ગુરુવાર, 14 ફેબ્રુઆરી, 2013

મારા દીકરાનો વાહનપ્રેમ

મારો દીકરો જયવીર હજુ સાડા ચાર જ વર્ષનો છે પણ તેનો વાહનો પ્રત્યેનો લગાવ ગજબનો છે. ગાડીઓ, બસો, ખટારા, ટ્રેન જોઇને ગાંડો થઇ જાય. ઘરે કોઈ ગાડી કે બાઈક લઈને આવ્યું હોય તો ઉપર ચડી જાય. આવનાર જાય ત્યારે પહેલા તેને આંટો અચૂક મારાવવો પડે. જોકે હું તેને મારા બાઈક પર ફેરવતો જ રહું છું, પણ તેને સંતોષ થવાને બદલે તેનો લગાવ વધતો જ રહે છે.  પણ તેને તો જાત જાતની ગાડીઓમાં બેસવાનો જબરો શોખ. રમકડા પણ એવા જ રાખે. હું તેને તેડીને બાઈક પર બેસાડવા જાઉં તો જાતે જ ચડી જાય અને  એ આગળ જ બેસે. બાઈક ચાલતું હોય ત્યારે એવા વહેમમાં રહે કે જાણે પોતેજ ચલાવતો હોય.પગ પહોચે નહિ તો પણ કિક સુધી લઇ જાય. ચાવી પણ તે જ લગાવે. ચાલુ બાઈકે ઉભો થઇ જવા જાય અને હોર્ન પર તેનો અંગુઠો દબાવી રાખે, જોરથી ચિચિયારીઓ પણ પાડે ત્યારે મારે તેને ટપારવો પડે. ક્યારેક ચાલુ બાઈકે ચાવી બંધ પણ કરી નાખે. પછી એ શાંત બેઠો બેઠો ઝડપ કાંટાને જોયા કરે. ઘણીવાર તો પેટ્રોલની જરૂર ન હોય તો પણ પેટ્રોલ ભરાવવા જવું પડે, બાઈકમાં પેટ્રોલ ભરતું જોવું તેને ખુબ ગમે. ભૂલે ચુકે જો ફાટક બંદ હોય તો રાજી રાજી થઇ જાય. ગાડીની અધીરાઈ ભેર રાહ જુએ. જયારે ટ્રેનમાં મુસાફરી નહોતી કરાવી ત્યારે તો તે રેલ્વે પસાર થાય ત્યારે મારી સામે પ્રશ્નસૂચક નજરે જુએ કે હવે એમાં ક્યારે બેસાડશો?

એ પછી તો તેની એ ઈચ્છા પૂરી કરી. ભીનમાલ (રાજસ્થાન) જઈ આવ્યા. ત્યારે તો ભારે કરી. ભીલડી સ્ટેશને ઉતર્યા ત્યારે તે સ્ટેશનની બહાર જ ન નીકળે. છેવટે રમકડાનો ખટારો અપાવીશું એમ કહીને માંડ મનાવ્યો ત્યારે અમે ઘર સુધી પહોચ્યા.

આમ તો તે આટલી નાની ઉંમરમાં અડધું ગુજરાત ફરી ચુક્યો છે અને ગુજરાત બહાર પણ જઈ આવ્યો. જાત જાતની ગાડીઓમાં પણ બેઠો. પણ તેને હેવી ટ્રકનો શોખ કઈ રીતે લાગ્યો તે નથી સમજાતું. જીપમાં કે બસમાં બેઠા હોઈએ ત્યારે એ પસાર થતા ખટારાઓને ટગર ટગર જોયા કરે. તેની નજરમાં વસેલો દેખાય એટલે જોર જોરથી તાળીઓ પાડવા લાગે. મને કહે પણ ખરો કે આવો જ ખટારો લાવી આપજો. પાછો ચોખવટ પણ કરે કે અત્યારે નહિ હું મોટો થાઉં ત્યારે. હું તેમાં રેતી અને માટી ભરી લાવી વેચીસ. ઘરે આવીને રીપીટ પણ કરે અને કોઈ એને પૂછે કે તું મોટો થઈને શું કરીશ? ત્યારે ગંભીર થઈને જવાબ આપે કે હું તો ખટારો ચલાવનારો જ થઈશ. સાવ નાનો હતો ત્યારે હું તેને હાઈવે ઉપર ફરવા લઇ જતો ત્યારે પણ એ મોટા વાહનો જોઇને રાજી થઇ જતો.

ચોમાસામાં અમારે ત્યાં આ વખતે કુવા અને ખાડા ગાળવાનું કામ ચાલ્યું ત્યારે મોટા બુલડોઝર અને જે સી બી તેમજ માલવાહક વાહનો ઉતરી પડ્યા હતા. કામ કરનારા કામ કરે અને ખોટી મારે થવું પડતું હતું. આ વાહનોની ઘરઘરાટી સંભળાય એટલે મારો દીકરો જીદ પકડે કે જોવા લઇ જાઓ. અને લઇ જ જવો પડે નહીતર ધમાલ કરી નાખે. હું તેને લઇ જતો ત્યારે આગળ આગળ જે સે બી (તે આ રીતે જ બોલતો) ની રડો પાડી દોડે. જમીનમાં ખાડો ગળતા આ યંત્રોને એ ધ્યાનથી જોયા કરતો અને હું તેને. ખાડા ગાળવાનું કામ પૂરું થયા પછી બજારમાંથી તેના માટે એવું રીમોટવાળું રમકડું લાવી આપવું પડ્યું હતું.

અગાઉ કહ્યું એમ અત્યાર સુધીની તેની ઉંમર પ્રમાણે તે ખુબ ફર્યો છે. લગભગ બધા પ્રકારના વાહનોમાં તેને બેસવા મળ્યું. ગતિશીલ દરેક વસ્તુમાં તેને રસ પડે છે. ચગડોળમાં બેસવાનો પણ શોખ. દિવાળીમાં વિસનગર તિરુપતિ પાર્કમાં ગયા ત્યારે તેને લગતી બધી રાઈડમાં બેસાડ્યો. પાછા ફરવાનો સમય થયો ત્યારે જીદ પકડી કે ડાન્સિંગ ચેરમાં બેસવું છે. ભારે કરી. ઘરમાં આવો કોઈને ગાંડો શોખ નથી. પૈસા આપીને પરેશાન થવાનો. એ તો સારું થયું કે બહાર આવ્યા એટલે તરત બસ મળી ગઈ. ઊંઝા સુધીની હતી તો યે બેસી ગયા. રખેને ક્યાંક બાળહઠનો સામનો કરવો પડે

જેટલી સ્પ્રિંગ દબાવો તેટલી વધારે ઉછળે પણ અહી તો વગર દબાવે ઉછળતી રહે છે. ફરવાનો એવો શોખ કે ભરઊંઘમાંથી ઉઠાડીયે તોય તૈયાર થઇ જાય. આમ તો એ રોજ વહેલા ઉઠીને પજવણી શરુ કરી નાખે પણ હમણા શિયાળાની ટાઢમાં થોડો મોડો ઉઠતો પણ એક દિવસ તેને તેની મમ્મી સાથે અમદાવાદ એક સામાજિક પ્રસંગમાં જવાનું હતું. વહેલો ઉઠાડ્યો તો સફાળો બેઠો થઇ ગયો. ફટાફટ તૈયાર પણ થઇ ગયો. આમ તો એ નાહવા ધોવા અને બ્રશ કરવાના કરવાના નખરા કરે. પણ એ દિવસે મારો વાલો તૈયાર થઈને બાઈક ઉપર ચડી ગયો. બસ સ્ટેન્ડ ડગલામાં જ છે તોય મને કહે કે અંધારું છે તમારે મુકવા આવવું પડે. ચા પાણી પણ બાઈક ઉપર જ પતાવ્યા.

ગયા ઉનાળામાં ગાંધીનગર મારા સાળાને ત્યાં ગયા હતા. એક સાંજે હું તેને ફરવા લઇ ગયો. થોડુક ચાલ્યા પછી કહે કે ચાલો આપડે રીક્ષામાં બેસીને આઘે આઘે ફરવા જઈએ. હું ચમક્યો. હવે તેને ફોસલાવવું અઘરું હતું કે અહી ગાંધીનગરમાં આઘે આઘે કેમનું ફરવું? પછી મારે એને ઝાડ ઉપર બેસાડી થોડી વાતો કરવી પડી. વળતી વખતે મારે તેને છેક ઘર સુધી તેડીને લઇ જવો પડ્યો, રીક્ષામાં ન ફેરવ્યો તેની સજારૂપે. આમ તો તે ક્યારેક જ બસમાં ઊંઘે અને એ પછી તેડવાનું મારે ભાગે જ આવે. 


