મંગળવાર, 5 ફેબ્રુઆરી, 2013

મિત્રો વિષે ઇન્ટરનેટ પહેલા... ઇન્ટરનેટ પછી...


'મિત્ર એવો શોધવો જે ઢાલ જેવો હોય' અને 'સાચા મિત્રની ઓળખ મુશ્કેલીના સમયમાં થાય' એવી મોટી વાતો કરતા મને નથી ફાવતી. ખરેખર તો મિત્રો આયોજન પૂર્વક નથી બનતા પણ બની જતા હોય છે. જોકે મિત્રોની બાબતમાં હું હમેશા અનલકી રહ્યો છું. બાળપણથી યુવાની સુધી મિત્રતા ટકી રહી હોય એવું મારા કિસ્મતમાં નથી. સંપર્ક અને મિત્રતામાં ઘણો તફાવત છે. અત્યારે તો મિત્રતા નહિ પણ સંપર્કોથી કામ ચલાવી લેવું પડે છે. બાળપણના, શાળાના, કોલેજના, સાથે કામ કરતા મિત્રો ક્યાય શોધ્યાય જડતા નથી. ભલે એમ કહેવાતું હોય કે નેટનાં જમાનામાં દુનિયા ઘણી સાંકડી થઇ ગઈ છે. નેટ પર કલાકો સુધી અજાણ્યા મિત્રો સાથે ચેટીંગ થાય અને ફોન પર પણ લાંબી વાતો થાય પણ કોઈ મિત્રના ઘરે જઈ મળવાનો સમય ન હોય તેવું બને. હું તો આ ઝાળ પર માત્ર ૨ વર્ષ થી જ છું. તૂટેલા, કપાયેલા, દૂર થયેલા, ભૂલી ગયેલા મિત્રોને ફરી યાદ કરવા, તાજા કરવા અને જોડવા... એ સાથે નવા મિત્રો પણ બની રહ્યા છે... 

મેં જ્યારથી ઇન્ટરનેટની દુનિયામાં પ્રવેશ કર્યો છે લગભગ ૨ વર્ષથી એક પણ મિત્ર સાથે રૂબરૂ મુલાકાત થઇ નથી. મિત્ર હિંમત કાતારીયાને ઝાલરટાણું તેમના ઘરે મળવા ગયો હતો. એ સમયે નેટનો એટલો પરિચય ન હતો. હિંમતભાઈ સાથે પ્રથમ મુલાકાત ઓફિસમાં થઇ હતી. ચાર જ મહિના સાથે રહ્યા અને છુટા પડી ગયા, તે ઘણા પાછળથી આવ્યા હતા. છુટા પડ્યાને ચાર વર્ષ થઇ ગયા અને આ ચાર વર્ષના ગાળામાં ઘણું ઓછું મળવાનું થયું છે પણ આત્મીયતા અકબંધ  છે. એ ઓછા ગાળાના સમયમાં સાથે લખ્યું, સાથે ખાધું અને સાથે મુસાફરી પણ કરી. તેમની માતાના, પત્નીના અને છેક તેમના વતન ભાદરોડ જઈને તેમની ભાભીના હાથના રોટલા પણ ખાધા. તે પણ મારા ઘરે પાટણ આવી ગયા. 

કેટલાક અહી એવા મિત્રો છે જેનો કદી ચહેરો પણ ન જોયો હોય. છતાં તેની પણ એક મજા છે. કેટલાક જુના મિત્રોને નેટ પર ખોળવાનો પ્રયાસ કરું છું પણ સરનામું જડતું નથી. કેટલાકના પ્રોફાઈલ ફોટો પર લીલું ટપકું લબા લબ થતું જોવા મળે અને એકાએક ઓજલ પણ થઇ જાય. એવા કૈક મિત્રો છે જેઓ ઓનલાઈન નથી. મિત્ર સીતારામ બારોટ જેઓ કદાચ અત્યારે તો પી એચ ડી થઇ ગયા હશે. ઓન લાઈન તો શું ફોન નંબર પણ નથી મળતો. હિન્દી સાહિત્યમાં એમ ફિલ કર્યા પછી ચંદ્રકાંત બક્ષી પર પી એચ ડીની તૈયારી કરતા હતા! સત્યમ'ના ઉપનામે હિન્દીમાં ઘણી કવિતાઓ અને નાટકો પણ લખ્યા છે. એક ગુજરાતી ટૂંકી વાર્તાઓના પુસ્તકનો હિન્દી અનુવાદ પણ કર્યો હતો. એ પછી તો વધારે લખ્યું જ હશે. અમે ગુજરાત વિદ્યાપીઠમાં પત્રકારત્વનો અભ્યાસ સાથે કરતા.પ્રથમ મુલાકાત પણ ત્યાજ થઇ હતી, એક જાણીતા ગુજરાતી દૈનિકમાં અમે સાથે જોડાયા હતા અને પાછળથી કંટાળીને બીએડ કરવા જતા રહ્યા હતા. ગમે તેની જોડી વાત કરે પણ ઉત્તર ગુજરાતની બોલી અને લહેકો ન બદલે.બોલવામાં એકદમ બિન્દાસ. આમ ક્યાય ક્યારેય પૈસા ન કાઢે પણ તેમની ઉદારતાનો સુખદ આંચકો ત્યારે લાગ્યો હતો જ્યારે વિદ્યાપીઠના પુસ્તકાલયમાં તેમણે મને જરૂરિયાતના સમયે તેમના ખીસામાંથી પરચુરણ સમેત બધાજ પૈસા મારા ગજવામાં નાખી દીધા હતા. જોકે ભરત ચૌધરીને તો મેં પૈસા પાછા પણ આપ્યા નથી. ચૌધરી સાથે ઓનલાઈન ક્યારેક મુલાકાત થઇ જાય છે. 

મિત્રોની બાબતમાં મારે સર્કલ જેવું કઈ નથી. મારા ઘણા મિત્રોના એક પણ મિત્રને હું ન પણ ઓળખાતો હોઉં અને મારા મિત્રો મારા બીજા મિત્રોને ન ઓળખે. સોસીયલ નેટવર્ક જેવું જ મારા જીવનમાં છે. મારાથી ઓછી ઉંમરના મિત્રો પાસેથી કંઈક શીખવામાં નાનામ નથી અનુભવતો. અને જેનાથી સંબંધ છૂટી ગયો હોય તેની ગમવા જેવી બાબતોનો આદર સાથે સ્વીકારી રાખું. મિત્રો સાથે સુખમાં ભાગીદાર ન થવાય તો કઈ નહિ પણ દુખના સમયે તેની પડખે રહેવું જ તે હું  સૌરભ શાહ  પાસેથી શીખ્યો. આની સમજ અને સ્વીકાર તો હતો જ પણ મક્કમતા તેમની પ્રત્યક્ષતાથી આવ્યા. ખાસ કરીને કોઈ મિત્ર કે સંબંધીના સ્વજનનું અવસાન થયું હોય ત્યારે બધા જ કામ પડતા મૂકી તેઓ ત્યાં પહોચી જાય. મારા સસરાનું અચાનક જ અવસાન થયું ત્યારે તેમને જાણ થતા તેઓ બધું જ કામ પડતું મૂકી અમદાવાદથી છેક ધાનેરા બેસણામાં આવી ગયા હતા.ચંદ્રકાંત બક્ષીનું અવસાન થયું એવા સમાચાર મળતા જ ગાડી અને ડ્રાઈવર હાજર ન હોવા છતાં ઝડપથી પહોચવા તેઓ મારા બાઈક પર બેસી ગયા હતા. 

સમય અને સંજોગો સાથે સાથે મિત્રો પણ બદલાતા રહે છે. પોતાની હેસિયત અને સ્ટેટસ પ્રમાણે વ્યક્તિ મિત્રો બનાવતો થઇ જાય છે. પોતાના મિત્રની બે વાતો સાંભળવામાં રસ ન લે પણ પોતાની જિંદગી આખીનું સરવૈયું મૂકી દે. એક સાદી સીધી અને સરળ વાત છે કે તમે કોઈનામાં રસ લો તો જ કોઈ તમારામાં રસ લે. અને શરૂઆત આપણે જ કરવી પડે. ચાણક્યએ કહ્યું છે એ પ્રમાણે કેટલાક મિત્રતાનો મુખોટો ઓઢીને શત્રુતા નિભાવવા પણ આવતા હોય છે. મોઢે વખાણ કરે અને પાછળથી વાઢી નાખે. કેટલીક મિત્રતા પાછળ ચોક્ખો સ્વાર્થ હોય અને કેટલાક નિસ્વાર્થપણે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું વહાવતા હોય. ગરજ પડે ત્યારે ગમે તેને બાપ બનાવી લે. ઘણા એવા પણ હોય કે તેમને ખબર પડે કે તમે મુશ્કેલીમાં છો અને મદદ માટે આવશો જ એટલે એવું પહેલેથી ધારી લઈને પલાયન થઇ જાય. તમે કોઈની પણ મદદના મોહતાજ ન હોવ તો પણ. કેટલીક વખત કોઈ ત્રીજી વ્યક્તિ દ્વારા પ્રથમ મિત્રને ખોવાનો અવસર પણ આવે. ત્યારે એમ માનીને મન મનાવવું પડે કે તે આપણી મિત્રતાને લાયક નથી! ફેસ બુકની ભાષામાં વાત કરું તો મને એવી સમજ હોવી જોઈએ કે મારી પોસ્ટને મેં કરેલી ટેગ કયા મિત્રને ગમશે અને કયા મિત્રને નહિ ગમે.કેટલીક મિત્રતા વૈચારિક સમાનતાના કારણે તકતી હોય છે તો કેટલીક એક બીજાને મદદ કરતા રહેવાની ભાવનાને કારણે. બાકી સંપર્કો તો વિખેરાતા રહેવાના. અન ફ્રેન્ડ, ડીલીટ અને બ્લોક જીવનમાં પણ ખરા.તમારી ભલે એવી ભાવના હોય કે મિત્રોને તેમની ખામીઓ સાથે ચાહવા પણ સામે પક્ષે તેમ ન પણ હોય. 

