાળ પર્વત્પ્રાય ઊર્ધ્વમૂલ વૃક્ષ દેખાવાની શરૂઆત થઇ ચૂકી છે.

* શિક્ષણ એટલે તમારા મગજમાં ભરવામાં આવેલી, આખી જિંદગી સુધી પચ્યા વિના ત્યાં પડી રહીને તોફાન મચાવનારી માહિતીઓનો ઢગલો નહીં. આપણે તો જીવન ઘડનારા, મનુષ્ય ઘડનારા, ચારિત્ર્ય ઘડનારા વિચારોનું ગ્રહણ-મનન જોઈએ છે. જો તમે પાંચ વિચારોને પચાવ્ય હોય અને તે તમારા જીવન અને ચારિત્ર્યમાં ઉતર્યા હોય તો જે માણસે આખું પુસ્તકાલય ગોખી માર્યું છે તેના કરતા તમે વધુ કેળવાયેલા છો. ચંદનનો બોજો ઉપાડીને ચાલનારો ગધેડો કેવળ ભારને જ ઓળખે છે પણ ચંદનનું મૂલ્ય સમજતો નથી. જો શિક્ષણ અને માહિતી એક જ વસ્તુ હોય તો પુસ્તકાલયો દુનિયામાં મોટામાં મોટા જ્ઞાનીઓ હોત અને વિશ્વકોશો મહાન ઋષીઓ થઇ ગયા હોત. એટલા માટે આદર્શ એ છે કે આપણા દેશનું આધ્યાત્મિક અને વ્યવહારિક બધું શિક્ષણ આપણા પોતાના હાથમાં હોવું જોઈએ તેમજ એ રાષ્ટ્રીય પ્રણાલીવાળું અને બને ત્યાં સુધી રાષ્ટ્રીય પદ્ધતિનું હોવું જોઈએ. અવશ્ય આ એક મોટી યોજના છે. એક ઘણો મોટો આલેખ છે. એનો કડી અમલ થશે કે નહીં તે હું જાણતો નથી. છતાં પણ આપણે કામનો આરંભ તો કરી જ દેવો જોઈએ.

   * આપણે હિંદુઓ છીએ. હું હિંદુ શબ્દ કોઈ પણ પ્રકારના ખરાબ અર્થમાં વપરાતો નથી. તેમજ જે લોકો એમાં કશો ખરાબ અર્થ રહેલો માને છે તેમની સાથે હું સહમત થતો નથી. પ્રાચીન કાળમાં એનો અર્થ ફક્ત સિંધુને પેલે પાર રહેનારા એટલો જ થતો હતો. આજે આપણે દ્વેષ કરનારાઓમાંથી ઘણાએ તેમાં ખરાબ અર્થનું આરોપણ કર્યું હોય પણ કેવળ નામમાં બધું સમાઈ જતું નથી. એટલે હિંદુ શબ્દ જે કઈ મહિમાવંત છેમ જે કઈ અધ્યાત્મિક છે તેના પ્રતિનિધિ તરીકે રહેશે કે ફિટકારના શબ્દ તરીકે એ શબ્દ દલિત અને માલ વિનાના મૂર્તિપૂજકોના સૂચક તરીકે રહેશે તે આપણા પર આધાર રાખે છે. અત્યારે હિંદુ શબ્દનો અર્થ જો કૈક નરસો કરવામાં આવતો હોય તો પણ વાંધો નથી. આપણા કાર્યોથી આપણે બતાવી આપીશું કે કોઈ પણ ભાષાએ શોધી કાઢેલા શબ્દોમાં આ શબ્દ શ્રેષ્ઠ છે. મારા જીવનનો આ એક સિદ્ધાંત છે કે મારે મારા પૂર્વજોથી શરમાવું નહીં. હું એક મગરુરમાં મગરૂર માનસ તરીકે જન્મ્યો છું. પણ હું તમને ખુલ્લા દિલે કહું છું કે એ મગરૂરી મારે પોતાને માટે નથી પણ મારા પૂર્વજો અને મારા ખાનદાનને માટેની છે. જેમ જેમ મેં ભૂતકાળનો વધુ અભ્યાસ કર્યો, જેમ જેમ મેં પાછળ અતીતમાં નજર ફેંકી તેમ તેમ મારું આ અભિમાન વધુને વધુ વધતું ગયું છે. મને એ શબ્દે સામર્થ્ય અને નીશ્ચયાનું બળ આપ્યું છે. પૃથ્વી પરની ધૂળમાંથી ઉભો કર્યો છે અને આપણા એ મહાન પૂર્વજોએ ઘડી રાખેલી વિરાટ યોજનાની પૂર્તિ માટે પ્રવૃત્ત થવાની પ્રેરણા આપી છે. ઓ પ્રાચીન આર્યોના સંતાનો ઈશ્વર કૃપાથી તમારામાં એ અભિમાન ઉતરી આવો. તમારા પૂર્વજો પરની શ્રદ્ધા તમારી રગે રાગમાં પ્રસરી રહો. તમારા જીવનનું એ મુખ્ય અંગ બની રહો અને સમગ્ર વિશ્વનું એ મંગલકારી બનો!