તેની સાથે ફરવાની રોચક કથાઓ ઘણી છે. હમણા ચૂંટણી પછી તરત જ અમદાવાદ જવાનું થયું હતું. આ પહેલા આવ્યા ત્યારે પણ બી આર ટી એસની બસમાં બેઠા હતા. ત્યારે પણ મારા દીકરાએ ધમાલ કરી હતી. ફરી થોડી વધારે થઇ. બસમાં જોર જોરથી રાડો પાડે એટલે બધા મુસાફરોનું ધ્યાન તેના તરફ જાય. વર્તન એવું કે જાણે પહેલીજ વાર બસમાં બેઠો હોય. અમે સપરિવાર બસમાં કે કોઈ પણ વાહનમાં બેઠા હોઈએ ત્યારે મુસાફરોનું ધ્યાન અમારા આ સભ્યના કારણે અમારા તરફ જતું જ હોય છે.બસમાં આગળની સીટ પર બેઠેલાને અડપલા પણ કરે અને વાતેય વળગી જાય. તેની ટીકીટ હજુ થતી નથી પણ ટીકીટના પૈસા પણ તે આપે અને ટીકીટ પણ પોતે જ લે. બસમાં બંદ ટીવી ચાલુ કરવાની માંગણી પણ કરે. ક્યાંક બસ ઉભી રહે ત્યારે ઘંટડીની દોરી ખેચવા ઉચા નીચો થાય.

આમતો હું સાંજે તેની સાથે દડો બેટ રમતો અને બહાર ફરવા પણ લઇ જતો. પણ હમણા કેટલાક દિવસોથી આજુ બાજુના છોકરા છોકરીઓ ભેગા કરી જાતજાતની રમતો રમે છે. ક્યારેક નવરો પડતા જ હું કમ્પુટર પર હોઉં તો ખોળામાં આવીને બેસી જાય. મારે બધું જ બાજુ પર મુકીને તેને ગેમ રમાડવી પડે અને ગેમ પણ ગીગલા ગીગલીની નહિ રાઈડીંગ ગેમ. બાઈક અને કાર રેસ. અને જે રીતે તેની આંગળીઓ કી બોર્ડ પર ફરે અને તેના ચહેરાના હાવ ભાવ બદલાય, વિસ્મય અને આનંદના મિશ્ર ભાવોથી ચહેરો ચમકી ઉઠે તે જોઇને મને આનંદ અને આશ્ચર્ય બંને થાય છે. મારો આ દીકરો ટ્રક ચાલક થશે કે પાયલટ એતો સમય જ કહેશે પણ સ્લેટમાં એકડો ઘૂંટવાની ઉંમરમાં તે કી બોર્ડ પર આંગળીઓ ફેરવતો થઇ ગયો છે.

સોમવાર, 11 ફેબ્રુઆરી, 2013

કોઈ એમ કહે કે ચિંતા નહિ 'હું બેઠો છું' ત્યારે?

આપ મુસ્તાક અને આપકર્મીઓ પણ ઘણીવાર કોઈકના જાસામાં આવી જતા હોય છે. હૈયું બાળવું તેના કરતા હાથ બાળવા સારા અને આપ મુઆ વગર સ્વર્ગે ન જવાય એ બધું બરાબર પણ શું જીવનનાં દરેક તબક્કે એકલપંડે બધું થાય ખરું? વ્યક્તિએ સ્વાવલંબી થવું જોઈએ એ તો રોજ સંભાળીને કાન ટેવાઈ ગયા પણ સ્વાવલંબન એટલે શું? કોઈ ગમે તેવી ખુદ્દારી કે ખુમારી ધરાવે તો પણ ઘણીવાર બીજાના ભરોસે બેસી રહેવું પડતું હોય તેવું બને. બીજાના ભરોસે આખી જિંદગી કાઢી નાખનારની વાત કરી નિંદા કુથલી કરવી નથી પણ વાત એની કરવી છે જેઓ સ્વબળે જીવન જીવતા હોય, સફળતા - નિષ્ફળતા વચ્ચે જોલા ખાતા હોય તેમજ ક્યારેક પોતે તો ક્યારેક અન્ય દ્વારા ગુંથેલી જાળામાં અટવાતા હોય. ક્યારેક વગર કારણે કોઈની મદદ મળી તેના ભ્રમમાં રહી કચડવાનો સમય પણ આવે. ક્યારેક સમય, સંજોગો, મજબૂરી તેમજ કુદરતની ક્રૂર થપાટોથી વ્યક્તિએ પોતાની સર્જનશીલતા અને ખુમારીને કમને પણ કોઈની મદદના મોહતાજ થવાનું વિચારતા જ કાળોતરાનાં ડંખ જેવી પીડા થાય.

ઘણીવાર મદદ ન લેવી હોય તો પણ મદદ કરનારાઓની ભરમાર થઇ જાય. આજ સંદર્ભે એક આડ વાત. મને યાદ છે કે અમારા એક શિક્ષક ભણાવતી વખતે કેટલીક જાણીતી વ્યક્તિઓનો જાણી જોઇને ઉલ્લેખ કરે અને કહે કે એ તો મારા ખાસ ઓળખીતા મિત્ર છે અને તમારી ક્યારેક મુલાકાત થાય તો મારું નામ લેવું. જયારે નામ લઈએ ત્યારે ભોઠા પડવાનો સમય આવે પણ આજ સુધી તે શિક્ષકને કોઈ વિદ્યાર્થીએ ભોઠા નથી પાડ્યા.  વગર માંગે મદદ આપવા તૈયાર થઇ જાય અને કહે કે મારું નામ લેજો તરત કામ થઇ જશે. અને વિદ્યાર્થીઓ તેમ કરે પણ ખરા કારણકે વિદ્યાર્થીઓ તો બદલાતા રહેવાના. અને ઘણીવાર કામ થવાના બદલે અટકી જાય તેવું પણ થાય.ખરેખર તો તેઓ પોતાનો પ્રભાર પાથરવા આમ કહેતા પણ વાસ્તવમાં તેઓ પોતાની આવી અલ્પતા સિદ્ધ કરી વિદ્યાર્થીઓની નજરમાં નીચા ઉતરતા હતા અને જાણીતી, માનીતી અને ચાહીતી વ્યક્તિઓ માટે કૌતુક બની જતા.  ખરેખર તો આ પ્રકારની માનસિકતા નિર્દોષ માણસનું કામ બગાડવા નિમિત્ત બની જાય છે. જેનાથી ચેતી જવું જોઈએ.

કોઈ ગમે તેટલો સધિયારો આપે પણ એમ કોઈના ભરોસે બેસી ન રહેવાય આપણે આપણા પ્રયાશો ચાલુ રાખવા જોઈએ.અભ્યાસમાં, કરિયરમાં, સમાજમાં અને જીવનના પ્રત્યેક તબક્કે. મદદ ન લેવી હોય તો પણ કોઈ જબરદસ્તીથી મદદ આપવા આવે ત્યારે ખરેખર તો મદદ કરવા આવનારને મદદની વધારે જરૂર હોય છે. તે પોતાનું સાજુ કરવા આવતા હોય છે. આવી મદદો જીભના લવારા સુધી જ સીમિત બની રહે છે. જેને કોઈની પણ મદદની જરૂર નથી તેને ત્યાજ મોટેભાગે મદદ કરનારાઓનો તાંતો લાગતો હોય છે. એવું પ્રથમ નજરે જણાય પણ અંદરખાને તેઓજ અન્યની મદદના મોહતાજ હોય છે. કોઈને જેલમાં જવાના ભણકારા સંભળાય અને તે તમને સધિયારો આપવા બોલાવે તેવું બને કારણકે તેને ખબર છે કે ક્યાંક ક્યારેક તમારી જરુરુ પડશે. તમારી ઘોર ઉપેક્ષા થઇ હોવા છતાં.

તમે અગમચેતીથી કોઈ જગ્યા છોડતા પહેલા નવા કામ માટે તમારા પ્રયત્નો શરુ કરો અને એ સમયે કોઈ એમ કહે કે ચિંતા ન કરશો હું છું ને, કહેનારાની ભાવના ગમે તેટલી સારી હોય તો પણ તેની પર ભરોસો મુકીને બેસી ન રહેવાય તમારે તમારા પ્રયાસો ચાલુ રાખવા પડે. નહિતર બધી બાજુથી લબડી જવાય તેવું બને. તમે મુશ્કેલીમાં ફસાયા હોવ, દ્વિઘામાં હોવ, કોઈ રસ્તો મળતો ન હોય, અટવાત હોવ, એવું લાગતું હોય કે બસ હવે પૂરું થયું અને જે તે વ્યક્તિને જે આના માટે જવાબદાર હોવ તેની પાસે સ્પષ્ટતા માંગો કે હવે શું કરવું? વાંધો તો નહિ આવે ને? ત્યારે સમા પક્ષેથી હકારાત્મક જવાબ મળે તો પણ બુદ્ધિનો ઉપયોગ કરી અને અંતરનો અવાજ સાંભળી નિર્ણય લેવો જોઈએ. 'ચિંતા નહિ હું બેઠો છું' એમ સાંભળી બેસી ન રહેવાય. મારા મતે ન બેસી રહેવું એ 'ઉત્તમ કર્મ' છે.

મદદ તો પરમ કૃપાળુ પરમાત્માની મળતી જ રહેતી હોય છે, જેની મરજી વગર કશું પણ શક્ય નથી. મુશ્કેલીના સમયમાં સાવ અજાણ્યો માણસ વહારે આવ્યો હોય તેવું પણ બને. પરમ કૃપાળુ પરમાત્માના બંદાને યાદ રાખીને ભવિષ્યમાં આપણે કોઈકની આ રીતે મદદ કરવા તત્પર રહેવું જોઈએ. ઠાલાં અને લુક્ખા વચનોથી કઈ સાબિત થતું નથી. ગમે તેટલી ક્ષમતા હોય તો પણ ક્યારેક જોઈએ તેવું પરિણામ ન મળે તેવું બને. ગાંડીવધારી અર્જુન સુદર્શનધારી શ્રી કૃષ્ણ વિના અધુરો છે, એ જ રીતે.

સમય સમય બળવાન હૈ નહિ મનુષ્ય મહાન, કાબે અર્જુન લૂંટ લિયો વહી ધનુષ્ય વહી બાણ 

આમ છતાં આ દુનિયામાં કોઈ સાથ આપે કે ન આપે, આપણે આપનું કામ પ્રભુને સાથે રાખીને કરતા રહેવું જોઈએ. ભગવાન પણ કહે છે કે જે અનન્ય ભાવે મને યાદ કરે છે તેના યોગ ક્ષેમનુ વાહન તેઓ વહન કરે છે. તેથી નિશ્ચિંત થઈને કર્મની સાથે સાથે આપણે આપણા કામના શ્રી ગણેશ કરી નાખવા જોઈએ.



મંગળવાર, 5 ફેબ્રુઆરી, 2013

મિત્રો વિષે ઇન્ટરનેટ પહેલા... ઇન્ટરનેટ પછી...


'મિત્ર એવો શોધવો જે ઢાલ જેવો હોય' અને 'સાચા મિત્રની ઓળખ મુશ્કેલીના સમયમાં થાય' એવી મોટી વાતો કરતા મને નથી ફાવતી. ખરેખર તો મિત્રો આયોજન પૂર્વક નથી બનતા પણ બની જતા હોય છે. જોકે મિત્રોની બાબતમાં હું હમેશા અનલકી રહ્યો છું. બાળપણથી યુવાની સુધી મિત્રતા ટકી રહી હોય એવું મારા કિસ્મતમાં નથી. સંપર્ક અને મિત્રતામાં ઘણો તફાવત છે. અત્યારે તો મિત્રતા નહિ પણ સંપર્કોથી કામ ચલાવી લેવું પડે છે. બાળપણના, શાળાના, કોલેજના, સાથે કામ કરતા મિત્રો ક્યાય શોધ્યાય જડતા નથી. ભલે એમ કહેવાતું હોય કે નેટનાં જમાનામાં દુનિયા ઘણી સાંકડી થઇ ગઈ છે. નેટ પર કલાકો સુધી અજાણ્યા મિત્રો સાથે ચેટીંગ થાય અને ફોન પર પણ લાંબી વાતો થાય પણ કોઈ મિત્રના ઘરે જઈ મળવાનો સમય ન હોય તેવું બને. હું તો આ ઝાળ પર માત્ર ૨ વર્ષ થી જ છું. તૂટેલા, કપાયેલા, દૂર થયેલા, ભૂલી ગયેલા મિત્રોને ફરી યાદ કરવા, તાજા કરવા અને જોડવા... એ સાથે નવા મિત્રો પણ બની રહ્યા છે... 

મેં જ્યારથી ઇન્ટરનેટની દુનિયામાં પ્રવેશ કર્યો છે લગભગ ૨ વર્ષથી એક પણ મિત્ર સાથે રૂબરૂ મુલાકાત થઇ નથી. મિત્ર હિંમત કાતારીયાને ઝાલરટાણું તેમના ઘરે મળવા ગયો હતો. એ સમયે નેટનો એટલો પરિચય ન હતો. હિંમતભાઈ સાથે પ્રથમ મુલાકાત ઓફિસમાં થઇ હતી. ચાર જ મહિના સાથે રહ્યા અને છુટા પડી ગયા, તે ઘણા પાછળથી આવ્યા હતા. છુટા પડ્યાને ચાર વર્ષ થઇ ગયા અને આ ચાર વર્ષના ગાળામાં ઘણું ઓછું મળવાનું થયું છે પણ આત્મીયતા અકબંધ  છે. એ ઓછા ગાળાના સમયમાં સાથે લખ્યું, સાથે ખાધું અને સાથે મુસાફરી પણ કરી. તેમની માતાના, પત્નીના અને છેક તેમના વતન ભાદરોડ જઈને તેમની ભાભીના હાથના રોટલા પણ ખાધા. તે પણ મારા ઘરે પાટણ આવી ગયા. 

કેટલાક અહી એવા મિત્રો છે જેનો કદી ચહેરો પણ ન જોયો હોય. છતાં તેની પણ એક મજા છે. કેટલાક જુના મિત્રોને નેટ પર ખોળવાનો પ્રયાસ કરું છું પણ સરનામું જડતું નથી. કેટલાકના પ્રોફાઈલ ફોટો પર લીલું ટપકું લબા લબ થતું જોવા મળે અને એકાએક ઓજલ પણ થઇ જાય. એવા કૈક મિત્રો છે જેઓ ઓનલાઈન નથી. મિત્ર સીતારામ બારોટ જેઓ કદાચ અત્યારે તો પી એચ ડી થઇ ગયા હશે. ઓન લાઈન તો શું ફોન નંબર પણ નથી મળતો. હિન્દી સાહિત્યમાં એમ ફિલ કર્યા પછી ચંદ્રકાંત બક્ષી પર પી એચ ડીની તૈયારી કરતા હતા! સત્યમ'ના ઉપનામે હિન્દીમાં ઘણી કવિતાઓ અને નાટકો પણ લખ્યા છે. એક ગુજરાતી ટૂંકી વાર્તાઓના પુસ્તકનો હિન્દી અનુવાદ પણ કર્યો હતો. એ પછી તો વધારે લખ્યું જ હશે. અમે ગુજરાત વિદ્યાપીઠમાં પત્રકારત્વનો અભ્યાસ સાથે કરતા.પ્રથમ મુલાકાત પણ ત્યાજ થઇ હતી, એક જાણીતા ગુજરાતી દૈનિકમાં અમે સાથે જોડાયા હતા અને પાછળથી કંટાળીને બીએડ કરવા જતા રહ્યા હતા. ગમે તેની જોડી વાત કરે પણ ઉત્તર ગુજરાતની બોલી અને લહેકો ન બદલે.બોલવામાં એકદમ બિન્દાસ. આમ ક્યાય ક્યારેય પૈસા ન કાઢે પણ તેમની ઉદારતાનો સુખદ આંચકો ત્યારે લાગ્યો હતો જ્યારે વિદ્યાપીઠના પુસ્તકાલયમાં તેમણે મને જરૂરિયાતના સમયે તેમના ખીસામાંથી પરચુરણ સમેત બધાજ પૈસા મારા ગજવામાં નાખી દીધા હતા. જોકે ભરત ચૌધરીને તો મેં પૈસા પાછા પણ આપ્યા નથી. ચૌધરી સાથે ઓનલાઈન ક્યારેક મુલાકાત થઇ જાય છે. 

મિત્રોની બાબતમાં મારે સર્કલ જેવું કઈ નથી. મારા ઘણા મિત્રોના એક પણ મિત્રને હું ન પણ ઓળખાતો હોઉં અને મારા મિત્રો મારા બીજા મિત્રોને ન ઓળખે. સોસીયલ નેટવર્ક જેવું જ મારા જીવનમાં છે. મારાથી ઓછી ઉંમરના મિત્રો પાસેથી કંઈક શીખવામાં નાનામ નથી અનુભવતો. અને જેનાથી સંબંધ છૂટી ગયો હોય તેની ગમવા જેવી બાબતોનો આદર સાથે સ્વીકારી રાખું. મિત્રો સાથે સુખમાં ભાગીદાર ન થવાય તો કઈ નહિ પણ દુખના સમયે તેની પડખે રહેવું જ તે હું  સૌરભ શાહ  પાસેથી શીખ્યો. આની સમજ અને સ્વીકાર તો હતો જ પણ મક્કમતા તેમની પ્રત્યક્ષતાથી આવ્યા. ખાસ કરીને કોઈ મિત્ર કે સંબંધીના સ્વજનનું અવસાન થયું હોય ત્યારે બધા જ કામ પડતા મૂકી તેઓ ત્યાં પહોચી જાય. મારા સસરાનું અચાનક જ અવસાન થયું ત્યારે તેમને જાણ થતા તેઓ બધું જ કામ પડતું મૂકી અમદાવાદથી છેક ધાનેરા બેસણામાં આવી ગયા હતા.ચંદ્રકાંત બક્ષીનું અવસાન થયું એવા સમાચાર મળતા જ ગાડી અને ડ્રાઈવર હાજર ન હોવા છતાં ઝડપથી પહોચવા તેઓ મારા બાઈક પર બેસી ગયા હતા. 

સમય અને સંજોગો સાથે સાથે મિત્રો પણ બદલાતા રહે છે. પોતાની હેસિયત અને સ્ટેટસ પ્રમાણે વ્યક્તિ મિત્રો બનાવતો થઇ જાય છે. પોતાના મિત્રની બે વાતો સાંભળવામાં રસ ન લે પણ પોતાની જિંદગી આખીનું સરવૈયું મૂકી દે. એક સાદી સીધી અને સરળ વાત છે કે તમે કોઈનામાં રસ લો તો જ કોઈ તમારામાં રસ લે. અને શરૂઆત આપણે જ કરવી પડે. ચાણક્યએ કહ્યું છે એ પ્રમાણે કેટલાક મિત્રતાનો મુખોટો ઓઢીને શત્રુતા નિભાવવા પણ આવતા હોય છે. મોઢે વખાણ કરે અને પાછળથી વાઢી નાખે. કેટલીક મિત્રતા પાછળ ચોક્ખો સ્વાર્થ હોય અને કેટલાક નિસ્વાર્થપણે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું વહાવતા હોય. ગરજ પડે ત્યારે ગમે તેને બાપ બનાવી લે. ઘણા એવા પણ હોય કે તેમને ખબર પડે કે તમે મુશ્કેલીમાં છો અને મદદ માટે આવશો જ એટલે એવું પહેલેથી ધારી લઈને પલાયન થઇ જાય. તમે કોઈની પણ મદદના મોહતાજ ન હોવ તો પણ. કેટલીક વખત કોઈ ત્રીજી વ્યક્તિ દ્વારા પ્રથમ મિત્રને ખોવાનો અવસર પણ આવે. ત્યારે એમ માનીને મન મનાવવું પડે કે તે આપણી મિત્રતાને લાયક નથી! ફેસ બુકની ભાષામાં વાત કરું તો મને એવી સમજ હોવી જોઈએ કે મારી પોસ્ટને મેં કરેલી ટેગ કયા મિત્રને ગમશે અને કયા મિત્રને નહિ ગમે.કેટલીક મિત્રતા વૈચારિક સમાનતાના કારણે તકતી હોય છે તો કેટલીક એક બીજાને મદદ કરતા રહેવાની ભાવનાને કારણે. બાકી સંપર્કો તો વિખેરાતા રહેવાના. અન ફ્રેન્ડ, ડીલીટ અને બ્લોક જીવનમાં પણ ખરા.તમારી ભલે એવી ભાવના હોય કે મિત્રોને તેમની ખામીઓ સાથે ચાહવા પણ સામે પક્ષે તેમ ન પણ હોય. 

ફેસ બૂક પર એવા પણ કેટલાક મિત્રો છે જેઓ ફોન નંબર માગે અને જનમ દિવસે યાદ કરીને સારો ભાવ પ્રગટ કરે. મારા મિત્ર લીસ્ટમાં ઘણા એવા મિત્રો છે જેમને મારી ભાષા ન આવડતી હોય તો પણ સમજ્યા વગર જ પોસ્ટને લાઈક કરી નાખે. ક્યારેક પૂછે પણ ખરા કે આ શું લખ્યું છે? મારી સૂચિમાં ભારતના ખૂણે ખૂણે થી મિત્રો જોડાયેલા છે. કેટલાક વિદેશી પણ છે. જાતી જીવનમાં ઘણા ઓછા મિત્રો છે પણ આ મહાઝાળ પર મિત્રોની સંખ્યા વધતી રહે છે.  

કેટલાક એવા પણ ઓળખીતા અને ભૂલાયેલા વિરલ ત્રિવેદીના નામથી જ ભડકનારા, નજીક હોવા છતાં ન ઓળખી શકનારા ક્યારેક આવી ચડે અને પ્રોફાઈલ જોઈ ચાલ્યા જાય. અહી કેટલાક એવા મિત્રો થયા જેને મળવાનું મન થાય ચિરાગભાઈ ઠક્કર  અને વિનયભાઈ ખત્રી . ચિરાગભાઈ સાથે તો ફોન પર વાત પણ થઇ. વિનયભાઈએ એક સમસ્યા સુલજાવી તેમની મિત્રોને મદદ કરવાની ભાવનાનો ગઈકાલે પરિચય પણ થયો. વિનયભાઈની જ એક પોસ્ટ પર જય વસાવડા સાથે થોડી વાતો કરી તો એક અન્ય ભાઈને ન ગમ્યું અને મને વડચકું પણ ભરી લીધું હતું. અકારણ, સમજ્યા વગર જ. એટલે અહી લોકો બટકા ભરવા અને તમને પરેશાન કરવા પણ તૈયાર બેઠા છે તેની તૈયારી રાખવી એનો અનુભવ પણ થઇ ગયો. કોઈ વળી મિત્ર બનીને તમારું બધું તળિયા ઝાટક (હેક) પણ કરી નાખે...

અહી બધા જ મિત્રોનો ઉલ્લેખ કરવો શક્ય નથી અને જરૂરી પણ નથી અને કેટલાકને તે ન પણ ગમે તેથી જાણી જોઇને તે ટાળું છું. ખબર નહિ કયા મિત્રો આ વાંચશે? 



રવિવાર, 3 ફેબ્રુઆરી, 2013

લેખનનો વ્યવસાય છે શૂરોનો નહિ કાયરનું કામ...


એક ગુજરાતી સાપ્તાહિક છે, જેના તંત્રી - તંત્રી અને સંપાદક તો તેઓ નામના જ છે. ચાર લીટીનો તંત્રી લેખ લખતા પણ તે હાંફી જાય છે. તેઓ તેમના મેગેઝીનમાં એવા પત્રકારોને નોકરીએ રાખે જેની ખાસ કોઈ ઓળખ (તેમની સમજ પ્રમાણે) ઉભી થઇ ના હોય. એક જ વિષય પર બધાય પત્રકારોને અસાઇનમેન્ટ આપે અને તેમને જો ગમી જાય તો એકાદો લેખ છાપી મારે અને બાય-લાઈનમાં કોઈ ભૂતિયું નામ મૂકી દે. ક્યારેક બધાય લેખોનું મિશ્રણ પણ કરે. જોકે એડીટોરીયલ સ્ટાફ માત્ર ત્રણ કે વધીને ચારની સંખ્યાનો જ રાખે છે. ફોટોગ્રાફર રાખતા નથી પણ ક્યારેક કોઈક પત્રકારને કેમેરા પકડાવી દે.તેમજ અગાઉથી જ કયા એન્ગલથી તસ્વીરો લેવી તેનું બ્રીફિંગ પણ કરે.  આ તંત્રી શ્રીની દિવસ દરમિયાન એકજ પ્રવૃત્તિ એડીટોરીયલ અને કોમ્પ્યુટર ડીપાર્ટમેન્ટમાં મુકેલા સી સી ટીવી કેમેરાથી કોણ શું કરે છે તે પોતાના અંગત અને અલાયદા રૂમમાં બેસીને નિહાળ્યા કરે, વચ્ચે વચ્ચે ટીવી પર સમાચાર જોઈ લે. નવા જોડાયેલ પાસેથી તેના અગાઉની કમ્પની વિષે જાણવાનો ભરપુર પ્રયાસ કરે.  આ બધું હોવા છતાં પૈસાની બાબતમાં એકદમ પ્રમાણિકતા. પગાર રોકવો, અટકાવવો... પૈસાની બાબતમાં બોલીને ફરી જવું, પૈસા માટે કોઈને પરેશાન કરવો આવું કઈ જ નહિ. હું માત્ર ૧૪ જ દિવસ અહી રહ્યો અને ૧૫ માં દિવસે મને ગણીને પૈસા આપી દીધા.આનાથી એકદમ જ ઉલટું હું જ્યાંથી ભગ્ન હૃદયે આવ્યો હતો ત્યાં મને જે લખવું હોય તેની પુરતી છૂટ હતી અને એટલે જ તો લાંબા સમયથી ત્યાં જોડાયેલો રહ્યો હતો. એ સમયે પૈસા મારા માટે ગૌણ હતા. આજે નહિ તો કાલ આવક વધશે જ એવી મારી શ્રદ્ધા હતી. અને અંતે એ શ્રદ્ધા અને વિશ્વાસ પૈસાની થતી રેલમ છેલ જોતા ઓગળી ગયા હતા. વૈચારિક માન્યતાઓ પર પૈસા હાવી થયા હતા. હીરાની પરખ સાચો ઝોહરી જ કરી શકે તેની ખબર તો હતી પણ અનુભૂતિ એ સમયે થઇ. મારે ક્યારેય ક્રેડીટ માંગવી પડી ન હતી. બસ પાછળથી થોડીક ઓછી થઇ ગઈ હતી જે મારા માટે અસહ્ય હતું. વિષયાંતર થતું લાગે છે? ચાલો જવા દો આ ચર્ચા. ફરી ક્યારેક વાત. કહેવાનો મતલબ એ કે ઉલટું એટલે દરેક બાબતમાં માત્ર પૈસાની જ નહિ. એક લક્ષ્ય સાથે શરુ થયેલ પૈસાના આભવામાં કે મોહમાં બંદ થઇ જાય અને બીજું ખાસ કોઈ ઉદ્દેશ્ય કે વિઝન વગર ચાલ્યા કરે...  કે બંદ કરવા માટે મજબૂર કરવામાં આવે કે પછી મજબૂરીની આડમાં ઘૂંટણ ટેકવી દેવામાં આવે?
(નામ પૂછવું નહિ, તેમને બધાય ઓળખે મને તો મારા ગામમાં પણ કોઈ ઓળખતું નથી અને કારણ વગર - પૈની પેદાશ નહિ ને ઘડીની નવરાશ નહિ વાળી નથી કરવી)
* * *
પત્રકારત્વના અને લેખનના વ્યવસાયમાં 'સ્થિરતા'ને સ્થાન નથી. સેટ થઇ જવું એમના માટે હોઈ શકે જેઓ હઈસો હઈસો કરીને આ ફિલ્ડમાં કુદી પડ્યા હોય અને મૌલીકતાના 'મ'ની પણ સમજ ન હોય અને ઉઠાંતરી કરવી જેમનું કૌશલ્ય હોય તેમજ કોઈ પણ ભોગે ન્યૂસ સ્ટોરી બનાવી નાખવાની હોય. જેમને માત્ર પગારથી જ મતલબ હોય અને પુરતી માહિતી એકઠી કર્યા વગર જ ગમે તેને ઝુડવા કે ગેલ કરવા માટે તૈયાર હોય તેને સત્ય નહિ સમજાય.

પોતાની વસ્તુનો હક અને અધિકાર પોતાના કરી લેવાની વૃત્તિ તો ગાય કે ભેસનો પોદળો ઉપાડનારાને પણ હોય છે. ગામડામાં સૌથી પહેલી નજર જેની પોદળા પર પડી હોય તે તેના પર ડિંડવું લગાવી પોતાના માલિકી હકની નોધણી કરી નાખે.  જેનો વ્યવસાય જ લેખન અને સર્જનનો છે તે પોતાની કૃતિ પાછળ ઉદાસીન રહે તો ભૂખે મારવાનો સમય આવે કારણકે ચોર લુટારુઓ રાતના અંધારામાં જ ધાડ પાડવા નથી નીકળતા. ચોરીનું સ્વરૂપ અને ચોરના રંગ રૂપ બદલાયા છે પણ કોઈને વસ્તુને પોતાની કરી લેવાની વૃત્તિ એની એ જ છે. અને આજ કારણે કેટલીક સરસ સાઈટ્સ તેમની સામગ્રી મફતમાં નથી મુકતી. ઉઠાંતરી લેખનમાં જ નહિ કલાના પ્રત્યેક ક્ષેત્રમાં થાય છે. કોઈના પુસ્તક પરથી ફિલ્મ બની જાય અને મૂળ સર્જકને જાણ પણ કરવામાં ન આવે તેવું બને. પૈસા અને પ્રતિષ્ઠાના જોરે જોહુકમી પણ થાય. ઉલટા ચોરો કોતવાલોને દંડે. કોપી રાઈટના કાયદાની સમજ હોય તો પણ આવું થાય. (જેને કોપી રાઈટ એટલે શું એની જ સમજ નથી એની વાત આગળ આવશે) કેટલાક સર્જકો પોતાના સર્જન પાછળ જીવનભરની કમાણી લગાવી દેતા હોય છે. ઘર બાળીને તીરથ ન થાય પણ થાય છે. કોઈ પણ ભોગે પોતાની વાત સમાજ સુધી પહોચાડવી પછી ભલે ગમે તે થઇ જાય. ગજવેલની છાતી અને ફના થઇ જવાનું દિમાગ ધરાવનારા સર્જકના શબ્દ કોશમાં બાંધ છોડ કરવી અને પ્રેક્ટીકલ જેવા શબ્દો નથી હોતા. તેઓ એવું પણ નથી વિચારતા કે મારું આ સર્જન કોણ પસંદ કરશે અને કોણ પસંદ નહિ કરે, કોને સમજમાં આવશે કે કોને નહિ આવ? વિશાળ ચાહક વર્ગ ઉભો કરવાની ઈચ્છા જરૂર હોય પણ ઘેલછા નથી હોતી. વીર સાવરકરની આગ ઓકતી કલમથી અંગ્રેજો એવા ભયભીત થઇ જતા કે પુસ્તક છપાયા પહેલા જ તેના પર પ્રતિબંધ મુકાઈ જતો. તેમને ન તો પૈસાની પરવા હતી કે ન ક્રેડીટની. તસલીમા નસરીન અને સલમાન રશ્દી વિરુધ ગમે તેવા ફતવાઓ જાહેર થાય, એક દેશથી બીજા દેશમાં ભટકવું પડે પણ તેઓ પોતાના લખાણમાં બાંધ છોડ પણ કરતા નથી સર્જનને સ્થગિત કરવાની વાત તો દુર રહી...

હવે વાત કરીએ ઇન્ટરનેટની દુનિયાની. અહી કોપી કરવા માટે ખાસ મથામણ કરવાની જરૂર નથી રહેતી. પેન પકડીને ઉતારો નથી કરવો પડતો. બસ સિલેક્ટ ઓલ, કોપી અને પેસ્ટ બસ થઇ ગયું. શું લખ્યું છે એ પણ ખબર ન હોય તેવું બને અને કદાચ પૂરું વાંચ્યું પણ ન હોય. ગઈ સાલ એક હિન્દી બ્લોગર કોર્ટમાં ગયા હતા, તેમની એક પોસ્ટ એક હિન્દી છાપાએ તેમની પરમીશન વગર જ ઉઠાવી લીધી હતી. હમણા થોડા જ દિવસ અગાઉ વાયા ફેસ બૂક એક લેખ વાંચ્યો અને ગમ્યો અને કોમેન્ટ મૂકી ત્યારે મિત્રએ ધ્યાન દોર્યું કે આ લેખ ખરેખર એક બ્લોગ પરથી ઉઠાવવામાં આવ્યો છે. ખરેખર તો આ સોસીયલ સાઈટ્સ કોપી પેસ્ટના અખાડાઓ બની ગઈ છે. ખબર છે કે ત્યાં શેર માથે સવા શેર બેઠા છે તો પણ શેર કરવું પડે. અને એ પણ કેવું વિચિત્ર તમે કોઈક પોસ્ટ પર લાઈક કે કોમેન્ટ ન કરી શકો પણ ઉઠાવી ફરીથી પોસ્ટ જરૂર થાય. હમણા થોડા દિવસ પહેલા મારા હિન્દી બ્લોગ પરની એક પોસ્ટ એક ભાઈને ગમી ગઈ અને તેમણે નીચે કોમેન્ટ મૂકી કે આ લેખની કોપી કરું છું અને ખોટું ના લગાડતા. મેં કહ્યું કે ભાઈ આ લખતી વખતે મગજ અને શરીરને જોર પડે છે અને તમે એમ જ કોપી કરી લેશો? કોપી કરો પણ મારા બ્લોગની લિંક તો મુકો... તો નફફટ થઈને કહ્યું કે લિંક મુકતા નથી આવડતી. તમારું નામ લખ્યું જ છે. લો બોલો. જોકે પાછળથી લિંક બનાવતા શીખીને તેમણે મારા બ્લોગની લિંક મૂકી. અને આમેય એ લેખમાં એવું કઈ હતું નહિ કે મારે રો કકળ કરવી પડે. ક્યાં ક્યાં શું કોપી થઇ રહ્યું છે તેનું બધી જ જગ્યાએ ધ્યાન ન જાય તે સ્વાભાવિક છે અને એવું જ શોધતા રહેવાનો સમય પણ ન હોય તે પણ સ્વાભાવિક છે. ઘણા ઓછા મિત્રો આવી બાબતો પર એક બીજાનું ધ્યાન દોરતા હોય છે. પણ ક્યાંક નજરે ચડી જાય ત્યારે ધ્યાન દોરાનારાનો આભાર માનવો પડે.

લેખનના ક્ષેત્રમાં જેમણે નામના મેળવી લીધી હોય અને એ દ્વારા આવક થતી હોય તેમના કેટલાકને આ બાબતે ચિંતા ન હોય તેવું પણ બને. પણ લખવું જેના માટે એક પેશન હોય અને તેમાંથી કોઈ પણ પ્રકારની આવક ન થતી હોય ત્યારે પોતાના સર્જનની ઉઠાંતરીથી આહત થાય. કેટલાક સરસ લખી શકતા હોય અને ટેકનોલોજી ન જાણતા હોય. કેટલાક ટેકનોલોજી જાણતા હોય અને લખતા ન આવડતું હોય અને બંનેમાં માહિર હોય તેવા પણ કેટલાક હોય. કેટલાક શીખવા માટે પ્રયાસરત હોય. પણ જેને લખતા જ ન આવડતું હોય કે લેખનના ક્ષેત્ર સાથે સ્નાન શુતકનોય સંબંધ ન હોય તે શા માટે બ્લોગ બનાવતા હશે? સમય પસાર કરવા? વાહ વાહીની ખોટી ઘેલછા કે અન્ય કઈ? વિચારવું રહ્યું...

કોણ બ્લોગ લખે છે? જાણીતા લેખકો કે જેઓ એક મુકામ સુધી પહોચી ગયા છે અને આગળ કૈક નવું કરવું છે, પોતાના વાચકો સાથે સીધા સંપર્કમાં રહવા માટે... એમના ઘણા ઓછા લેખકો એવા છે જેઓ જે છાપા અને સપ્તાહીકોમાં લખત હોય એ જ વસ્તુને બ્લોગમાં રીપીટ ન કરતા હોય. બીજા જેઓ માત્ર અને માત્ર ઉઠાંતરી જ કરી જાણે છે અને ખોટી રીતે નાણા રળે છે અને કેટલાક સમય પસાર કરવા. કોઈ વળી નામ જોગ સાથે કવિઓની કવિતાઓ તેમના બ્લોગમાં અપડેટ કરે છે. કોઈ બ્લોગ પર લખતા લખતા સમાચાર સાઈટ પર લખતા થઇ જાય છે અને મફતિયા બ્લોગ છોડી દે છે. દરેકનો પોતાનો અલગ ઉદ્દેશ્ય હોય અને કેટલાકનો ઉપદ્રવ પણ હોય. ઉપરના કારણો પણ હોય.

અને કોઈક પોતાના લક્ષ્ય માટે નીકળી પડ્યા હોય તેના માટે બધું જ ગૌણ બની જાય છે, જેના માટે લેખન એક સાધન છે સાધ્ય નથી.

શુક્રવાર, 25 જાન્યુઆરી, 2013

સાંસ્કૃતિક આતંકવાદ



કમાલના અભિનેતા અને પ્રોડ્યુસર ડીરેક્ટર કમલની ફિલ્મ 'વિશ્વારુપમ'ને પ્રસારિત થતા અટકાવી દેવામાં આવી છે. તમિલનાડુ સરકારનો અને તેને અટકાવવામાં રસ છે તેવા રાજકીય સંગઠનોનો  આક્ષેપ છે કે ફિલ્મમાં મુસ્લિમોને આતંકવાદી દર્શાવવામાં આવ્યા છે. કમલે તેનો બચાવ કર્યો અને કહ્યું કે ફિલ્મમાં જે બાબતનો વિરોધ કરી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે એવું કઈ જ નથી, ઉલટાનું મુસ્લિમોને પણ આ ફિલ્મ પસંદ આવશે. કહેવાય છે કે કમલે આ ફિલ્મમાં પોતાની જિંદગી ભરની કમાણી લગાવી દીધી છે. એટલે કમલ તરફથી તીખી પ્રતિક્રિયા આવે તે સ્વાભાવિક છે. કમલની ફિલ્મો સામાન્ય ચીલા ચાલુ હિન્દી ફિલ્મો જેવી નહિ પણ જરા હટકે હોય છે અને તેમની બૌધિક ક્ષમતા ફિલ્મમાં જોવા મળતી જ હોય છે. આ એવો અભિનેતા અને દિગ્દર્શક છે જે વાસ્તવ અને કલ્પનાનું ગજબનું મિશ્રણ કરી દેશના પ્રશ્નોને વાચા આપે છે. 'હે રામ', 'હિન્દુસ્તાની', 'દશાવતાર' જેવી અદ્ભુત ફિલ્મો દ્વારા તેમણે જે સંદેશ આપ્યો તેને દુનિયા જાણે છે. પોતાનો રાજકીય રીતે ઉપયોગ થતો હોવાનું કહી કહ્યું કે આ 'સાંસ્કૃતિક આતંકવાદ' છે. અને તે ખોટું પણ નથી. સાચા કલાકારોની કલાને સમજ્યા વગર જ તેની રચનાને અટકાવવી અને કલાના નામે સંસ્કૃતિના છોતરા ઉડાડ્નારાઓને છૂટો દોર આપી દેવો તે સાંસ્કૃતિક આતંકવાદ જ કહેવાય. એવી કઈ ફિલ્મ છે જેમાં હિન્દુઓનો મત વ્યક્ત થયો હોય? 'હે રામ' ફિલ્મ દ્વારા કમલે એ પ્રયાસ કર્યો હતો અને એ સમયે પણ તેણે ચોક્કસ પ્રકારના લોકોનો વિરોધનો સામનો કરવો પડ્યો હતો. અને તેથી જ કમલ તેમને આંખના કણાની જેમ ખુંચે તે સ્વાભાવિક છે.

'દશાવતાર' ફિલ્મમાં કમલ દશ રૂપોમાં જોવા મળે છે. 'હિન્દુસ્તાની'માં ક્રાંતિકારીનું પાત્ર એક રાષ્ટ્રવાદીને પોતીકું લાગે અને 'હે રામ'નો મદ્રાસી બ્રાહ્મણ હિન્દુઓનું પ્રતિનિધિત્વ કરે છે. 'હે રામ' વખતે પણ આવો જ વિરોધ ગાંધીવાદીઓ અને કોંગ્રેસ દ્વારા થયો હતો. જેના કારણે કેટલાક અદ્ભુત દ્રશ્યો અત્યારે ફિલ્મમાંથી નીકળી ગયા છે. ક્યારેક આ ફિલ્મ ટીવી પર બતાવવામાં આવે ત્યારે કેટલાક વાંધાજનક(?) દ્રશ્યો બતાવવામાં આવતા નથી. અને આ મુઠી ઉછેરો કલાકાર એમ ગાંજ્યો જાય એવો નથી. તેની ફિલ્મ આજે નહિ તો કાલે પ્રદર્શિત થશે જ તેમાં નવાઈ નથી.

'હે રામ' ફિલ્મમાં કમલે શાહરૂખ ખાનને એક નાનકડી ભૂમિકા આપી હતી. એ પછી શાહરૂખે તેની ફિલ્મ 'મૈ હૂં ના' માં કમલને અભિનય કરવાની વિનંતી કરી  હતી અને કમલે તેનો અસ્વીકાર એવું કહીને કર્યો હતો કે ફિલ્મની સ્ક્રીપ્ટ બરાબર નથી, જેનાથી શાહરુખને માઠું લાગી ગયું હતું.  હવે 'મૈ હું ના' જેવી ધરાર અવાસ્તવિક ફિલ્મમાં કમલને રસ ન પડે અને તે શાહરુખને ન સમજાય તે પણ સ્વાભાવિક છે. 'મૈ હું ના' ફિલ્મમાં એક હિન્દુને આતંકવાદી દર્શાવવામાં આવ્યો હતો જેમાં રતી ભાર પણ વાસ્તવિકતા નથી. તે ફિલ્મ વિના વિરોધે રિલીજ થઇ ગઈ હતી અને હીટ પણ સાબિત થઇ હતી. હિન્દી ફિલ્મોમાં મુલ્લાઓ અને પાદરીઓની કરુણતા અને પંડિતોની નીચતા અને અધમતાની નવાઈ નથી. હિંદુઓ જો એવું વિચારે તો એક પણ ફિલ્મ રિલીજ ન થવા દે. અને આમેય હિન્દી ફિલ્મો સંક્રમણ કાળમાંથી પસાર થઇ રહી છે. લવ... સેક્ષ અને ધોકા સિવાય શું જોવા મળે છે?

અહી એક કાર્ટૂન દોરાનારાની ધરપકડ થઇ શકે છે પણ જાવેદ અખતરો, મહેશ ભટ્ટો અને નિદા ફજલીઓના હિંદુઓ પરના બેફામ વાણી વિલાસને માથે ચઢાવવામાં આવે અને કોઈ એક ખાસ કોમની બદીઓ વિષે જરા સરખો પણ ઈશારો  કરે તો તેનું કેરિયર ધૂળ ધાણી કરી નાખવામાં આવે તે સાંસ્કૃતિક આતંકવાદ જ છે. ગયા વર્ષે ટીવી ચેનલ પર પ્રસારિત થતી ૨ ટીવી સીરીયલો એકએક બંધ કરી દેવામાં આવી. 'ચંદ્ર ગુપ્ત મૌર્ય' ધનનંદનાં વધ પહેલા બંદ થઇ અને ત્યાર પછી 'વીર શિવાજી' માં છત્રપતિ શિવાજીના વાઘ નખથી અફજલ ખાનનું પેટ ચીરાતું બિનસાંપ્રદાયિક હિન્દુસ્તાનમાં ન જોઈ શકાય તે સ્વાભાવિક છે.સાચી વાત તો એ છે કે સાંસ્કૃતિક આતંકવાદ પણ ધીરે ધીરે પણ મક્કમતાથી જડો જમાવી રહ્યું છે. જેમાં સાચાની નિષ્ક્રિયતા અને ખોટાની સક્રિયતાથી ફૂલી ફાલી શકે છે. ઢંગ ધડા વગરની ફિલ્મો અને ટી વી સીરીયલો અને અધુરી, અધકચરી, અતાર્કિક એવી અન્ય સામગ્રી ઠાલવતા ક્ષેત્રો આના ઉદાહરણો છે. મોટા માધ્યમોમાં મોટી મોટી વાતો કરનારા ખરા ટાણે પાણીમાં બેસી જાય તે પણ (અદ્રશ્ય) સાંસ્કૃતિક આતંકવાદ જ કહેવાય.

રીલેટેડ પોસ્ટ - 'હે રામ' એક નિષ્ફળ અને ભુલાયેલી ફિલ્મની સમીક્ષા

ગુરુવાર, 24 જાન્યુઆરી, 2013

બોલે એનું બધુંય વેચાય...



આજે બજારમાં શાક-ભાજી વેચનારાઓ વચ્ચેની તકરાર મારાથી સંભળાઈ ગઈ. આ સબ્જીવાળો ભાઈ દરરોજ હાઈવે નજીક ઉભો રહે છે અને આજે તે બજારમાં ઉભો રહ્યો. અને તેની આદત અને આવડતનાં કારણે જોર જોર થી બુમો પડતો હતો. બીજી લારીવાળી બહેનોએ વાંધો ઉઠાવ્યો કે તું બુમો કીમની પાડશ. પણ તેને તો વધારે શુરાતન ચડ્યું. બજારમાં સૌથી વ્યાજબી કહી શકાય તેવો ભાવ તેનો હોય છે. જોખવામાં ગોટાળો કરતો હોય તો રામ જાણે પણ તે બોલવાની તેની કળાનો છૂટ થી ઉપયોગ કરે છે. ઓછા નફે અને આ રીતે લય બદ્ધ રીતે બોલી ગ્રાહકોને આકર્ષિત કરી તે ધંધો કરે છે. દરેક લારીવાળાની આ બીઝનેસ સ્ટ્રેટેજી ના પણ હોય. એટલે તેમને આ ખટકે તે સ્વાભાવિક છે. વિરોધ છતાં તે તેની સ્ટ્રેટેજી બદલ્યા વગર હિંમત અને મક્કમતાથી ત્યાં ઉભો રહ્યો. 

બોલવું - સ્પષ્ટ રીતે, સામેવાળાને સમજાય તે રીતે અને લવારો કરવો તેમાં ઘણો તફાવત છે. લવારો કારણ વગર થાય છે અને બોલવાનું હોય છે જ્યાં જરૂર હોય ત્યાજ. આમ ઘણી બકા બક થતી હોય પણ જ્યાં બોલવું જરૂરી હોય ત્યાં જીભ સિવાઈ જતી હોય છે. કારણ વગરના લાવારમાં તે ઉર્જા ખતમ થઇ ચુકી હોય છે. મને યાદ છે હું એક જાણીતા દૈનિકમાં ટ્રેઈની પત્રકાર તરીકે જોડાયો હતો અને બીજા પણ ઘણા મિત્રો મારી સાથે હતા. એક મહિના ઉપર સમય થઇ જવા છતાં વેતન આપવામાં આવ્યું ન હતું અને કોઈ ખાસ કામ પણ સોપવામાં આવ્યું ન હતું. આખો દિવસ કામ કર્યા વગર જ પસાર થતો. તંત્રી આવવા જવામાં ઘણા જ અનિયમિત હતા. કંટાળો વધતો જતો હતો અને તેનો કોઈ જ નિવેડો આવે તેમ લાગતું ન હતું. અંદરો અંદર ગુસ પુસ ચાલુ જ હતી. એવામાં જ તંત્રીનું આગમન થયું. તેઓ જેવા એમની કેબીનમાં જઈને બેઠા એવો જ હું તેમની કેબીનમાં ઘુસી ગયો અને પરિસ્થિતિની જાણ કરી આગળ નિર્ણય લેવા કહ્યું. જોકે પછી તેમણે એવું કહ્યું કે આજે હું આ વાત કરવાનો જ હતો. હું બહાર આવ્યો ત્યારે મિત્રો આશ્ચર્ય અને ઉત્સુકતાથી મને જોઈ રહ્યા કારણકે મારી છાપ એક ઓછા બોલા વ્યક્તિ તરીકેની હતી. જોકે એવું નથી કે જીવનના પ્રત્યક તબક્કે જરૂર જણાય ત્યાં હું મારી વાત રજુ કરી જ શક્યો છું. મેં પણ મારા જીવનમાં ન બોલીને ઘણી ભૂલો કરી જ છે અને ક્યાંક કારણ વગરનો લવારો પણ થયો હશે. પણ કહેવાનો મતલબ કે ક્યારેક બોલવું જરૂરી બની જાય છે. પોતાનો હક્ક માંગવા પણ બોલવું પડે. 

વક્તૃત્વાની પણ એક કળા હોય છે. બોલકા માણસો પણ જાહેરમાં બોલવા ઉભા થાય ત્યારે તેમના પગ ધ્રુજવા લાગે, ગાળામાં શોષ પડે અને જીભ થોથવાઈ જાય. એવા પણ વક્તાઓ છે જે ઓછા બોલા હોય અને જાહેર સભામાં જંગી મેદની વચ્ચે બોલે ત્યારે લોકોમાં એકતાનતા આવી જાય.અમિતાભ બચ્ચન ઓછા બોલા છે એમ કહેવાય છે પણ જ્યારે તેઓ અભિનયથી સંવાદ બોલે અને જે શ્રેષ્ઠ પરિણામ સામે આવે તેને દુનિયા જાણે છે. દિગ્વિજયસિંહ ઘણું બોલે છે પણ જો જાહેરસભા સંબોધવાની હોય તો કોંગ્રેસી સમર્થકો પણ ભાગી જાય. ગૃહ મંત્રી શિંદેની બકવાસ પછી હાફિજ યુ એન માં જઈને તેની વાત રજુ કરી આવ્યો. શિંદેનાં વેણ આપણા માટે લવારો સાબિત થયા અને હાફિજની યુનોમાં રજૂઆત તેના માટે બોલે તેના બોર વેચાય સાબિત થઇ શકે છે. 

 ઘણા ટીવી ચેનલના પત્રકારો જેનો ઈન્ટરવ્યું લઇ રહ્યા હોય તેને બોલવા ન દે અને પોતે જ પ્રશ્ન કરે અને જવાબ પણ જાતે આપી નિર્ણય પર પણ આવી જાય. આ એક પ્રકારની અશિસ્ત છે જેને બધા જ નેતાઓ આંતરી શકતા નથી. નરેન્દ્ર મોદી આ પ્રકારનો વાર્તાલાપ અધુરો મૂકી ઉભા થઇ ગયા હતા. આપણા બે જવાનો શહીદ થયા પછી આજ તક પર પ્રદર્શિત ખાસ કાર્યક્રમમાં મણી શંકર ઐયર પણ આજ તકના એન્કરને સ્પષ્ટ સંભળાવી દીધું હતું કે તમારે જ બોલવું હોય તો મને અહી શું કામ બોલાવ્યો? મણી શંકરને બોલવું હતું. 

નક્કર અને સ્પષ્ટ રજૂઆતથી જ શ્રેષ્ઠ પરિણામો પ્રાપ્ત કરી શકાય છે. રણભૂમિમાં યુદ્ધ લડયા પછી પણ જો બોલતા ન આવડે તો હારી જવાય છે. અડોલ્ફ હિટલરનું તેના સૈનિકોને એવું ઉદબોધન થતું કે તેઓ કાં તો જીતવું અથવા સીધા કોફીનમાં જ જવું એવા નિર્ણય પર આવી જતા. હેઈલ હિટલર... હેઈલ હિટલર... ના જયઘોષથી હિટલરના શબ્દોનો પડઘો પડતો. હિટલરના તેજાબી ભાષણની જાદુઈ અસર થતી. 

ભારતીય જનતા પક્ષના કોઈ નેતાએ કોઈ ખાસ કોમનો ઉલ્લેખ કરીને એમ કહ્યું હોત કે આ આતંકવાદી છે કે આતંકવાદને પ્રોત્સાહન આપે છે તો કોન્ગ્રેસીયાઓ માથે ચડી બેઠા હોત પણ અહી તો ગૃહમંત્રીના લાવરને બે દિવસ થઇ ગયા ત્યારે સામે પક્ષે પણ એવી જ પ્રતિક્રિયા અપાય છે. દુનિયાના સૌથી મોટા લોકતંત્રમાં એવી કોઈ સંવિધાનિક સંસ્થા નથી જ્યાં શિંદેનાં કથનને પડકારી તેમના 'વેણ' ને 'છેલ્લા' વેણ બનાવી દેવામાં આવે? બોલવું અને રજૂઆત કરવી પણ ક્યાં અને કઈ રીતે? એ પણ જરૂરી છે.



સોમવાર, 21 જાન્યુઆરી, 2013

શિંદેને ખબર છે અહી વાંધો નથી ત્યાં માથું કપાઈ જશે...

દુનિયાના કોઈપણ દેશના રાજકારણમાં ન થાય તેવું માત્ર આપણા સેક્યુલર ઇન્ડિયામાજ સંભવ છે. રાષ્ટ્રવાદીઓને ખોટા ચીતરી રાષ્ટ્રદ્રોહીઓને બળ પૂરું પાડી દુશ્મન દેશને ખુલ્લું નિમંત્રણ આપવું કે આવો અમારી ધરતી પર અને અમારા ટુકડા કરી નાખો...

જ્યારે પણ હિન્દુસ્તાનમાં રાષ્ટ્રદ્રોહીઓ માથું ઉચકે અને પાકિસ્તાન દ્વારા દેશની આબરૂના ધજાગરા ઉડાડવાની કોશિશ થાય ત્યારે કોંગ્રેસ (સત્તામાં હોય કે ન હોય) દોષનો ટોપલો હિન્દુવાદી-રાષ્ટ્રવાદી સંગઠનો પર ઢોળી દે છે, ક્યારેક સીધો હિંદુઓ પર જ હુમલો કરવામાં આવે છે જેને રાજકારણ કે સંગઠનો સાથે સીધી રીતે  કઈ જ લેવા દેવા ન હોય. એવું નથી કે કોંગ્રેસના નેતાઓ ભોટ અને ડફોળશંખ છે. આ એક ગંદી રાજનીતિથી પ્રેરાઈને કરવામાં આવે છે. બીજાની લીટીને ભૂસીને પોતાની લીટી મોટી કરવાનો હલકો પ્રયાસ. રાજરમત હોય, એકબીજાના પક્ષો પર લાંછન પણ લગાવાય અને એ દુનિયાના પ્રત્યેક દેશોના  પ્રત્યેક પક્ષોમાં થતું જ હોય પણ દરેકમાં  એક સીમા રેખા હોય રાષ્ટ્ર સુરક્ષાની. રાષ્ટ્ર સુરક્ષાના ભોગે આવું કઈ જ ના થાય. આવું કરનાર ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ દુનિયાનો કદાચ એક માત્ર પક્ષ હશે. ન ભૂતો ન ભવિષ્યતિ.

કોંગ્રેસનો કાળો ઈતિહાસ આ ગંદી રાજનીતિથી ખદબદે છે. જેની સ્થાપનાનો ઉદ્દેશ્ય જ એવો હતો જે વર્તમાનમાં થઇ રહ્યું છે. અને એટલે જ મહાત્માએ પણ તેને વિખેરી નાખવાનું સુચન કર્યું હતું. મહાત્માની હત્યાનો આક્ષેપ પણ સંઘ પર મૂકી સંગઠન પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો જે સંગઠનની મુલાકાત મહાત્માએ લઇ જેના રાષ્ટ્રવાદી કાર્યોની જાતે પ્રશંસા કરી હતી. સોનિયા ગાંધી કદાચ ભારતનો ઈતિહાસ ન  જાણતા હોય પણ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ પણ ન જાણતા હોય? ભારત ચીન યુદ્ધ વખતે કટ્ટર સામ્યવાદીમાંથી કોન્ગ્રસી બનેલા આજ મણી શંકર ઐયરે એ સમયે ચીનની પ્રશંસા કરી હતી. એ ભારતીય સામ્યવાદીઓ જેમણે નેતાજી સુભાષ ચંદ્ર બોજ પર લાંછન લગાડવામાં કઈ જ બાકી રાખ્યું ન હતું.

જ્યારે અટલ બિહારી વાજપેયી સત્તા પર હતા ત્યારે 'સિમી' (સ્ટુડેંટ ઇસલામિક મુવમેન્ટ ઓફ ઇન્ડિયા) ની દેશદ્રોહી પ્રવૃત્તિઓના પુરાવાઓ સામે આવતા તેના પર પ્રતિબંધ મુકવાના સમયે પણ કોંગ્રેસના કપિલ સિબ્બલે એક રાષ્ટ્રદ્રોહી સંગઠન સાથે હિંદુ રાષ્ટ્રવાદી સંગઠનોની સરખામણી કરી હતી. ઉપરાંત તેના પર પણ પ્રતિબંધની માંગણી કરી હતી. ત્યારે પણ આવો જ કકળાટ થયો હતો. વાજપાયી સરકાર આતંકવાદ વિરોધી 'પોટા'નો નવો કાયદો લાવ્યા ત્યારે કપિલ સિબ્બલે 'પોટા'ને 'રોલેટ એક્ટ' થી પણ વધારે કાળો કાયદો કહી આતંકવાદીઓ તેમના નાતીલા હોય એ રીતની વાત કરી હતી!  અને સત્તા પર આવ્યા પછી તો કોંગ્રેસી નેતાઓને મોકળુ મેદાન જ મળી ગયું. 'પોટા'નો કાયદો રદ થયો. કરોડો અરબોના કૌભાંડ અને એક પછી એક શર્મનાક ઘટનાઓની વણથંભી વણઝાર અને તેને ઢાંકવા માટે પાછલા મુદ્દાને હાંસિયા પર ધકેલી લોકોના દિમાગને ડાયવર્ટ કરવાના કીમિયા. જેમાં રાષ્ટ્રીય(?) ઈલેક્ટ્રોનિક મીડિયાનો પુરતો સાથ સહકાર.

એ પછી તો રાહુલ ગાંધી, દિગ્વિજયસિંહ, લલ્લુ યાદવ વગેરે કઈ કેટલીયે વખત આ પ્રકારના આક્ષેપો મૂકી ચુક્યા છે. અને એ પછી વળતા જવાબ રૂપે તીખી પ્રતિક્રિયાઓ પણ આવી ગઈ. અને અંતે હમેશા થાય છે તેમ મૂળ મુદ્દો કોરણે મુકાઈ જાય છે.લોકોની ભૂલી જવાની અને એક પછી બીજા મુદ્દા પર પહોચી જવાની વૃત્તિનો અહી બખૂબી ફાયદો ઉઠાવવામાં આવે છે. બાકી વધેલું કામ મીડિયા દ્વારા પૂરું કરવામાં આવે છે. ભાગલા પાડો અને રાજ કરો, વોટ બેન્કની રાજનીતિની જેમ કોંગ્રેસની દિશા બદલવાની માનસિકતા પણ સમજવા જેવી છે. દિલ્લીમાં થયેલ સામુહિક બળાત્કારના મુદ્દે ઘણો હોબાળો થયો પણ અંતે શું થયું? એ મુદ્દાને ભૂલાવવા માટે ડીઝલના ભાવ વધારી દીધા અને રેલવેના ભાડા વધાર્યા એટલે લોકોનું ધ્યાન થોડું એ તરફ ગયું.  એટલે લોકોએ એ મુદ્દો પકડ્યો. એ જ રીતે શ્રી ભાગવત અને આસારામ બાપુને વચ્ચે લાવીને કોંગ્રેસને સરકવા માટે માર્ગ મોકળો કરવામાં આવ્યો. એક પછી એક મુદ્દાઓ ઉભા કરી લોકોને ગૂંચવી નાખવામાં આવે છે અને સરકાર જવાબ આપવામાંથી આબાદ છટકી જાય છે. હવે પાકિસ્તાન સામે કાર્યવાહી કરવાને બદલે ગૃહમંત્રી શિંદેનો લવારો અમસ્તો જ નથી. શિંદે અને તેમની સરકાર સુપેરે જાણે છે કે હિંદુઓને કઈ પણ કહેવાથી વાંધો નહિ આવે થોડું બોલીને શાંત થઇ જશે. થોડીક લાકડીઓ હવામાં વીંજાશે. એ સિવાય કરશે શું? અને જો વાત વણસી જાય તો ફેરવી તોળીશું, મીડિયા તો હાજર જ છે. આ પહેલા પણ આમજ થયું છે ને શું ઉખાડી લીધું કોઈએ?

બોલવા, લખવા અને નિવેદનો પ્રગટ કરવા સિવાય પણ નક્કર દિશામાં કામ નહિ થાય તો આ દેશના ટુકડા થતા વાર નહિ લાગે. શિંદે અને તેમના જેવા કાઢી કાઢીને કેટલું કાઢશે? શિંદે જેવા કૈક આવ્યા અને ગયા તારો વૈભવ અમર રહેશે એ વાત સાચી પણ અમરતાની વાતો કરી હાશકારો લેવો તેમજ પાકિસ્તાનના ટુકડા કરી નાખતા હોય તેવા ફોટા અપલોડ કરે રાખવાથી પાકિસ્તાનનું કઈ બગડી જવાનું નથી. શિંદે અને દિગ્ગીને ગાળો દેવાથી પણ કઈ નહિ થાય. બધા હિંદુઓ ભેગા મળીને રાષ્ટ્રની સમસ્યાઓને પોતીકી નહિ ગણે ત્યાં સુધી આમજ ચાલ્યા કરશે.

અને શિંદે સાહેબ આતંકવાદ એટલે શું તમને ખબર છે? ન ખબર હોય તો તમને રાષ્ટ્રના ગૃહમંત્રી તરીકે રહેવાનો કોઈ જ અધિકાર નથી. આતંકવાદી હુમલામાં પોતાના સ્વજનને ગુમાવેલ કોઈ હિન્દુને પૂછી જુઓ. બોમ્બ બ્લાસ્ટ થાય ત્યારે માનવ દેહો હવામાં ફંગોળાય છે, શરીરના ચીન્થડા ઉડી જાય છે અને માંસના લોચા બહાર આવી જાય છે. મનુષ્ય દેહો અંતિમ ક્રિયા કરવાલાયક પણ નથી રહેતા. એ આતંકવાદીઓ અને દુશ્મન દેશ સામે પગલા લેવાને બદલે તમે પ્રમાણ વગર આક્ષેપ મુકો તે ગૃહમંત્રી તરીકે શોભતું નથી. અને જો હિંદુઓ આતંકવાદી હોય તો ૨૫ કરોડ મુસ્લિમોની અને તમારી શું હાલત થાય તેની કલ્પના કરી જુઓ.