ફેસ બૂક પર એવા પણ કેટલાક મિત્રો છે જેઓ ફોન નંબર માગે અને જનમ દિવસે યાદ કરીને સારો ભાવ પ્રગટ કરે. મારા મિત્ર લીસ્ટમાં ઘણા એવા મિત્રો છે જેમને મારી ભાષા ન આવડતી હોય તો પણ સમજ્યા વગર જ પોસ્ટને લાઈક કરી નાખે. ક્યારેક પૂછે પણ ખરા કે આ શું લખ્યું છે? મારી સૂચિમાં ભારતના ખૂણે ખૂણે થી મિત્રો જોડાયેલા છે. કેટલાક વિદેશી પણ છે. જાતી જીવનમાં ઘણા ઓછા મિત્રો છે પણ આ મહાઝાળ પર મિત્રોની સંખ્યા વધતી રહે છે.  

કેટલાક એવા પણ ઓળખીતા અને ભૂલાયેલા વિરલ ત્રિવેદીના નામથી જ ભડકનારા, નજીક હોવા છતાં ન ઓળખી શકનારા ક્યારેક આવી ચડે અને પ્રોફાઈલ જોઈ ચાલ્યા જાય. અહી કેટલાક એવા મિત્રો થયા જેને મળવાનું મન થાય ચિરાગભાઈ ઠક્કર  અને વિનયભાઈ ખત્રી . ચિરાગભાઈ સાથે તો ફોન પર વાત પણ થઇ. વિનયભાઈએ એક સમસ્યા સુલજાવી તેમની મિત્રોને મદદ કરવાની ભાવનાનો ગઈકાલે પરિચય પણ થયો. વિનયભાઈની જ એક પોસ્ટ પર જય વસાવડા સાથે થોડી વાતો કરી તો એક અન્ય ભાઈને ન ગમ્યું અને મને વડચકું પણ ભરી લીધું હતું. અકારણ, સમજ્યા વગર જ. એટલે અહી લોકો બટકા ભરવા અને તમને પરેશાન કરવા પણ તૈયાર બેઠા છે તેની તૈયારી રાખવી એનો અનુભવ પણ થઇ ગયો. કોઈ વળી મિત્ર બનીને તમારું બધું તળિયા ઝાટક (હેક) પણ કરી નાખે...

અહી બધા જ મિત્રોનો ઉલ્લેખ કરવો શક્ય નથી અને જરૂરી પણ નથી અને કેટલાકને તે ન પણ ગમે તેથી જાણી જોઇને તે ટાળું છું. ખબર નહિ કયા મિત્રો આ વાંચશે? 



6 ટિપ્પણીઓ:

Unknown કહ્યું...

બહુ સરસ..હું તો વિજાપુરના ભાટવાડામાં મોટો થયો છું. એટલે બારોટ મિત્રોનો મને સારો પરિચય છે. આખી જીંદગી સાથ નાં છોડે તેવા મિત્રો..અને આપણો ઉત્તર ગુજરાતનો લહેકો તો લાકડા ભેગા થઈશું ત્યારે જ જવાનો..હહાહાહા..તમારા જેવું મારે પણ થયેલું. જય વસાવડા સાથે ફેસબુક દ્વારા દોસ્તી થઇ તેઓ અમેરિકા આવ્યા ત્યારે ફેસબુકથી ફેસ ટુ ફેસ દોસ્તી થઇ ગઈ. મારો અને એમનો સાથે ફોટો જોઇને મને ખબર વગર કેટલાય મિત્રોએ અનફ્રેન્ડ કરી દીધો..હહાહાહા હું લગભગ ઇનટ્રોવરટ એટલે દોસ્તો બહુ ઓછા.

महेश કહ્યું...

્ભાઈ વિરલ
મિત્રો (સાચા) ની વાત અનેરી છે મોજ અનેરી છે

महेश કહ્યું...

સાચા મિત્રો ની વાત અનેરી અને એમની આથે ની મોજ પણ અનેરી
સરસ લેખ શૈલી ગમી

Mrugank Bhatt કહ્યું...

લેખન શૈલી ગમી સરસ અને સરળ, લખતા રહો (Y)

himmat કહ્યું...

હૃદયમાંથી લખાયું... ઘણુ ગમ્યુ... ઘણો વખત થયો... હવે મળીએ તો સારૂ... તોફાનીને લઈને એકાદ આંટો આ બાજુ મારવાનું ગોઠવો..

Umesh Shah કહ્યું...


Bahu modolekh vanchava malyo.sundar n saral lakhan pan chotdaar vicharo ni abhivyakti.vaat to sachi j chhe ke juna mitro no sampark rehvo te shalya nathi ne fb par na sambandho sara pan hoi skae and bhramak pan hoi sake.