* ભારતીય પ્રજાનો નાશ કરી શકાય એમ નથી. અમર થઈને તે ઉભી છે. જ્યાં સુધી ધર્મભાવના એ પ્રજાના પાયારૂપે રહેશે, જ્યાં સુધી એ રાષ્ટ્રના લોકો પોતાના ધર્મનો ત્યાગ કરશે નહીં ત્યાં સુધી એ ટકી રહેશે. ભલે તેઓ સદાને માટે ભીખારીઓ, ગરીબ અને મેલા રહે. પરંતુ તેમને પોતાના ઈશ્વરનો પરિત્યાગ કદી ન કરવો. તેઓ કદી પોતે ઋષિઓના સંતાન છે તે પણ ન ભૂલે. જે પ્રમાણે પશ્ચિમમાં કોઈ સાધારણ માણસ પણ પોતાને મધ્યયુગના લુટારુઓના સરદાર કોઈક 'બેરન'ના વંશનો હોવાનો સાબિત કરવા પ્રયત્ન કરે છે તે પ્રમાણે ભારતવર્ષમાં સિહાંસનરૂઢ સમ્રાટ પણ પોતાને કોઈ એક અરણ્યવાસી, વલ્કલધારી, જંગલમાં ઉગેલા ફળમૂળ ખાનારા અને બ્રહ્મધ્યાનપરાયણ, ભીક્ષજીવી ઋષિનો વંશજ હોવાનું સિદ્ધ કરવા માથે છે. અમે એવી વ્યક્તિઓના વંશમાં જન્મવાનું ગૌરવ સમજીએ છીએ અને જ્યાં સુધી આ પ્રમાણે પવિત્રતાનું સ્થાન સર્વોચ્ચ રહેશે ત્યાં સુધી ભારતનો વિનાશ થઇ શકે નહીં.

 * તમે ક્ષત્રિયો માંસાહારી છે એમ કહો છો. તેઓ માંસ ખાય કે ના ખાય પરંતુ હિંદુ ધર્મમાં જે કંઈ ભવ્ય અને સુંદર છે તે બધાના સર્જક તેઓ હતા. ઉપનિશદો કોણે લખ્યા? રામ કોણ હતા? કૃષ્ણ કોણ હતા? બુદ્ધ કોણ હતા? જૈનોના તીર્થંકરો કોણ હતા? જયારે જયારે ક્ષત્રીઓએ ધર્મનો ઉપદેશ કર્યો છે ત્યારે ત્યારે તેઓએ સહુ કોઈને કર્યો છે અને જયારે જયારે બ્રાહ્મણોએ કંઈ પણ લખ્યું છે ત્યારે ત્યારે તેઓએ બીજાના કોઈ પણ હક્ક સ્વીકાર્ય નથી. ગીતા કે વ્યાસના સૂત્રો તમે વાંચો. ગીતામાં તમામ સ્ત્રી પુરુષો, બધા વર્ણો અને પ્રજાઓ માટે માર્ગ ખુલ્લો રખાયો છે પણ બિચારા શૂદ્રોને છેતરવા માટે વ્યાસ અને વેદોનો વિકૃત અર્થ કરવાનો પ્રયાસ થયો છે. શું ઈશ્વર તમારા જેવો બીકણ અને મૂર્ખ છે કે તેની દયાની સરિતાનો પ્રવાહ માંસના એક લોચાથી  રોકાઈ જાય? જો ઈશ્વર તેવો હોય તો તેની એક કોડીની પણ કિંમત નથી!

ટિપ્પણીઓ નથી: